ધણીની નિંદા ! - સૌરાષ્ટ્રની રસધાર


ભાલ પંથકના બોરુ ગામના ગઢમાં છાનામાના વાવડ મળ્યા કે ભડલીની કાઠિયાણીઓ સમાણું દેવીને દર્શને આવી છે. ભારોજી ઠાકોરે આનંદમાં આવી જઈને પૂછ્યું : “એલા ! કોના ઘરનાં ?”
“બાપુ ! ભેાજ ખાચરનાં પંડનાં જ ઘરવાળાં.”
મૂછો ઉપર હાથ દઈને વાઘેલા રાજા બેઠો થઈ ગયો. એણે આજ્ઞા કરી : “ઘોડાં ! ઘોડાં ! ઘોડાં સાબદાં કરો ! આજ કાઠીઓનેય ખબર પાડીએ કે રજપૂતોનાં વેલડાં લૂંટતાં કેટલી વીસે સો થાય છે. ભેાજ ખાચરના ઘરની આઈઓ તે મારી મા-બહેનો છે. હું રજપૂત છું. પણ મારે આજ તો આ ફાટેલ કાઠી ડાયરાને અનીતિના મારગ છંડાવી દેવા છે.”

ભારોજી રાજ ચડ્યો. સમાણીના થાનકમાં કાઠિયાણીઓને ખબર પડ્યા કે વાઘેલા રાજા ઓજણાં વાળવા આવે છે. કુંજડીઓની માફક કાઠિયાણીઓના કળેળાટ બોલ્યા. અબળાઓને એકેય દિશા સૂઝતી નથી. એણે ચારે દિશામાં આકુળવ્યાકુળ નજર નોંધી. સામે એક ગામડું દેખાણું: પૂછ્યું : “ભાઈઓ, કયું ગામ ?”
“ઉતેળિયું.” ગાડાખેડુઓએ કહ્યું.
“કોનું ગામ ?”
“વાઘેલાનું, આઈ! એ બધા પણ ભારાજીના ભાયાત થાય છે. ”
“ફિકર નહિ, બાપ ! આપણાં વેલડાં ઉતેળિયાના ઝાંપામાં દાખલ કરી દ્યો. એ રજપૂત હશે તો નક્કી આપણાં રખવાળાં કરશે.”
કાળો કળેળાટ બોલી ગયો. વેલડાં ઉતેળિયાના ગઢમાં જઈ ઊભાં રહ્યાં. દરબારને બધી હકીકતની જાણ થઈ. એણે કહેવરાવ્યું : “આઈઓ ! હયે જરાય ફડકો રાખશો મા. ભારાજીનો ભાર નથી કે મારે શરણે આવેલાને આંગળી લગાડે !”
ભારોજી ભાલું હિલોળતા આવી પહોંચ્યા. ઉતેળિયાના ધણીએ ગઢને દરવાજે આવીને કહ્યું : “ ભા ! રજપૂતનો ધર્મ તને શીખવવાનો હોય ? આંહી ગઢમાં પગ મૂકીશ તો સામસામાં લેાહી છંટાશે. બાકી, હા, ઉતેળિયાના સીમાડા વળોટે એટલે તારે ગમે તે કરજે.”
રજપૂતે રજપૂતની આંખ ઓળખી લીધી. ભારોજી પાછો ફરી ગયેા.
ઉતેળિયાના ઠાકોરે ભડલી સમાચાર પહોંચાડ્યા. ભેાજ ખાચર મેાટી ફોજ લઈને આવ્યા. કાઠિયાણીઓ તો ભડલી ભેળી થઈ ગઈ, પણ ભેાજ ખાચરના મનનો ડંખ કેમ જાય ? બોરુ ગામને માથે ભોજ ખાચરના ભૈરવ જેવા પ્રચંડ કાઠીઓ ત્રાટક્યા અને એ ધીંગાણામાં ભારોજી કામ આવ્યા. ભેાજ ખાચર ભારોજીનું માથું વાઢીને પોતાની સાથે લેતા ગયા.
સ્વામીનો ઘાત થયો સાંભળી ભારોજીની રજપૂતાણીને સત ચડ્યું, કાયા થરથર કંપી ઊઠી, પણ ચિતામાં ચડાય શી રીતે ? ધણીનું માથું તો ખોળામાં જોઈએ ને ! રાણીએ સાદ નાખ્યો : “લાવો, કોઈ મારા ધણીનું માથું લાવો. મારે ને એને છેટું પડે છે.”
ચારણ બોલ્યો: “માથું તેા ભોજ ખાચર ભેળું ગયું. અમે બધાય જઈને ત્યાં મરીએ તોયે એ માથું નહિ કાઢે. એ ભોજ છે, કાળમીંઢ છે.”
“એ બાપ ! મારા નામથી વિનવણી કરજે.”
“ભોજનું હૈયું એવી વિનવણીથી નહિ પીગળે. રજપૂતાણીના તરફડાટ જોવામાં એ પાપિયાને મોજ પડશે.”
“ચારણ ! મારા વીર ! તારી ચતુરાઈ શું આવે ટાણે જ ખૂટી ગઈ?”

“મા, એક જ ઉપાય છે – બહુ હીણો ઉપાય છે : મારું સૂડ નીકળી જાય એવું પાતક મારે કરવું પડશે. ખમજો, હું લઈને જ આવું છું.”
એમ કહીને ચારણ ચડ્યો; મોઢુકામાં આવીને આપા ભેાજને એણે સમાચાર કહેવરાવ્યા કે એક ચારણ તમને બિરદાવવા આવ્યો છે. ડાયરામાં જઈને “ખમ્મા ભેાજલ ! ખમ્મા કાઠી ! ખમ્મા પ્રજરાણ !” એવા કંઈક ખમકાર દઈને આપા ભોજનાં વારણાં લીધાં, મધુર હલકથી એણે દુહા ઉપાડ્યા :
ભોજા, બંધ ભારા તણા, કાપ્યા કરમાળે

પૂળા ૫વાડે, તેં વેરાડ્યા વેળાઉત !
હે વેળા ખાચરના કુંવર ભોજા, તારી તલવાર વડે તેં ભારાજી નામના ભારાના બંધ કાપી નાખ્યા અને યુદ્ધરૂપી ખેતરમાં એ ભારાના યશરપી પૂળા તે વેરણ છેરણ કરી નાખ્યા.
“વાહ ગઢવા ! રંગ ગઢવા ! રૂડો દુહો કહ્યો.” એમ સહુ કાઠીઓ દુહાને વધાવવા લાગ્યા. ચારણે બીજો દુહો કહ્યો :
કરમાળની કોદાળી કરી, સજડે કાઢ્યું સૂડ,

જડે નહિ જડમૂળ, ભારાવાળું ભોજલા !
હે ભોજારૂપી ખેડુ, તલવારને કોદાળીરૂપે વાપરીને તેં ભારાજીના વંશરૂપ સાઠીઓને મૂળમાંથી જ ખોદી કાઢી. હવે તો એનાં મૂળિયાં પણ હાથ લાગવાં મુશ્કેલ થઈ પડ્યાં છે, એવું વીર્યશાળી કામ તેં કર્યું છે.
“ઓ હો હો, બા ! ગઢવે તો લાખ રૂપિયાનો દુહો કહ્યો. હા ! શી એની કરામત !” – એવી તારીફ થઈ એટલે બાંયો ચડાવી ચારણે આગળ ચલાવ્યું –
માથાં મોઢુકા તણાં, ઝાડે બાંધ્યાં જે,

વાઘેલાનાં વાઢ્યે, ભડ તેં ટાળ્યા ભોજલા !
હે વીર ભોજા ખાચર, વાઘેલાને તેં માર્યો એટલું જ નહિ, પણ એનાં માથાં તો તેં મેાઢુકા ગામના ઝાડની ડાળીએ લટકાવ્યાં.
એમ એક, બે ને ત્રણ દુહા કહેવાતાં તો ભોજ ખાચરના પાસાંબંધી કેડિયાની કસો તૂટવા મંડી. એને મોજના તોરા છૂટવા લાગ્યા. ભેાજા ખાચરને લાગ્યું કે જગતમાં મારો જોટો નથી !

પણ ચારણ તો જેમ જેમ દુહા કહેતો જાય છે તેમ તેમ એની પાંપણો ભીંજાતી જાય છે : એના કાળજામાં ઘા પડે છે, એમ ફાટતે હૈયે એણે ભેાજા ખાચરની તારીફના વીસ દુહા પૂરા કર્યા. આપા ભેાજે હાકલ કરી: “ગઢવા, મોજમાં આવે તે માગી લ્યો.”
“બીજું કાંઈ નહિ, બાપા ! ભારાજીનું માથું જ માગું છું.”
“ભારાજીનું માથું ! તમે એને શું કરશો ?”

“બાપ ભોજા ! મારી માતાને સત ચડ્યું છે. એના ખોળામાં સ્વામીનું માથું પહોંચાડવું છે.”
“ત્યારે તમે ભારાજીના ચારણ છો ?”
“હા, બાપ ! લાવો માથું. મારી માતાને અને એના ધણીને મળવાની વાર થાય છે.”
“ગઢવા, શિરામણ લઈને જજો. શીખ કરવી છે.”
“આપા ભેાજ! તારા ગામનું તો અન્ન-પાણી પણ મારે ગોમેટ છે; અને તારી – મારા માલિકના મારતલની – શીખ હોય ? ભડલીનું રાજ દે તોય ન લઉ. એકવચની હો તો લાવ્ય ઝટ માથું.”
“ત્યારે મારી કીર્તિ શીદ ગાઈ, ગઢવા ?”
“રજપૂતાણીને ખાતર, બાકી મારે તો રૂંવાડે રૂંવાડે કીડા પડજો – મેં ઊઠીને મારા ધણીને વગેાવ્યો !”
અન્નજળ વિનાનો ચારણ ભારાજીનું માથું લઈને ચાલી નીકળ્યો.
બોરુને પાદર રજપૂતાણી ચિતા પર ચડી.
લેખક – ઝવેરચંદ મેઘાણી

આ માહિતી સૌરાષ્ટ્રની રસધાર માંથી લેવામાં આવેલ છે.