પ્રકરણ ૪ થું. - સાસુ વહુની લડાઈ (મહિપતરામ રૂપરામ નીલકંઠ)

પ્રકરણ ૪ થું.

તેજ રાત્રે ઘેર જતાં (ગંગાશંકરથી છુટા પડ્યા પછી) હરિનંદે એક બાયડીને રસ્તામાં રોતી જોઈ. તેની આસપાસ ટોળું મળ્યું હતું. “ઓ મારી મારે મને મારી નાખીરે ! એ રાંડની શિખવણીથી એ મુવા દઈતે મને મારીરે ! બાપ બહુ દુખે છે ! એ દીકરો ફાટી મરે રે, એને માતાજી ખાય ! હાય હાય હવે હું કોના ઘરમાં જઈશ ! મને અરધી રાતે ઘરમાંથી કાઢી !” તેનો એક પડોશી તેને સમજાવીને પોતાના ઘરમાં લઈ જતો હતો, લોક તેના છોકરાનો તથા વહુનો ધિક્કાર કરતા હતા. એ રોનારી ઘાંચણ હતી. હરિનંદના મનપર ગંગાશંકરે જે અસર કરી હતી તે એના વિલાપથી નબળી પડી ગઈ.

તોપણ તે દહાડાથી ધણી ધણીઆણીને વધારે બનવા લાગ્યું. પોતાનો પાસો સવળો પડતો જોઈ સુંદર અચરત પામતી. સ્વામીની દ્રષ્ટિ અગાઉ જેટલી કરડી નથી, તે જરા વહાલ દેખાડે છે, ને હેતથી બોલાવે છે એવો અનુભવ થતાં બહુ હરખાઈને તેણીએ અંબાજીમાં ઘીનો દીવો કર્યો. એવો લાગ ફરીને હાથ આવવો કઠણ છે એવું જાણી તેણીએ વરને રાજી કરવાને પોતાથી થયું તેટલું કર્યું. જે સુખ શાન્તી ભોગવવાનો સ્વભાવિક, પરમેશ્વરથી મળેલો, વર વહુનો હક છે તેમાંનાં થોડાંકનો સ્વાદ એઓએ છાનો છાનો ચાખવા માંડ્યો.

પણ ચાર દહાડાનું ચાંદરણું ને પાછી અંધારી રાત. હરિનંદનું મન દ્રઢ નહતું, તેથી મા થોડા માસમાં ફેરવી શકી. વળી નાથની માનીતી થવાની વાત જાહેર કરવામાં તથા સાસુજીની જુલમી હકુમતમાંથી છુટવાને સુંદર વહુએ ઉતાવળ કરી કામ બગાડ્યું. એનું સુભાગ્ય અણચણોથી ઢાંક્યું રહ્યું નહીં. તે ભુંડી પણ ચપળ નારીએ હરિનંદની ચાલમાં જે ફેર પડ્યો હતો તે વરતી કાઢ્યો, ને પોતાની દુષ્ટ ગોઠવણો કરવા માંડી.

સુંદરની નણંદ માથે આવી હતી તેવામાં સાસુએ એક ઢોંગ ઉડાવ્યો. હરિનંદને સાંજરે ઘેર આવવાની વેળા થઈ તે વારે તે થર થર ધ્રુજવા લાગી ને બે ગોદડાં ઓઢીને પરશાળમાં છપરખાટ હતી તેપર સુઈ ગઈ. ત્યાર પહેલાં પા ઘડીપર સુંદર કોઈ સગાને ઘેર મીઠું પાણી લેવા ગઈ હતી. હરિનંદ આવ્યો તેવો માની કને જઈ બેઠો ને ખબર પુછી. ગોદડામાંથી મોહો કાઢી હાંફતી હાંફતી તે બોલી બેટા તું ને તારો ભાઈ જમીને બપોરે ગયા પછી ઘડી બેએક થઈને મને ટાઢ આવી. ટાઢ તો ટાઢ કે એવી મને આજલગી કોઈ દહાડો આવી નથી, જોને હજી ધ્રુજું છું. ટાઢ ઉપર તાવ કકડીને આવ્યો. માથું તેમ દુખે, પગ તેમ ચુંથાય, ને પાણીની તરસ તો કહે મારૂં કામ, ગળે ગળું મળી જાય. એમ કહેતી જાય ને આંખમાંથી આંસુ પાડતી જાય. હરિનંદ કહે રડે છે શાને છાની રહે માડી, હોય દેહ છે. મા કહે દીકરા હું આ દુખને નથી રોતી મારા કરમને રોઉં છું. આટલા આખા ઘરમાં મનીસ પણ આવી વખતે મને પાણી પાનાર સરખું કોઈ પાસે મળે નહીં, કમળી અળગી બેઠી છે. એ જઈને (પાડોશણ) ઈછાને બોલાવી લાવી તેણે આ દેગડી ભરી પાણી આપ્યું ત્યારે પીધું. તે બાપડી કેટલીબધી વાર મારી પાસે બેઠી; માંથુ ચાંપ્યું, ધુપેલ ઘસ્યું ને હમણાં જ ગઈ. થોડે દૂર કમળા બેઠી હતી તેની આંખમાંથી પણ ડળક ડળક આંસુ પડવા માંડ્યાં. હરિનંદે બેહેનને પૂછ્યું કે ભાભી ને એ બંને ક્યાં ગયાં. કમળા કહે એ બેનો એક સંપ છે. બીજાના ઘરમાં દેરાણી જેઠાણીને જરાએ ન બને, ને આપણે ઘેર એથી ઉલટું છે, ત્યારે માને આટલી વિપતી પડે છે. માટે આવી વેદના થાય છે તે નજરે જોય છે પણ પુછતાં નથી કે શું થયું છે. બપોરનાં બે જોડે ગયાં છે તે હજી આવ્યાં નથી. તારી વહુ લાલા કાકાને ટાંકેથી પાણી લાવવાને બહાને ગઈ છે, ને મોટી ભાભી તો પીએર ગઈ છે, એની મા માંદાં થયાં છે, શું કાંઈ એ રાંડ માંદી નથી. પીએરને નામે કોણ જાણે ક્યાં ભમતી હશે. મોટાભાઈ તો એને કાંઈ કહે નહીં, એટલે તે બાને શાની ગણગારે.

એવામાં વીજીઆનંદ આવ્યો, ને છપરખાટની સોડે માંચી હતી તે પર બેઠો. એનું મોહો ક્રોધાંત જોઈ પેલાં વાત કરતાં બંધ થઈ ગયાં. જરાવાર બેસી તે બોલ્યાં. “એ રાંડને મારી નાંખું, એ વાત શી મારા મનમાં કેટલાંક દહાડાથી શક હતો, પણ આજે મારી ખાતરી થઈ.”

કમળાએ જાણ્યું કે હું બોલી તે એણે બારણા પછાડીથી સાંભળ્યું તે પર ગુસ્સે થયો છે. તે ઉઠી ગભરાતી આઘી બેઠીકે રખેને મારે. હરિનંદને પણ તેવીજ ભ્રાંતી પડી, તેપરથી તેણે કહ્યું જુવોને બેન રજસ્વાળામાં છે, ને માને લોઢું ધીક્યું હોય તેવો તાવ આવ્યો છે, માથું મસ દુખે છે, તાંટીઆ ચુથાય છે, પણ ઘરમાં કોઈ મળે નહીં.

વીજીયાનંદ કહે શુંદરભાભી ક્યાં ગયાં છે તેની મને ખબર નથી, પણ એને તો મેં હમણાં જ પેલા ફકીરના તકિયામાંથી નિકળતી જોઈ. મારી સાસુ જોડે હતી. આપણે બ્રાહ્મણે મુસલમાનના ફકીરની પાસે કહેવું જવું. મેં સાંભળ્યું હતું કે એ ત્યાં જાય છે, પણ મારે મોઢે નામુકર જતી હતી તે આજ પકડી; આજ રાંડને મારી નજરે ફકીરના તકિયામાંથી નિસરતી દીઠી. એની રાંડ મા એને ભમાવે છે, ને બગાડે છે. છોકરાં જોઈએ છીએ માટે કેટલા દોરા ને ચીઠીઓ કરાવી છે, પારવિનાની બાધા રાખી છે; પથ્થર એટલા દેવ કરી ચુકી; જે ધુતારો આવે છે તે પૈસા લઈ જાય છે; હું તો કાયર થયો છું મા. પેલો સાળો ભુવો ભૂત કાઢવા આવવા લાગ્યો છે ત્યારથી એ લત પડી છે.

હરિનંદે પૂછ્યું મોટાભાઈ, ચૌટામાં જુમામસીદની પડોસમાં તકિયો છે તેમાં ભાભી ગયાંતાં ? એમાં કોઈ નવો ફકીર આવ્યો છે એ બહુ લુચ્ચો કહેવાય છે. રૂપેરંગે કાંઈ સારો નથી, ને સારેવાને નથી, પણ બોલવાની છટા જબરી છે. એ સાળો ઘણાં બઈરાંને છેત્રે છે. એ બધી વાતે પુરો છે. સારા ઘરની સ્ત્રીઓએ એની કને ન જવું જોઈએ.

વીજીઆનંદ કહે ખરૂં, જોઉંતો ખરો હવે બીજીવાર છે ત્યાં કેમ જાય છે. ફરીને જાયતો પગ વાઢી નાખું.

તો એ સાંભળી ડોસી ગોદડામાંથી માથું બહાર કાઢી મોહો મરડી બોલવા જતી હતી એવામાં સુંદર પાણી લઈને આવી તેથી છાની રહી.

પાણીઆરા પર ગાગર ને ઘડો જેવાં મુક્યાં કે હરિનંદ પાછળથી જઇને થડાથડ ટપલા ને લાતો મારવા મંડી ગયો. વિજીઆનંદે આવી ઝાલી લીધો ને દૂર ખસેડ્યો. આવડું આકળાપણું શું, તે કહે, મારા જેવી પ્રપંચી મળી હોત તો તું કોણ જાણે શું કરત. હરિનંદ કહે એ વાત શી ! વીજીઆનંદ કહે વારૂં વારૂં જાણ્યું, જા તારું કામ કર; ચાલ જઈ લુગડાં ઉતારીએ. બંને ભાઈ મેડીએ ચડ્યા પછી કમળા નણંદ મોટું મોહો ચડાવી તબડકો કરી બોલ્યાં “ભાભી આતે વાર શી, જુવો તમે ક્યારનાં ગયાંતાં, હું અભડાએલી છું ને ઘરમાં બીજું કોઈ નથી તે તમે જોઈને ગયાંતાં !” સુંદરે રીસમાં ઉત્તર આપ્યો કે એમ લડાવી નો મારીએ, જુઠું ભરાવીને. શી વાર થઈ ? ચાર ઘડીએ નથી થઈ, હમણાં ગઈ હતી, અંબામાશી ઓટલે બેઠાં હતાં તેમણે અધઘડી બેસાડી એટલી વાર થઈ.” નણંદ બોલી, અંબામાશીએ તો નહીંને પેલી તમારી અંબાગવરી આખા દેશનો ઉતાર છે તેણે બેસાડ્યાં હશે. સુંદર કહે શાને મારી અંબાબેનને વગોવો છો, "પોતાનાં હોય તેને કહીએ, પારકાને ના કહીએ.” એટલે ગોદડામાંથી સાસુજી બોલ્યાં, “ઓહો આતે શો મરડાટ !' એવામાં વીજીઆનંદે આવી એ શબ્દજુધ અટકાવ્યું.

આ શરૂઆત થઈ તે દહાડે દહાડે વધતી ગઈ, અને તેનાં પરિણામ અત્યંત શોકકારક થયાં. કુપાત્ર સાસુ ને નણંદ બિચારી સુંદરને એક દિવસ જંપવા ન દે. અંદરનો ખરો ભેદ પારખવાની પોંચ હરિનંદમાં નહતી. ડોસી તાવનો ઢોંગ કરીને હોડીપોડીને ધ્રુજતી સુતી ને સુંદર બપોરની બારણે ગઈ એમ તેને જુઠું સમજાવ્યું તેની જરાએ તજવીજ કરી હોત તો સત્ય અસત્ય માલમ પડત. એમ ન કરતાં તેણે કપટી માબેનના કહેવા પર ભરોસો રાખી સ્વપત્નીની વાત જરાએ સાંભળી નહીં. ત્રણ દહાડા સુધી તો તેની સાથે ભાષણ જ ન કર્યું. પછી બોલ્યા વગર તો ચાલ્યું નહીં, પણ એ બોલવામાં ધુલ પડી સમજવું, એના કરતાં ન બોલતો હોત તો સારું. મીઠું વચન તો એકે કહે નહીં, હરરોજ તેને ને તેની મુએલી માને મનમાં આવે તેવી ગાળો ભાંડે, ને છાસને વારે તેનાં હાડકાં ભાગે. ગંગાશંકરની શિખામણની વાત સાંભળીને રાતે આવતો હતો તે વેળા તેણે જે ઘાંચણને માર્ગમાં રડતાં કકલતાં જોઈ હતી તેનો દીકરો એના શેઠના ઘરનો ઘાંચી થયો હતો. એક વખત હરિનંદને તેની સાથે મળવું થયું એની મા જોડે લઢાઈની વાત પુછી તે પરથી ઘાંચીએ કહ્યું, એ લઢાઈ કરાવતી હતી, તે બાયડીને મેં કાઢી મુકી છે. પહેલાં તો મને માનો વાંક લાગતો હતો, પણ પછીથી જણાયું કે તે બીચારી કાંઈ બોલતી નહોતી. એ રાંડ બાયડી એને હેરાન હેરાન કરતી હતી. હરિનંદે એ પરથી વિચાર્યું કે જગતમાં વહુ માત્ર ખરાબ ને સાસુને દુભનાર છે. એ વાત તેણે તેના ભાઈ આગળ કરી. ભાઈએ કહ્યું મારો મત એ છેકે બધી વાતમાં એમ હોતું નથી, કોઈને ઘેર સાસુનો વાંક હોય છે ને કોઈને ઘેર વહુનો વાંક હોય છે એટલું જ નહીં પણ ઘણું કરીને વહુ કરતાં સાસુ વધારે અપરાધી હોય છે. મેં કહેવત નથી સાંભળી કે 'સાસુ ભાગે તે ઠીકરાં ને વહુ ભાગે તે કલેડાં'. સ્ત્રી ભુંડી હોય ને વર તેને વસ પુરો હોય, એટલો કે બીલકુલ તેના કહ્યામાં રહે, ને ઘરનો ખરચ ચલાવતો હોય ત્યારે સાસુને દુખ પડે છે; પણ તેમ કોઈને જ હોય છે. બેત્રણ છોકરાંનો બાપ થાય ત્યાં સુધી ઘણું કરીને પુત્ર માના તેજમાં અંજાયો રહે છે, કેમ કે તેણે તેને ઉછેરી મોટો કરેલો ને લાડ લડાવેલાં; એની મા દુષ્ટ હોય તો વહુવારૂને મેણે મેણે ટુંપી નાખે છે, ને અનેક યુક્તિએ પીડે છે. એ દમવામાં નણંદ પણ મળેલી હોય છે. વખતે વહુને ખાવા લગી નથી આપતાં, અથાણુ, શાક, પાપડ, ઘી, વગેરે પોતે ખાય, ને તેને ફક્ત સુકું ધાન કે રોટલા તેલ ચોપડી આપે, વગેરે ઘણીક રીતે હેરાન કરે, જુઠાં આળ ચડાવે ને વગોવે. કેટલીક વહુ સામી થાય છે, ને કેટલીક જાણે મુનીવરત લઈ બેસે છે. તે એ વાત સાંભળી તો હશે, એ ખરી નહીં હોય પણ લોકમાં ચાલે છે કે દમડીની રાઈ સારૂ વરવાડ થઈ તે પરથી વહુને એની સાસુએ બે દહાડા જમાડી નહીં, ત્યારે ત્રીજે દહાડે તેણે રોટલીઓ ચોરી ખાધી તે પરથી તેને (વહુને) કુવામાં નાંખી.

'દમડીકી રાઈ, સાસુ વહુની લડાઈ;

આધી રોટી ચોરાઈ, ખુણે બેઠકર ખાઈ;

સાસુ મારવા ધાઈ, વરે કુવામાં ગીરાઈ.”

હરિનંદ હસ્યો ને કહ્યું એ કોઈ મશકરાએ જોડ્યું છે. મા, જનેતા, જેણે આપણને આ ભૂમિપર જન્મ આપ્યો ને મહાકષ્ટ વેઠી મોટા કર્યા તે પહેલીને પછી વહુ. મા બીજી લાવી શકાય છે ? વહુ તો એક મરે ને બીજી આવે. આપણી નાગરની નાતમાં પૈસા ખરચવા પડે છે; આ સાઠોદરા, વીસનગરા, ઔદીચાદિઓમાં તો ઉંચકુળ હોય તો ઉલટી સામી પૈસા લાવે છે. વહુ આપણી દાશી છે, લુંડી છે, ગુલામડી છે, એ મુરખી કોણ થાય છે. હવે જોઉ તું તારી વહુને ફકીરને તકીએ જતી કેમ અટકાવે છે ! હું મારીને બેસ કહું તો બેસે ને ઉઠ કહું તો ઉઠે, પાણી પી કહું તો પીએ ને ના કહું તો ના પીએ. મરદ તે અમે. એમ એમ કહી મૂંછ ઉપર હાથ ફેરવ્યો, ને બોલ્યો મારા કહ્યા વગર એનાથી ડગલું ભરાય શું !! એ જુસ્સા ભરેલા બોલથી વીજીઆનંદને મનમાં માઠું લાગ્યું.

પ્રકરણ ૩ જું - સાસુવહુની લઢાઈ (મહિપતરામ રૂપરામ નીલકંઠ)

પ્રકરણ ૩ જું

સુંદરને દાદરેથી હડસેલી પાડી, તેનું માથું ફુટ્યું, ને બે ઘડીએ શુદ્ધિ આવી, તોએ કોઈએ ચાંગળું પાણી પીવાનું આપ્યું નહીં, ને તેની ભણી નજર સરખીએ કરી નહીં, એ વાત તેની જેઠાણીએ બીજે દિવસે પોતાને પીએર જઈ કરી, ને ત્યાંથી આખી નાતમાં ફેલાઈ ગઈ. હરિનંદના સાથીઓ તેની મશ્કરી કરવા લાગ્યા. એક કહે પંડ્યાજીએ તો વાઘ માર્યા; બીજો કહે પંડ્યા કહેતો ખરો બચ્ચાં શા પ્રાક્રમ કર્યા. એક જુંગો સાત લાડુનો ઘરાક હતો તે કહે બેટાજી મને સીડીએથી હડસેલી પાડે તો બતલાવું, આ તારા મોઢામાના બત્રી દાંતમાંના કેટલા પોતાની જગાએ રહે છે તે ત્યારે ખબર પડે. હરિનંદે હસીને ધડલઈને તેને ધોલ ચોડ્યો. જુગાએ તેની ફેંટ પકડી ઉચક્યો; બીજા વચમાં પડ્યા તેથી જવા દીધો, નહીં તો પટક્યા વગર રહેત નહીં.

એ ટોળીમાંના ઘણાક વહી ગએલા ગણાતા. હાલના જુવાની જેમ સોડાવાટર, લેમોનેડ, પોર્ટવાઈન, ને બ્રાંડી પીએ છે, ને બિસકિટ ને પાંઉ ખાય છે, તેમ તે કાળના છોકરા ગાંજો પીતા, અરબલ લોકના બુંદ ખાનામાં બુંદ પીવા જતા, ને નાનખટાઈ ને ભઠીઆરાના રોટલા વગેરે ખાતા. હરિવંદના જુંગાને પુલાવ બહુ ભાવતો. એમાંના એકનું નામ કુબેરભટ હતું. તે તળાવના મહાદેવના દેહેરામાં ભંગડખાનુ રાખતો. દહાડે કચેરી બહાર જઈ બેસી લોકની અરજીઓ લખી આપે, ને સાંજના ભાંગ પીવા આવનારાને પૈસાની બે લોટી લેખે માયા પાય. પોતે લીલી ઘોડી (ભાંગરૂપી) પર ચડ્યા હોય તે વેળા છાંટ મારવામાં ચતુર હતા ને તેથી જ્ઞાની ને ડાહ્યામાં ખપતા.

એ ટોળીમાં કેટલાક સારા આદમીઓ પણ હતા. એમાંના એકનું નામ ગંગાશંકર ત્રવાડી હતું. તેણે ચાર દહાડા વચમાં જવા દઈને હરિનંદને એકાંત બેસાડી ઘણી શિખામણ દીધી. નાતમાં કેટલાક બઈઅર મારૂ હતા તેમની વાત કહાડી ને તેમના જંગલીપણાના કેવાં માઠાં ફળ થયાં છે તે સમજાવ્યાં. કકુભાઈ અને મોટાજી નામે મોડાસામાં બાયડીને મારવામાં બદનામ પામેલાની વાત કહી. એ બંનેમાં કાંઈક સગપણ હતું. બંનેના સ્વભાવ જુદા હતા, ફક્ત બે વાતે મળતા, વહુને મારવી ને વ્યભિચાર કરવો એ બે ભુડાં કામમાં તેઓ સરખા હતા. એમની સ્ત્રીઓ માર ખાધે જરા સુધરી નહોતી, ઉલટી બગડી હતી; તેમને માર ખાધાથી લાજ લાગતી નહોતી, ને શાની લાગે; રોજનું થયું એટલે નફટ થઈ ગઈ હતી. એક તો મોટી મોટી માતેલી ભેંશ જેવી જાડી થઈ હતી, ને કાંઈ કાંઈ જાતના ફતવા કરતાં શિખી હતી. કકુ ને મોટો મળે ત્યારે બડાઈ મારે, એક કહે હું મરદ ને બીજો કહે હું મરદ, એક દિવસે શરત બકીકે જોઈએ આજ વધારે કોણ મારે છે. પોતાનો આ બુરો મમત અમલમાં લાવી શક્યા નહીં કેમકે એક પાડોશીના જાણવામાં એ વાત આવી. તે એમના કર્મોથી કંટાળી ગયો હતો. તેણે જઈ એ બીના ગામના હાકેમને જાહેર કરીને સારા આબરૂદાર સાક્ષીઓ આપ્યા, તે પરથી તે બંને દુષ્ટોને એક એક મહિનો હેડમાં ઘાલી રાખ્યા, ને સો રૂપીઆ દંડ આપ્યો ત્યારે છુટ્યા. છોડતી વેળા હાકેમે તેમને સારી શિખામણ દીધી. તેણે કહ્યું જુવો અમારી નજરમાં બધી રઈએત સરખી છે. અમારે મરદ, ઓરત, ને બચ્ચાં, સરવેનું રક્ષણ કરવું જોઈએ. પુરુષ જેમ ફરીઆદ કરી શકે તેમ સ્ત્રી પણ કરી શકે ને છોકરા પણ કરી શકે. અમારા તમારા ધર્મમાં ધણી ને બાયડી ઉપર, અને માબાપને છોકરાં ઉપર, કેટલોક અધિકાર આપ્યો છે, તે ઉપરાંત જે વાવરે તેને સજા કરવાનો પાદશાહનો હુકમ છે.” કોઈ આદમી પોતાની વહુને કે છોકરાને મારી નાંખે તો તેને ગરદન મારીએ; મારી ન નાંખે પણ વગર કારણે અમરીઆદ પીડા કરે તો એ તેને શિક્ષા કરીએ છીએ. સ્ત્રીને પરમેશ્વરે સરજાવી છે, ને તેને સ્વર્ગ નર્ક છે. તેનો વાંક હોય ને તે સુધરે નહીં તો જુદી રાખો પણ એમ જંગલી રીતે પશુ જેવી ગણો તે નહીં ગણવા દઈએ. જાઓ આ વખત થોડો ડંડ થયો છે, બીજીવાર પકડાશો તો ભારે સાસન થશે.

ગંગાશંકરે હરિનંદને કહ્યું હું તમને ડરાવવાને નથી કહેતો પણ ચેતાવવાને કહું છું, કે ફરીથી એવું ન થાય તો સારૂ. તેં તેને દાદરેથી પાડી નાખી ને તેનું માથું ફુટ્યું. એ વાત કચેરીમાં ગઈ તો પછી તમારી શી વલે થાશે, તેનો વિચારે નહીં કર્યો હોય. તારી મા ને બેન તે સમે ત્યાં હતાં તેમને સાહેદી પુરવા બોલાવે તો શું કરો ? એ સાંભળી હરિનંદના મનમાં ભય ઉત્પન્ન થયું તે તેના ચેરા પરથી જણાયું. એનો લાભ લઈને ગંગાશંકરે તેને સુધારવાને વધારે પ્રયત્ન કર્યું. માનો ઉપકાર છોકરા ઉપર કેટલો બધો છે, ને માની સેવા ચાકરી કરવી, સહાયતા આપવી, માયાહત રાખવાં એ છોકરાંનો ધર્મ છે તે કબુલ કરી યુક્તિથી સમજ પાડી કે એ બધાને હદ છે. માની આજ્ઞા ખોટી, દુષ્ટ, કે ગેરવાજબી હોય તો ના પાળવી, કેમકે માનાથી પરમેશ્વર મોટો છે, ને તેની આજ્ઞા પાળવાને માણસ વધારે મોટા બંધનમાં છે. તમે અન્યાય, જુલમ, ક્રૂરપણું, ને જે જે બીજા અપરાધ કરશો તેનો જવાબ તમારી પાસેથી પરમેશ્વર લેશે, તમારી મા બેનને નહીં પૂછે; તેની શિક્ષા તમને કરશે તમારી માને કે બેનને નહીં કરે. જે કરશે તે ભોગવશે. તમને બુદ્ધિ આપી છે તે શાને સારૂ આપી છે ? હું તો મિત્ર જાણીને કહું છું, માઠું ન લગાડશો હરિનંદભાઈ.

હરિનંદ કહે ખરૂં કહો છો. મારા હિતની વાત છે.

ગંગાશંકર તેનું મન જરા વળેલું જોઈ બોલ્યો કે ધણી ધણીઆણીના સંબંધ વિષે વિચાર કરશો તો બહુ ફાયદો થશે. મારા મનમાં જેટલું છે તેટલું સઘળું કહું તો આખી રાત જાય. માનાં કામ તે મા કરે, ને વહુનાં કામ તે વહુ કરે, બંનેને સમતોલ રાખવાં એમાં ખરૂં પુરૂષાર્થ છે. વહુ જેમ માણસ છે, તેમ મા પણ માણસ છે; વહુ જેમ ભુલે તેમ મા પણ ભુલે. મા વાહાલમાં વેર કરે છે તેના દાખલા કહો એટલો આપું. માનાં કરતાં બાયડીએ વધારે પ્રેમ અને નિષ્ઠા રાખેલાં એવું ઘણીવાર બન્યું છે; એનાં એક બે ઉદાહરણ કહું છું. હઠીસિંહ કરીને એક આદમી અમદાવાદથી કમાવાને અજમીર ગયો. ગયા કેડે ચાર વરસે તેનો કાગળ તેને ઘેર આવ્યો કે પ્રભુની મેહેરથી અહીં લીલા લહેર થઈ છે, માટે ઘરનાં ત્રણે માણસ અહીં આવજો. એ ત્રણ માણસમાં એની સ્ત્રી ઉજમ, છોકરો જેસંઘ ને છોકરાની બાએડી હીરા હતાં.

સામાન લાધવાનું એક ઘોડું લઈ તેઓ હરખભર્યા નિકળ્યાં. માર્ગમાં આબુની નજીકના એક ગામની ધર્મશાળામાં એક સાંજના મુકામ કર્યો. ત્યાં બીજા વટેમાર્ગુ ઉતર્યા હતા તેમાં એક કાસદ હતો. તે બીજા મુસાફર જોડે વાત કરતો હતો કે અલ્યા ભાઈ હું માઠા સમાચાર લઈને અમદાવાદ જાઉં છું. અમારા શહેરમાં હઠીસિંહ વેપારી હતો. થોડાં વરસ થયાં આવ્યો હતો પણ તેટલામાં ચાર પૈશા જોડ્યા. એની નાતનાં ઘર ચાલીશેક છે તેથી ત્યાંજ ઘર માંડી રહેવાનો મનસુબો કર્યો. મજાનું ઘર બાંધ્યું, લાબશીની નાત જમાડીને અમદાવાદથી બાયડી છોકરાંને બોલાવવાનો કાગળ લખ્યો. બાપડો આવ્યો હોત તો નક્કી લખેશરી થાત. બહુ ભલો હતો. સાખ બહુ સારી પડી હતી. અસત્ય વાણી એના મુખમાંથી નિકળી કોઈએ જાણી નથી. પણ રામ રામ ! કાળે એક ક્ષણમાં ઝડપી લીધો. સહેજ તાવ આવ્યો ને મુઝારો થઈ ગયો. ઘણાંએ ઓસડ કર્યા પણ કાંઈ વળ્યું નહીં બે દિવસમાં પ્રાણ ગયો. એના મુનીમનો આ પત્ર એના દીકરા જેસંઘને આલવા જાઉં છું. સાથીએ કહ્યું ભાઈ આ દેહનો ભરૂસો કરી શકાય નહીં જેસંઘે આમાંના કેટલાક બોલ સાંભળ્યા. પોતાનું ને પોતાના બાપનું નામ સાંભળી મનમાં સંધે આવ્યો કે એ મારો કાગળ હશે, તે પરથી મોઢું ઉતરી ગયું. કાસદ પાસે જઈને બેઠો. પાઘડીમાંથી અફીણ કહાડી પૂછ્યું ઠાકોર લેશો ? કાસદે પૂછ્યું તમે કયાં જશો ? જેસંઘ કહે ભાઈ અમે તો અમદાવાદના નિસર્યા અજમેર જઈએ છીએ, મારા બાપ હઠીસિંહ ત્યાં રહે છે તેમણે તેડાવ્યા છે. કાસદે તેનું નામ પુછ્યું, ને અમદાવાદમાં ઠામ ઠેકાણું પુછ્યું. પછી નિશાસો મુકી પોતાની પોટલીમાંથી કાગળ કહાડી કહ્યું જુવોને આ તમારો છે. જેસંઘે પોતાનું સરનામું વાંચી કહ્યું હા એ મારો છે. તે વાંચતા વાંચતાં તેની આંખોમાંથી જળની ધારા વહેવા લાગી; એ માઠા સમાચાર માને કહી ત્રણે જણ (મા દીકરો ને વહુ) ઘણું રોયાં, માથાં કુટ્યાં ને કલ્પાંત કર્યું. બીજા લોકે સમજાવી ધીરાં પાડ્યાં ને નવરાવ્યાં; ખીચડી મુકી ખાવાનું સહુએ બહુ કહ્યું, પણ તે ન માની રાત્રે ભુખ્યાં પડી રહ્યાં. કાગળમાં મુનીમ દયારામે જેસંઘને લખ્યું હતું કે તમે ઉતાવળે આવી દહાડો પાણી કરી તમારી માલ મીલકત તમારા સ્વાધિનમાં લો. માટે મળશકે એમણે ચાલવા માંડ્યું. પેલો કાસદ પણ એમની જોડે પાછો વળ્યો, ને માર્ગમાં હઠીસિંહની ચઢતીકળા, તેની આબરૂ, તેની દોલત, ને તેના અકાળ મૃત્યુની વાતો કરી એ દુઃખી કુટુંબનું મન મનાવતો. શીરોઈથી એક મજલે રાતવાસો રહેવાનું ગામ હતું ત્યાં જળવજળ દહાડો રહેતાં આવી પહોંચ્યાં. ગામની વચમાં ધર્મશાળા હતી ત્યાં ઉતર્યા. જેસંઘ સીધું લેવા ગયો ને કાસદને થડમાં કુવો હતો ત્યાં પાણી ભરવા મોકલ્યો. એવામાં ગામમાં વાઘ આવ્યાની બુમ પડી ને દોડા દોડ થઈ રહી. ધર્મશાળામાં ઘણું માણસ આવી ભરાયું; મા છોકરાંને ઘાંટો કહાડે, છોકરાં મા બાપને બોલાવે, ઢોર ધશ્યાં આવે, ને જે ગભરાટ થયો તે કહ્યો ન જાય. કોઈ માણસ ઝાડે ચઢી ગયા, કોઈ પોતાના કે પારકા ઘરમાં ભરાયા, ને કોઈ નાઠા સીમાડામાં. ખરે એક મોટો પણ ઘાયલ થયેલો વાઘ ગામમાં ફાળ મારતો પેઠો ને ધર્મશાળા આગળ થઈ ચૌટાની વાટે ગામ બહાર બીજી ગમ નિકળી ગયો. તેની કેડે શીરોઈના પાટવીકુંવર શીકારી હાથી ઉપર બેસી ધશ્યો આવતો હતો. ગામથી ગાઉએકને અંતરે તેણે વાઘને પકડી પાડ્યો ને ગોળી મારી જમીનદોસ્ત કર્યો. જંગલમાં ડુંગરની બખોલોમાં તે સુતો હતો ત્યાં તેને કુંવરે ગોળી મારી જખમી કર્યો હતો, પણ નિશાન ચુકી ગયાથી ગોળી બરાબર વાગી નહોતી. વાઘ નાઠો ગામ તરફ આવ્યો ને કુંવર તેની પાછળ હાથીને દોટ મુકાવતો હતો. હાથી છેક નજીક આવી પહોંચ્યો, ને બચવાનો લાગ કાંઈ જણાયો નહીં ત્યારે નાસતાં ઊભો રહી વાઘ સામો થયો, અને હાથીના કુંભસ્થળ ઉપર છલંગ મારી. માવતે તેની ફાળ પોતાના ભાલા ઉપર ઝીલી. તેજ ક્ષણે ભાલો ભાંગી ગયો ને વાઘ ને માવત બંને હેઠે પડ્યા. બીજી ફાળ મારે તેના પહેલાં રાજકુંવરે ગોળીએથી તેનું મગજ ફોડ્યું અને પ્રાણ લીધા.

રાજકુંવરે ગામમાં આવી મુકામ કર્યો ને મારેલા વાઘનું મડદું દેખાડી લોકનો ઘભરાટ મટાડી દીધો. સવાર થતાં તેઓ શીરોઈ સીધાવ્યા.

સુધ ઠેકાણે આવતાં ગામમાંથી કેટલાંક આદમી ખોવાએલાં માલમ પડ્યાં તેમાં જેસંઘ પણ હતો. અંધારી રાત, અને અજાણ્યું ગામ, તેમાં એની મા ને વહુ શોધવા ક્યાં જાય ? એક મોટું દુખ હતું તેમાં આ બીજી આફત આવી પડી. બંને રોવા લાગી. એવામાં કાસદ તો આવ્યો. તેણે ધીરજ આપી ને કહ્યું હું ઝાડે ચઢી બેઠો હતો તેમ જેસંઘશેઠ પણ કોઈ ઠેકાણે ભરાઈ રહ્યા હશે તે હવડાં આવશે. આખી રાત ચિંતામાં અને ઉદાસીમાં કહાડી ને વહાણ વાયું પણ જેસંઘ આવ્યો નહીં. વહુને સામન સંભાળવા ધર્મશાળામાં મુકીને એની સાસુ તથા કાસદ તેની ખોળ કરવા નિકળ્યાં. ગામની આસપાસ ફર્યા પછી તળાવને કાંઠે જઈને બેઠાં. ત્યાં કાસદે બાઈને સમજાવી કે તારા ધણીનું ઘણું ધન છે. તે તું વહેલી કબજે નહીં કરે તો મુનીમ ને વાણોતરા ચોરી જશે. કેવા કિંમતી ને સુંદર લુગડાં ને દાગીના તેને સારૂ લીધા હતા તે કહી બતાવ્યા. રોકડ નાણું પુષ્કળ છે. તે ઉપરાંત વેપારીઓને ધીરેલું છે તે પણ ઓછું નથી. કમનસીબથી મુનીમ અને વાણોતરો સારા માણસ નથી, ને અજમીરનો રાજા અતિ લોભી ને લાંચીઓ છે. તારા ધણીની દોલતમાંથી એ ગુમાસતા તેને કાંઈ ભાગ આપશે, ને બાકીનું પોતે ઉડાવશે. પછી તારી ફરીઆદ કોઈએ સાંભળવાનું નથી, માટે અહીં ખોટી રહેવું ઠીક નથી. આ ગામના મુખીને કહી જઈએ કે જેસંઘની ખોળ કરે ને જડે ત્યારે અજમીર મોકલી દે. પચીસ પચાસનું ઈનામ આપવું કહીશું તો બેશક તેને મુકી જશે. તેણે બે કલાક યુક્તિથી સમજાવી બાઈનું મન ફેરવું, ને ત્યાં ઠરાવ કરી ઉઠ્યાં કે આજ બપોર કેડે ચાલવા માંડવું. મુકામે આવી સાસુએ વહુને કહ્યું છઇઓ કાંઈ માલમ પડતો નથી, બીજે ગામ જઈ ચડ્યો હશે. મેં મુખી પટેલને પચાસ રૂપીઆ ઇનામ આપવા કર્યા છે તે તારા વરને શોધી કાઢી અજમેર મુકી જશે. આપણે આજ ચાલવા માંડીશું. વહુએ ચોખી ના પાડી કે હું એમને મેલી નહીં આવું. તેપર સાસુ તેને લઢી પણ વહુ ડગી નહીં, ત્યારે તે બીચારીને ત્યાં રખડતી મુકી કાસદ ને સાસુ ગયાં.

વહુતો પોકે પોકે મેલી રોય. “ઓ અનાથના ધણી, નીરબળને આશરો આપનારા, દીનદયાળ પ્રભુ મને સહાય થા. અરે મહારાજ મારું અહીં કોઈ નથી. હું અબળા જાતી ને જુવાનીમાં છું. મારી લાજ રાખનાર તમે છો, મારૂં હવે શું થશે. ઓ મારી માડી મેંતો આવું દુઃખ જનમમાં દીઠું નથી. એમ પરમેશ્વરને તથા માબાપને સંભારે. એનું રૂદન સાંભળી લોકનું ટોળું વળ્યું. તેમાંના કેટલાકને ઘણી દયા આવી. તેમણે એને છાની રાખીને સહલા આપી કે તું શીરોઈ જા, ને તારો સ્વામી ખોવાયો છે તે રાજાને જાહેર કરે તે ગામે ગામ ખોળ કરાવશે. વાધે માર્યો હોતતો ક્યારનીએ ખબર આવી હોત. તારો વર ભુલો પડ્યો જણાય છે, પણ જીવતો છે એમાં શક નથી. ગામના લોકે ગાડું કરી આપ્યું ને મુખીએ એક રાવણીઓ આપ્યો.

શીરોઈ જઈ રાવણીઆ જોડે પાધરી દરબારમાં ગઈને રડવા લાગી. કારભારી કે રાજા જોડે કોઈ દિવસે જેણે વાત કરી નથી તેને પ્રથમ બોલાવું કઠણ પડે છે, તે સાથે આતો સ્ત્રી ને વળી આવી આફતમાં. સાંજ પડી હતી, ને રાજાને આરતી થતી હતી તે વેળા તે જઈ પહોંચી. કારભારીના પુછવા પરથી રાવણીઆએ બધી હકીગત કહી. કારભારીએ રાજાને કહી. એ વેળા પાટવી કુંવર પણ પોતાના બાપની કને બેઠો હતો. રાજા ને કુંવર બંને ઘણા ભલા ને દયાળુ હતા. તેમણે એને દરબારને ઉતારે મોકલી, ચાકરી કરવાને એક બાયડી, અને એક માણસ એના સ્વાધીનમાં કર્યાં, સીધું ચાલતું કર્યું, તથા તેજ વખતે પોતાનાં સઘળાં ગામોમાં એના ધણીની ખોળ કરવા આદમી દોડાવ્યા.

બીજે દિવસે એમાંનો એક આદમી ખબર લાવ્યો કે વાઘના ભોથી નાસતાં વેવર ગામના પાદરપર એક ઊંડા ખાડામાં એ જેસંઘ અંધારાને લીધે પડી ગયો ને તેથી જમણા પગનો નળો ભાંગી ગયો. આખી રાત બુમો પાડી. મોટા પરોઢીઆમાં ખેતરમાં જનારા લોકે તેનો સાદ સાંભળ્યો, ને ખાડામાંથી કહાડી ખાટલા ઉપર સુવાડી ગામમાં લાવ્યા. એક રબારીએ હાડકાં બેસાડ્યાં ને મલમપટા કર્યા છે, પણ ટાંટીઓ બહુ સુજ્યો છે, ને તાવ મસ આવ્યો છે. રાજાએ ડોળી મોકલી, તેમાં તેને સુવાડી શીરોઈમાં આણ્યો. બે માસ મંદવાડ ભોગવ્યો ને ખાટલે રહ્યો. એની વહુએ બહુ જ સારી ચાકરી કરી. જો કે તે આ વખતે ન હોત તો એ ભાગ્યે સાજો થાત.

કરાર થયાથી અજમેર જવાને જેસંઘ રાજાની રજા લેવા ગયો. રાજાએ ખુશી થઈને શરપાવ આપ્યો; એની સ્ત્રીના સદગુણ વખાણ્યા, ને કહ્યું તમારી મા એમ ચાલી ગઈ તે ઠીક નહીં કર્યું. જેસંઘ બોલ્યો મહારાજ ખરી જરૂર જણઈ હશે તેમાં ગઈ હશે; મારા વિના તેને બીજું કોઈ નથી માટે મારા લાભને સારૂજ તેણીએ ઉતાવળ કરી હશે. ગ્રંથમાં કહ્યું છે કે कुपुत्रोजायते कचिदपिकुमाता न भवति. રાજા કહે વારૂ ભલે, સંભાળીને જજો ને હેમ ખેમના પત્ર લખજો.

અજમેર જઈને જુવે છે તો શું દીઠું? એની માએ ત્યાં જઈને કહ્યું કે છોકરાને રસ્તામાં વાઘે માર્યો, ને વહુવારૂને ઉટાંટીયું આવ્યું તેથી તે પણ મરી ગઈ.” બહુ રોઈને બહુ કુટ્યું, સઘળાને તેના પર અતિશે કરૂણા ઉપજી કે રે શો ગજબ બાઈ પર ગુજાર્યો છે, ધણી મરી ગયો, દીકરો માર્યો ગયો, ને તેની વહુએ ગત થઈ. એક મહિનામાં ઘરનાં ત્રણ માણસ ગયાં ! અરે પ્રભુ ! એ શો જુલમ ! એના ધણીનો દહાડો પાણી મુનીમે કર્યો હતો, ને છોકરાનો તથા વહુનો એણે કર્યો. પછી નવી બંધાવેલી હવેલી વીસ હજારે વેચી, ને રોકડ તથા દાગીના મળી સીતેર હજારનો માલ લઈ પેલા કાસદને જોડે લેઈ જોધપુર જવા નીકળી. ધણીનો વણજ વેપાર બંધ પડ્યો, વાણોતરોને રજા આપી ને ચાલતી થઈ. કહે અમદાવાદમાં મારે કાંઈ સગા નથી, ને મારો મામો જોધપુરમાં શરાફ છે તેથી તેને ઘેર જઈ રહીશ. એ વાત સર્વે ખરી માની. જેસંઘને અને તેની બાયડીને જોઈ લોક અચરજ પામ્યા, ને કેટલાક હપતા સુધી એને ઢોંગી ધુતારો ગણ્યો. પણ તેણે બરોબર નિશાનીઓ પુરી, ને માથી વીજોગ પડવાની વાતના શીરોઈથી કાગળ મંગાવ્યા ત્યારે એના બાપના મિત્રોએ એની વાત ખરી માની.

જેસંઘની મા કાસદ જોડે નીકળી ગઈ એ વાતનો કોઈને સંધે રહ્યો નહીં. આખા શહેરમાં એ વાત ફેલાઈ ગઈ. શેરીએ શેરીએ ને ઘેરે ઘેર એની એ વાત ચાલે, ને સર્વે તે દુષ્ટ માનો ધિક્કાર કરે. જેસંઘે રાજાની મદદ લેવાને એક માસ સુધી દરબારમાં ફેરા ખાધા પણ કાંઈ વળ્યું નહીં. ત્યાં રૂપીઆ વગર કાંઈ કામ થતું નહીં. દેવડીએ બેસનાર સિપાઈથી તે રાજા સુધી દરેકને આલવાનું જેની કને હોય તેની ફરીઆદ સંભળાય. પછી દીવાનને ઘેર અથડાયો, ને થાક્યો ત્યારે બાયડીને પોતાના પિતાના મુનીમના કુટુંબમાં મુકી જયપુર ગયો. એની માએ જોધપુર જાઉં છું એમ કહ્યું હતું, પણ તજવીજ કરતાં તે વાત એને ખોટી માલમ પડી. જેનું ગાડું તેણીએ ભાડે કર્યું હતું તેનાથી એને ખબર પડી કે તે અને કાસદ બંને જયપુરમાં જઈ રહ્યાં છે.

કાસદનું ઠામ ઠેકાણું જયપુરમાં શોધી કહાડ્યું. એની જનેતા બારીએ ઉભી હતી તેને એણે જોઈ. ને તેણીએ એને જોયો. તે પાધરી ઘરમાં ભરાઈ ગઈ, ને કાસદે બારણું વાસી દીધું. જેસંઘ ત્યાં ઉભો ન રહેતાં પાધરો પોતાને મુકામે ગયો. એ રાંડે કાસદને સમજાવ્યો કે તું જેસંઘેને મારી નાંખ નહીં તો એ આપણો કેડો છોડનાર નથી. એને કાંઈ ફાંદામાં લઈને વીખ દે, અથવા ખંજરથી એના પ્રાણ લે; પછી આપણે ઉદેપોર જઈ રહીએ.

જેસંઘના મનમાં પણ આવ્યું કે એવી અવસ્થામાં આવેલા આદમી ઘોર કર્મ કરતાં ડરતા નથી માટે તે કાસદથી વેગળો ને વેગળો રહેતો હતો. બે સિપાઈ પોતાના રક્ષણને પણ રાખ્યા હતા. છાનામાના એ બીના ત્યાંના રાજાને કાને જાય ને કાસદ ઓચિંતો પકડાઈ જાય એવી તજવીજ તે કરતો હતો.

મોટા શાહુકારો ઉપર એ ભલામણના કાગળ લાવ્યો હતો તેમને મળ્યો. તેમણે એને જણાવ્યું કે એ નગરનો રાજા નઠારો છે, ન્યાય એટલે શું તેનું તેને ભાન નથી, લોકને મારી ઝુડીને નાણું લેવું એટલું સમજે છે. કારભારીએ લાંચીઓ છે, જે વધારે પૈસા આપે તેનું કામ કરી આપે છે, તેથી એ કાસદ વધારે આપશે તો તારું કાંઈ નહીં ચાલે ને ઉલટો માર્યો જઈશ. એ સાંભળી નાઉમેદીથી બીચારા જેસંઘના નેત્રમાંથી દડદડ આંસુ પડ્યાં. એના બાપનો આડતીઓ હતો તેણે એને એક યુક્તિ બતાવી. તેણે કહ્યું રાજાએ હાલ એક ગુણકા રાખી છે. તેનું ચલણ છે; તેને જો તમે મળો તો કામ થાય.

એ ગુણકાને કેમ મળાય તેની તપાસ કરતાં માલમ પડ્યું કે તેને કવિતા ભણાવનાર એક કાણો કવિ નામે રૂદેરામ છે, ને તે કવિની પોળમાં રહે છે, ને તેની મારફતે ગુણકા સાથે મીલાપ થાય છે. જેસંઘ એ કવિને ઘેર ગયો. રૂદેરામે પોતાના રૂ ૫૦૦) ની પરઠણ કરી ગુણકાની મુલાકાત કરાવી આપી. જેસંગે ગુણકા આગળ પોતાની બધી વાત માંડીને કહી ને વિનંતી કરી કે રાજા એકદમ એ કાસદને ઓચિંતો પકડી લે ને એના ઘર પર ચોકી બેસાડે ને મારો બધો માલ, લુગડાં, ઝવેર, ને રોકડ મને અપાવે. ગુણકા કહે ઠીક છે એમ કરાવી આપું પણ પ્રથમ રોકડા એક હજાર લાવો, ને માલ હાથ આવે ત્યારે બીજા બે હજાર મને આપવા, ને પાંચ હજાર રાજાને આપવા કબુલ કરો, જેસંગે ઉત્તર દીધો કે હાલ મારી પાસે એક કોડીએ નથી, પણ મારો માલ પકડાશે તેમાંથી લેજો. ગુણકા કહે રૂ. ૫00 તો રાજાને અરજ કરતી વેળા મારે આપવા પડશે, ને બસે ત્રણસે આસપાસના માણસોમાં વેરવા જોઈએ. જેસંઘે કરગરીને કહ્યું બાઈસાહેબ મુજ ગરીબ પર દયા કરો, જે પહેલું ખરચ થાય તે આપ મારી વતી કરો, હું તે વાળી આપીશ, ને સો રૂપીઆ ઉપર આપીશ. ગુણકાએ તેમ કરવાની હા કહી. પછી જેસંઘ રોજ તેને ઘેર જાય.

આ વાતનો કાંઈક અણસારો કાસદના જાણવામાં આવ્યો હતો. તે કારભારીને મળ્યો, ને એક હજારની સોનાની કિંઠી તેના હાથમાં મુકીને બોલ્યો કે સાહેબ આ ગામનો એક જેસંઘ નામે વાણીઓ મારા પર તરકટ કરી મને ખરાબ કરવાનો ઈરાદો કરે છે. માટે હું તો તમારે શરણે આવ્યો છું. દીવાન કહે ફિકર નહીં કર સંકટ પડે તેવારે ખબર કરાવજે.

જેસંઘને ગુણકા જોડે વાતચીત થયા પછી આઠમે દહાડે વહાણુંવાતાં રાજાના સિપાઈઓએ કાસદનું ઘર ઘેરી લીધું; કાસદને તથા જેસંઘની માને બંધીખાને નાંખ્યાં, ને ઘરમાંથી સર્વસ્વ લઈ જઈ કામદારખાનામાં મુક્યું. બધું મળીને સાઠેક હજારની મતા હાથ લાગી.

કાસદના કોઈ મીત્રે એ ખબર કારભારીને કરી. બારપર ત્રણ વાગે દરબારમાં જઇને યુક્તિથી રાજા આગળ કાસદની વાત કહાડી, તે પરથી રાજાએ તેને ગુણકાનો કહેલો હેવાલ સંભળાવ્યો. આશ્ચર્ય પામ્યો હોય તેવું મુખ કરી નમંતાઈથી દિવાન બોલ્યો કે મારા જાણવામાંતો એથી તદન ઉલટી વાત આવી છે. લોકમાં વાત ચાલે છે કે એ જેસંઘ મોટો કપટી લુચ્ચો સખ્સ છે, ને એણે ગરીબ કાસદને મારવાને નરદમ તુત ઉઠાવ્યું છે. એ બાપડાનો ભાઈ મારે ઘેર છાતી કુટતો આવ્યો ને આપને નજર કરવાને આ હીરાની અંગુઠી આપી. એની કીમત ભારે છે. વળી તેણે કહ્યું છે કે કાસદ છૂટે ને પોતાનો માલ પાછો પામે તો તેમાંથી સાત હજારના દાગીના આપને ભેટ કરે. રાજા ખુશી થયો ને કહ્યું કાલે એને મારી હજુરમાં બોલાવી એની વાત સાંભળી મોકળો કરીશ.

આ વાતની ખબર ગુણકાને પડતાંજ તેણે જેસંઘ જોડે મનસુબો કર્યો. જેસંઘ જોડે બે હજાર રૂપીઆ તેજ રાત્રે કારભારીને મકોલ્યા, ને પોતે રૂ ૧૧૦૦૦) લઈ રાજાને મેહેલ ગઈ. એમાંના એક હજાર રાજાના છડીદાર, ચોપદાર, મશકરા તથા બીજા સોબતીઓમાં વહેંચ્યા, ને દશ હજાર રાજાને આપી તેનું વચન લીધું કે કાસદને પાંચ હજાર રૂપીઆ ડંડ, ને એક વરસ કેદની સજા કરીશ, તથા જેસંઘની માનું નાક કાપી ગામ બહાર કહાડી મુકીશ, તથા સઘળો માલ જેસંઘને આપીશ.

બીજે દિવસે સવારના ૧૧ કલાકે રાજા કચેરીમાં આવી આસને બેઠો. કાસદ, જેસંઘની મા અને જેસંઘને બોલાવ્યાં. કારભારી પણ નોકરીમાં હાજર હતો. તેણે રાજાને કહ્યું મહારાજ મેં આપને કાલે વાત કહી હતી તે ખોટી પડી. આ કાસદ ને આ રંડીના જેવાં દુષ્ટ જગતમાં બીજાં નહીં હશે. રાજા કહે ખરું એ ચંડાળોને એનાં ખોટાં કરમને યોગ્ય શિક્ષા કરીશ. હે ચંડાળો તમારે શું કહેવાનું છે ? કાસદ ને બાઈ બોલ્યાં કે મહારાજ તમે પ્રભુ છો, માબાપ છો અમે વગર વાંકે માર્યા જઈએ છીએ. આ બધું અમારા દુશમનનું તરકટ છે. રાજા કહે નહીં નહીં તમે જુઠાં છો. બોલ જેસંઘ તારો પુરાવો શો છે. તે વેળા જેસંઘે અજમેરના મોટા વેપારીઓના કાગળ રજુ કર્યા, ને ત્યાંના બે શાવકાર જયપુરમાં પોતાને કાંઈ કામે આવ્યા હતા તેમની શાક્ષી અપાવી. રાજાએ પહેલેથી ઠેરવ્યા પ્રમાણે કાસદને સજા કરી, સ્ત્રીનું નાક વાઢવાનો હુકમ કર્યો, ને જેસંઘના સ્વાધિનમાં જપત કરેલો સઘળો માલ આપ્યો. જેસંઘે કરગરી પડી હાથ જોડી અરજ કરી કે મહારાજ મારી માતાનું નાક ન કપાવો તો હું તમને એક હજાર રૂપીઆ એની ગુનેગારીના આપું. રાજાએ તે વાત કબુલ કરી. પછી જેસંઘ માને લઈને અજમેર આવ્યો. તેર હજાર કાસદ લઈ ગયો હતો તેમાંથી તમામ ખરચ વગેરે કરતાં વીશ હજાર જેસંઘને હાથ આવ્યા તે વડે વેપાર કરતાં બહુ ધન કમાયો. એની માએ એક વરસ સુધી કોઈને પોતાનું કાળું મોહો દેખાડ્યું નહીં. પછી એના છોકરાની સલાહથી તથા લોકલાજથી આરજા થઈ.”

હરિનંદ – કાસદનો તો મુવેજ છુટકો થયો હશે તો.

ગંગાશંકર – ત્રણ મહિના પછી તેનાં સગાંવહાલાંએ સો રૂપીઆ કારભારીને આપ્યા, ને પાંચશે રાજાને આપી માફી કરાવી છોડાવ્યો.

હરિનંદ – પેલા કાણા કવિને પરઠણ કરતાં વધારે મળ્યું હશે.

ગંગાશંકર – અલબતે જેસંઘે તેને ખુશી કર્યો, ગુણકાએ ઈનામ આપ્યું, ને રાજાએ શિરપાવ આપ્યો ?

હરિનંદ – રાજાએ શા સારૂ આલ્યો ?

ગંગાશંકર – ગપ્પો મારવાને સારૂં. ગુણકા વડે તેને રાજા જોડે ઓળખાણ થયું હતું. આપણા કવિઓ અને ભાટ ચારણો પોતાના નીચ સ્વાર્થને માટે રાજાનાં તથા હરેક મોટા આદમીનાં જુઠાં જુઠાં વખાણ કરી ઘણી ખરાબી કરે છે. એમના બેવકુફી ભરેલા જુઠાણથી થયેલી નુકસાનની વાતો કોઈ બીજે પ્રસંગે કહીશ. એ કાણાને લોભનો પાર નહોતો. કવિતા ઠીક બનાવતો તેથી એના દુર્ગુણોથી અજાણ્યાં ગિરિ લોક એને માન આપતાં. જે દિવસે રાજાએ જેસંઘ અને કાસદનો ન્યાય કર્યો તે દિવસે રાત્રે કવિશ્વર કેટલાંક નવાં કવિત ને એક ગરબી જોડી દરબારમાં ગયા. એ કવિતામાં રાજાને ધર્મરાજાની પર ઉપમા આપી હતી. ગરીબ ને ધનવાન સર્વેનો ઈનસાફ ફુટી બદામ લીધા વિના પરમાર્થે રાજા કરે છે; એવા ચતુર, પ્રમાણિક, દયાળુ, ને પ્રાક્રમી રાજા પૃથ્વી ઉપર કોઈકજ થયા છે; ભરતખંડમાં એ રાજાના જેટલું બળવાન, લક્ષ્મીવાન, ને વિદ્વાન (રાજાને પોતાની સહી કરવી કઠણ પડતી હતી.) બીજું કોઈ નથી, જેના નામથી દીલ્લીમાં અકબર પાદશાહ ધ્રુજે છે, જેણે આખું જગત વસ કર્યું છે, જે શાક્ષાત વિષ્ણુનો અવતાર છે, આદિ કેવળ જુઠી છાંટ એ કવિતામાં મારી હતી. મૂર્ખ રાજા આવા અસત્ય ભાષણથી પ્રસન્ન થયો ને કાણા કવિરાજને શેલું પાઘડીનો સરપાવ દીધો. ને જીવતાં સુધી સો રૂપીઆનું વર્ષાશન કરી આપ્યું.

હરિનંદ – જેસંઘે એની ચંડાળ માનું નાક કાપવા દીધું હોત તો સારું થાત.

ગંગાશંકર – તે વેશ્યાનો અપરાધ તો મોટો હતો, તથાપિ બધી ગમથી વિચાર કરતાં મને એમ લાગે છે કે તેને તે જંગલી સજામાંથી ઉગારી તે ઠીક કર્યું, ગમે એવી પણ મા હતી. છોડાવી લાવી ઘરને ખૂણે રાખી તે રૂડું કીધું.

આ વાતનો ઉંધો અર્થ લેશો માં. હું એમ નથી કહેતો કે ઘણીક મા આવાં ઘોર પાપ કરે છે. આ દ્રષ્ટાંત મુકવાની મતલબ એ છે કે મા સદા નિર્દોષ હોય એમ સમજવું નહીં. જેમ બીજા ભલે ને વાંક કરે, તેમ મા પણ ભુલે ને વાંક કરે. જેમ માના ઉપર જુલમ કરવો એ મોટું પાપ છે તેમ વહુના ઉપર કરવો એ પણ મોટું પાપ છે. વળી જુલમથી બાયડીઓ વેઠે છે, ને અનીતિના ખાડામાં પડે છે. આપણા લોક આટલા બધા કપટી, ઢોંગી ને પ્રપંચી થઈ ગયા છે, ને જુઠું બોલવામાં લાજ માનતા નથી તે મુસલમાનોના જુલમનું પરિણામ છે. તમને શહાણાને વધારે શું કહીએ, જેઓ પોતે કમાતા નથી ને માબાપ રોટલો આપે તો ખાય એવી સ્થિતિમાં છે તેઓ લાચાર છે. પરંતુ જે પોતે રળે છે તે શા સારૂ અન્યાય કરવા ને જુલમ કરવામાં સામીલ થાય ?

પ્રકરણ ૨ જું - સાસુવહુની લઢાઈ (મહિપતરામ રૂપરામ નીલકંઠ)

પ્રકરણ ૨ જું

વડસાસુ ગત થયાં તેવારે સુંદર ૧૫ વરસની હતી, ને તેની જેઠાણીચંદા ૧૭ વરસની હતી. એ ચંદા બહુ રૂપાળી નહોતી, પણ તેને બદલે તેનામાં સ્ત્રી ચરિત્રો ઘણાં હતાં. એના જેવો ઠમકો ને લટકો, એનુ મંદ મંદ હસવું, ને મીઠું ઝીણા સ્વરે બોલવું થોડીજ નાગરીઓને આવડતું, તો બીજી જાતની સ્ત્રીઓને તો ક્યાંથી આવડે. એના આચરણ ભુડાં હતા. અનેક તરેહના ઢોંગ અને તરકટ એને આવડતા. એને એક કણબેણ બેન હતી તેનાથી એ બધું શિખી હતી. સાસુની કે નણંદની બોલી જરાએ સાંખે નહીં, રોકડા જવાબ પકડાવી દે. વર તરફથી જુલમ ન થાય, તથા તેના મનમાં દયા ભાવ ઉપજે માટે, અને બહુ કામ કરાવે ત્યારે, જુઠી જુઠી માંદી થાય. સાસુ લડે કે પાધરી મોહોવાળવા બેસે, અથવા ગળામાં ફાંસો નાંખે કે કુવામાં પડવા જાય; હાથે કરી ને મરે એવી ખરી નહોતી, પણ પોતાની સખી કણબણ એને કહેતી કે એવો ઢોંગ નહીં કરે તો સંખણી સાસુ જરાએ જંપીને બેસવા નહીં દે. એની એક બેનપણી સોનારણ હતી તે કહે અલી તારા દીલમાં ભૂત આવ્યાનો બુટ્ટો ઉઠાવ, તે વધારે ઠીક પડશે. દોશી (વડસાસુ) ભૂત થયાં છે એવી વાત ચલાવ. ધુણવું, દાંત ભીડવા, આંખો લાલ કિરવી, વગેરે ભૂત આવ્યું છે એવું બતાવવાને લુચ્ચી બાઇડીઓ જે કરે છે તે બધું કરવાને ચંદાગવરીને શિખવ્યું. એવું કરી જે પીડાથી જેઠાણી ઉગરી તે પીડા બીચારી દેરાણી ઉપર બમણા જોસાથી આવી પડી.

જેઠાણી સુંદરને પોતાની પેઠે કરવાને સલાહ આપે, પણ તેમ કરવાની તે ના કહે. સુંદર કહેશે જેટલું દુખ ભોગવવું મારા કરમમાં લખ્યું હશે તે કરોડ ઉપાય કરે મટવાનું નથી, માતાજીએ જે ધાર્યું હશે તે થશે, સાસુ નણંદ જેટલાં મેણાં મારે તેટલાં સાંભળ્યા કરે, સામો ઉત્તર જ ન આપે. તેમની પાસે જઈ બેસે નહીં ને જરૂર વગર તેમની જોડે બોલે પણ નહીં; તેઓ આ ઓરડામાં બેઠાં હોય તો પોતે બીજા ઓરડામાં જઈને બેસે. પણ કહેવત છે કે ભલાની દુનિયાં નથી. એ જેમ લઢાઈ ટંટાથી દૂર રહેવાને યત્ન કરે તેમ પેલી કલંટ લુચ્ચીઓ એના ઉપર વધારે પડતાલ પાડે. ઘણુ ખરું જેઠાણી તો માંદી થઈને કે ભૂત આવેલી સુખે સુઈ રહે, મા દીકરી વાતોના તડાકા માર્યા કરે ને રાંધવા સિવાય બાકીનો સઘળો ધંધો બાપડી સુંદરને માથે નાખે. ખારા પાણીનો કુવો ઘરમાં હતો, પણ મીઠું પાણી વેગળેથી લાવવું પડતું; ચુલા અબોટ કરવાં, વાસણ માંજવાં, વાસીદા વાળવા, લુગડાં ધોવાં, દળવું, ખાંડવું, આદિ સર્વ કામ સકોમાર સુંદરની કને કરાવે. કરાવે તો ધુળ નાંખી, પણ કર્યા પછી જસને ઠેકાણે જુતીયાં આપે. આ કર્યું તે નઠારું કર્યું, તારી મા એવી ને તારો બાપ એવો, મોઢાનો દાથરો આખો દહાડો ચઢેલો ને ચઢેલો, મારી મોટી વહુ તો સારી કે જે હોય તે મોઢે કહીદે, એના પેટમાં પાણી નહીં, એતો ભોળી, પણ આ નાની વહુ તો મહા કપટી, જેની પેટની વાત કોઈ જાણે નહીં, એ ખરેખરી ધુતારી, એના બાપનો પૈસો આપણે શા કામનો, એની પાસે કામ કરાવીએ તેનાથી હાથે કરીએ તે ઠીક, હઈયાતોડ કરતાં હાથતોડ સારી, બળ્યું એનુ મોહ, એમ ફડફડ ને બડ બડ કર્યા કરે. સુંદર આંખ આડા કાન કરે, જાણે બહેરી હોયને. પોતાના ધણીનો પ્રેમ સંપાદન કરવાને મહેનત કરે; તેની મરજી રાખે, સેવા ચાકરી કરે, તેનુ વચન ઉથાપે નહીં, વગેરે બને તે રીતે તેનુ મન રાજી ને રંજન કરવાની કોશીશ કરે. એની મહેનત મીથ્યા કરવાને દુષ્ટ સાસુ કસર રાખતી નહીં. હરિનંદ ઉપર માનો દાબ જબર હતો. તે એવી યુક્તિથી એના કાન એની વહુની નિંદાથી ભરે કે તેના મનમાં વેર ઉત્પન્ન થાય. માંહેનો ભેદ સમજી જાય એટલા હરિનંદમાં રામ નહોતા. મા બેનની વાતો સાંભળી સાંભળી એનું રદય છેક કઠણ થઈ ગયું, ને બીચારી સુંદર ઉપર જુલમ કરવામાં તે પુરો સામીલ થઈ ગયો. મહિનામાં એક બે વાર તો ટપલા, તમાચા, લાત વગેરેથી પૂજા કરેજ કરે, ને ગાળો તો હાલતાં ચાલતાં ભાંડે. ચંડાળ સાસુ એને પુરૂં ખાવા ન આપે, ન આપે અથાણું કે શાક, ને નિત્ય તાહઢું ખવરાવે. વારે વારે પીએર કહાડી મુકે. સુંદરની જેઠાણીને પણ એક બે વાર ઘરેણુંગાંડું ઉતારી લઈ કહાડી મેલેલી, પણ તેના ભાઈઓ ને મામા એવા વઢનારા જબરદસ્ત હતા કે આવી મોહોલો ગજાવી મુકે, ગાળે ગાળે ધોઈ નાંખે, ને આખા ગામમાં વગોણું કરે. સુંદરની વારે ચડે એવું કોઈ નહતું. ઘણું થાય ત્યારે પીએર જઈ માની સામે બેસી રૂવે ને મા જોડે રોવા લાગે. એમ રોવાનું ઠેકાણું પણ થોડે વખતે બંધ થયું. એનાં મા ને બાપ છ-છ મહિનાને અંતરે મરી ગયાં, ને સુંદર કેવળ નિરાધાર થઈ ગઈ. નમાઈ ને નબાપી થઈ તોએ એની ક્રૂર સાસુ, નણંદ, અને ઊંટ જેવા વરના મનમાં દયા ન આવી. તો પણ એ જુવાનને ભલી સ્ત્રી નિરાશ થઈ નહીં. અગાઉ કરતાં તેણે વધારે હિમ્મત બતાડી, ને સાસુ નણંદના ભાલા જેવા વેણના ઉત્તર આપવાની હામ ચલાવી. ધણીને તેણીએ કહ્યું કે હું કાંઈ તમારી વેચાતી લાવેલી લુંડી નથી કે તમારી ગાળો ને તમારો માર સાંખી રહું. મારા મા બાપ બીચારાં સ્વર્ગવાશી થયાં છે તેથી તમે ને પરમેશ્વર વિના બીજું કોઈ મારે માથે રક્ષણ કરનાર નથી. એની મીઠી દીનવાણી, એના કાલાવાલા, એના ઠોક, એનાં આંસુ, એનાં માથા કુટવાં એ કસાથી એ બળદીઆના, એ ગધેડાના કઠોર હઈઆપર તલમાત્ર અસર થઈ નહીં. એક દહાડો મેડીપર સાસુ વહુ ચોખા વીણતાં હતાં, ને નણંદ પાનની પીચકારી મારતાં હીંચકા ખાતી હતી. એવામાં કાંઈ વાદ ચાલ્યો, ને વાદપરથી સાસુ વહુ સેજ ચરવડી પડ્યાં, એટલામાં હરિનંદ આવી પહોંચ્યો. તેને તેની બેને કહ્યું ભાઈ હુતો હવે આ ઘરમાં પગ નહીં મુકુ; તારી વહુ મારી માના સામુ તડ તડ બોલે, સામુ બોલે તો છો બોલતી, પણ ગાળો દે તે મારાથી સંભળાય નહીં, તુંતે ભાયડો છે ? કે કાંચળી પહેરીને બેઠો છે ? ભાભીએ તને વશીકરણ કર્યું છે કે શું ? એ સાંભળતાંજ ભાઈના દીલમાં આવેશ આવ્યો. ગાળો શી ભાંડી તે જુવો. સાસુ જોડે વાતમાં પ્રસંગ આવેથી સુંદરે પોતાના માબાપ વિષે કહ્યું કે તે બીચારાં સ્વર્ગે ગયાં હવે તેમને શાને નિંદોછો. સાસુ કહે હા તો એવા મુવા પાપીને સ્વર્ગમાં લેવાને બેસી રહ્યા છે, કોણ જાણે ક્યાં નરકમાં સડતાં હશે. સુંદરે જવાબ વાળ્યો કે પોતાનાને કહીએ પારકાને શાને કહો છો. મારાં માબાપનાં જેવા ભલા ને ધર્મી આજ કોણ છે લાવોને ! એ સાંભળતાં ભુડી અનપુણાનુ મહો પાર વગરનું ગંધાવા લાગ્યું, ને ખીલી મસ. હરિનંદે તજવીજ બજવીજ કર્યા વિના સુંદર ઉપર ધસી બે ત્રણ લાપટો ઝાડી કહ્યું રાંડ તું મારી માને ગાળો દેનારી ! સુંદર લાજ કરી કહે જરા ધીરા પડો, શી ગાળો ભાંડી તેતો પુછો, મને રાંડ માં કહેશો, લો મારી નાંખો પણ એ ગાળ ન દેશો. એમ તાતા સીદ થઈ ગયા. લો હું મારે હેઠાં જાઉ છું; (સંભળાય નહીં તેમ બોલી) એની સોડમાં બેસી તાઢા પડો. હરિનંદ પાછળ જઈ કહે હ રાંડ શું બોલી ફરી બોલ મેં સાંભળ્યું નહીં. એમ કહી બળ કરી ધક્કો માર્યો તે સુંદર સીડીએથી ગબડી પડી. ગબડી પડી પણ ત્રણમાંથી એકે નીચે જઈ જોયું નહીં કે તેને વાગ્યું કે કેમ. સુંદરનો બરડો કુટાઈ ગયો, ને માથું ફૂટ્યું. બે ઘડી બેભાન પડી રહી, ને શુદ્ધિ આવે ઉઠી પોતાના ઓરડામાં જઈ સુતી. રાત્રે કોઈએ વાળુ કરવા બોલાવી નહીં રમાનંદે પૂછ્યું, આજ કેમ સુંદર વહુ જણાતાં નથી ક્યાં ગયાં છે. એટલું બોલ્યો કે તે બાપડાના ઉપર અનપુણા વેણ રૂપી ભાલાથી ટુટી પડી. હજાર ઠોક પડ્યા ને નહીં કહેવાનું કહ્યું. રમાનંદ પંડ્યાએ એકેનો ઉતર :આપ્યો નહીં. નીચે માથે વિયાળુ કરી ઉઠી ગયો. એ એવો દેવ ભોળો હતો કે બારીએ પોતાને થાનકે જઈ બેસી એક એક નસકોરામાં એક એક ચીપટો તપખીરનો ભર્યો એટલે પોતાની બાયડીના કડવા મેહણાની અસર મન પરથી જતી રહી.પ્રકરણ ૧ લું - સાસુવહુની લઢાઈ (મહિપતરામ રૂપરામ નીલકંઠ)

પ્રકરણ ૧ લું

અમદાવાદ જીલ્લામાં મોડાસા કરીને નગરી હતી. હાલ પ્રાંતીજ પરગણામાં મોડાસા નામે મોટું ગામ છે તેજ એ નગર કે બીજું તે નક્કી કહી શકાતું નથી. મુસલમાની રાજ્યમાં તેમાં મામલતદાર રહેતો કેમકે તે ઘણું મોટું નગર હતું. ગામમાં ઉજળી વસ્તી બહુ હતી, ને વેપાર રોજગાર સારો હતો. સુમારે પચાસ ઘર વડનગરા નાગર બ્રાહ્મણનાં હતાં. તેમના વાસ ઉપરથી એક શેરીને નાગરવાડો કહેતા. એમનાં કેટલાંક ઘર સોનીવાડામાં પણ હતાં. નાગરવાડામાં એ જ્ઞાતિનો વીરેશ્વર નામે બ્રાહ્મણ રહેતો હતો. એને ઘેર સંવત ૧૭૫૯માં એક કન્યા અવતરી. મુખના રૂપાળા ઘાટપરથી તેનું નામ સુંદર પાડ્યું. શુકલપક્ષનો ચંદ્ર જેમ દિવસે દિવસે વધે છે તેમ સુંદર મોટી થઈ. ચંદ્ર જેમ મોટો થતો જાય છે તેમ ખીલતો જાય છે તેમ ખીલતી ગઈ. એની ચામડીનો રંગ ગોરો હતો. માણસ જેને ખૂબ સુરતીનાં ચિન્હ ગણે છે તે સઘળાં નહીં તો ઘણાંખરાં તેનામાં હતાં. છઠ્ઠે વરસે સીતળા આવ્યા પણ તેથી એની કાન્તીને ખોડ ખાપણ આવી નહીં. સાતમે વરસે એનો વિવાહ કર્યો, ને નવમે વરસે પરણાવી.

એ છોડીને દેવનાગરી લીપીમાં વાંચતાં લખતાં આવડતું હતું. આદિત્યપાઠ (સંસ્કૃતમાં) મોઢે હતો. ગરબા અને ગીતો આવડતાં. એ એને એની માએ શિખવ્યું હતું. મા દીકરી કોઈ વાર ઘરમાં હીંચકે બેસી કાન ગોપીના કે માતાના ગરબા મીઠા સ્વરે ગાતાં ત્યારે પાડોશીઓ આનંદ પામતા, ને મધુર વાણી સાંભળનારા રસ્તે જનારા શોકીઓ બારણે ભેગા થઈ વખાણ કરતા. સુંદર બાળપણમાં ડાહી છોકરી ગણાતી. સ્વભાવે ઉદાર અને હીંમતવાન હતી. પોતાની પાસે કાંઈ ખાવાનું હોય તો મા ના કહે તથા ગાળો દે તોએ પોતાની સાથે રમવા આવેલી છોડીઓને થોડું થોડું આપી બાકી વધે તે પોતે ખાય. બીજાં છોકરાં જોયાં કરે ને પોતે કદી એકલી ખાય નહીં. સામી માને શિખામણ દે. દીકરી લાડકી હતી તેથી તેનું કહેવું મા બાપને ચરી પડતું. નાગરની છોકરી થઈ નાની વયથી પોતાનું ફુટડાપણું સાચવે, સવારમાં ઉઠી માથું હોળે, નાહેધોય ને મલિન ન રહે ને ચોખા વસ્ત્ર પહેરવાની ટેવ રાખે તેમાં કાંઈ નવાઈ નહીં. હતી તો ભીખારી બ્રાહ્મણની દીકરી પણ ખાવાની લાલચુ ને અકરાંતી નહોતી. કામ કરવું બહુ ગમતું હતું. કામકાજમાં સમજ પડે એટલું જ નહીં પણ જે સોપ્યું હોય તેમાં પોતાની ચતુરાઈ લગાવી સારૂં કરવાને મહેનત કરે. અગીઆર વરસની ઉમ્મરે રસોઈ કરવામાં વખણાતી. માની જોડે જજમાનમાં રાંધવા જાય ત્યાં ગોરાણીથી તેની દીકરી વધારે સરસ રાંધે છે એમ સહુ કહેતા. એનામાં જે અપલક્ષણ હતાં તેમાંનું એક એ હતું કે એને ઘરેણા પહેરવાનો અધિથી વધારે શોક હતો. નવા નવા આભુષણ કરાવવાને માબાપને વારે વારે કહે, ને એક કરાવી આપે કે બીજું માગે. એનો પાર કહાં આવે ! પોતાનો બાપ ધનવાન લોકની બરોબરી કરી શકે નહીં માટે ઘરમાં કંકાસ કરે. કોઈનુ દીઠું કે તેવું પોતાને જોઇએ. વળી એને વાતો કરવાનો અને સાંભળવાનો અતીશે ચડસ હતો. કુથલી કરવા બેસે ત્યારે થાકેજ નહીં. તમાકુ (તંબાકુ) ખાવાનુ ગંદુ વ્યસન એને નાનપણથી પડ્યું હતું, ને છીકણી (તપખીર) પણ છાનામાના સુંઘતી. સાસરેથી આણું આવવા સમે પાસે આવ્યો ત્યારે બહુ હરખાઈ. સાસરાના સુખ વિશે મનમાં અનેક વિચાર કરતી. સાસુજી બહુ લાડ લડાવશે, નણંદ જોડે ચોપટ રમવાની ઘણી મજા પડશે, વરની માનીતી થઈશ, વર ઘણું કમાશે ને ઘણા ઘરેણા કરાવશે, સાસરે માલતી થાકીશ ત્યારે વળી થોડા દિવસ પીએર આવી રહીશ, વગેરે સુખી ધારણાઓથી એનુ મન પ્રસન્ન અને પ્રફુલિત રહેતું. પણ હાય હાય ! એના નિરપરાધી મનની આ બધી આશા કેવી ભંગ થવાની છે ! સંસારના સંકટોથી તે હજી કેવળ અજાણી હતી.

એનો બાપ વીરેશ્વર અને મા શિવલખમી શાક્ત હતાં. સુંદર બાર વરસની થઈ ત્યાં સુધી એને આ વાતની પુરી ખબર નહોતી. એના ઘરમાં એ મતના માણસો રાતના દશ વાગ્યા પછી પુનમે પુનમે ભરાતાં, પણ તે વેળા એ હુંગેલી હોય, અથવા જાગતી હોયતો એની મા કહે આ બ્રાહ્મણો ચંદીપાઠ કરવા આવ્યો છે, વગેરે કહી વહેલી જમાડી સુવાડી દે. એનું કારણ એક નાના છઇઆના પેટમાં વાત રહેતી નથી, ને આ વાત તદ્દન છાની રાખવાની જરૂર હતી. વામ માર્ગીઓની સંખ્યા તે કાળે હાલના જેટલી મોટી નહોતી તેથી તેઓ ઉઘાડા પડવાને ઘણા ડરતા હતા. આ રાજમાં એ પંથને ઘણું અનુકુળ પડે છે, ને તેથી દિવસે દિવસે એનો પ્રસાર થતો જાય છે. તે સમે એ ઉપર લોકને હાલના જેટલી રૂચી નહોતી. વીરેશ્વર અને શિવલખમી નૈષ્ઠિક હતાં. તેઓના મનનો નિશ્ચે હતો કે આદશક્તિ વિના બીજું કોઈ આ સંસારનું સુખ અને મુવે મોક્ષ આપી શકે તેવું નહોતું. એ માટે પોતાની દીકરી સમજણી થઈ એટલે દિક્ષા અપાવી. ચૌદ વરસની થઈ એટલે તેને સાસરે રાખી, ને ત્યારથી એની દૂરદશાનો આરંભ થયો. તેનો ધણી હરિનંદ જાતે છેક નઠારા સ્વભાવનો નહોતો. એ વખતે તેની વય ૧૯ વરસની હતી. રૂપે રંગે સારો હતો, અને ચાર પૈસા કમાતો થયો હતો. જજમાનોની દાન દક્ષણા ઉપરજ તે વેળાના વેદીઆ આધાર રાખી બેસી રહેતા નહીં. હાલના નાગર ગૃસ્થો કરતાં તે સમેના ગૃસ્થો બ્રાહ્મણો ઉપર શ્રદ્ધા વધારે રાખતા. ને દ્રવ્ય વધારે આપતા ને રાંધવા વગેરેનું કામ વધારે કરાવતા, પણ તેમના આપેલા વડે ભીક્ષુકોનો નિર્વાહ થાય તેવું નહતું, માટે વેદાભ્યાસ, અને શાસ્ત્ર ભણવાં છોડી ધંધો રોજગાર કરવો પડતો હતો. એમ કેટલેક દરજે નાગરોથી બ્રાહ્મણ સ્વતંત્ર હતા, તથાપિ તેઓ હાલના જેવા ગર્વિષ્ટ નહતા. તેઓ નાગરોને ઘટતું માન આપતા. હાલ જેમ એ બંનેમાં ઈર્ષા, અને દ્વેષ ચાલે છે, તેમ તે કાળે નહતા. નાગરો બ્રાહ્મણોને તે દહાડે પણ સરકારી નોકરી કે રાજકારભારમાં દાખલ કરતા નહીં, પણ બીજો ઉદ્યોગ કરવાને હરકત નહતી. હરિનંદ કોઈ ડોશીવાણીઆની દુકાને વાણોતર હતો. એ બ્રાહ્મણ જાણી જોઈને અન્યાય કરે એવો નહોતો, પણ કોઈ ચડાવેતો ચડી જાય, ને ખરું ખોટું શોધી કાઢવાની દરકાર રાખ્યા વિના કોપી જાય. એક વાર ક્રોધમાં આવ્યો કે જંગલી બની જતો, આડું અવળું કાંઈ જુવે નહીં. હોળીની લઢાઈઓમાં આગેવાન થતો ને હીમ્મતથી લઢતો, પણ કુડ કપટમાં સમજતો નહીં. નાતમાં જમવા જાય ત્યાં બશેર ઘીનું માથું ભાગે, ને બીજે દિવસે સવારમાં પાંચ મણ લાકડાં ચીરે, ને સાંજરે પાશેર ખીચડી ખાય કે વખતે નકોરડોએ ખેંચી કહાડે.

એના બાપનું નામ રમાનંદ હતું. એનુ ઘરમાં જરાએ ચલણ નહોતું, એની સત્તા સૂન્ય હતી. એ મહારાજા સવાર સાંજ બે વાર ભાંગ પી ચકચુર રહે, ને વૈહેતીઆ પોતડી પહેરી સારો દિવસ એટલે કે બારીએ બેઠા વાતના તડાકા મારે. બ્રહ્મઅક્ષર એકે આવડે નહીં, પણ તપખીર સુંઘવે, ને ભોજન કરવે શૂરા હતા. છીકણી સુંઘતાં એનાં નાશકોરાં એટલાં પોહોળાં થઈ ગયાં હતા કે તેથી છોકરાં બીતાં હતાં. એના એક એક નાશકોરામાં ભાર તપખીર માતી. એ ખાનારો કહેવો જબરો હતો તેનો સુમાર આપણે એ ઉપરથી બાંધી શકીએ કે, એક વખત મોડાસાના દેશાઇએ એની નાત જમાડી તે દહાડે કંસાર ઉપર છૂટાં ઘીને ખાંડ પીરસી. કેટલાક માણસો નાતમાં ખાય છે તેની જોડે ચોરે છે, એ જેમ હાલ છે તેમ તે સમે પણ હતું. એવી ચોરી પકડવાને દેશાઇએ આસપાસ સિપાઈ રાખ્યા હતા. નાત જમી ઉઠી ને રમાનંદ જેવા બહાર જાય છે તેવા સિપાઇએ ઝાલ્યા. હો હો થઈ ગઈ, શું છે શું છે એમ કહેતા બ્રાહ્મણોનું ટોળું વળ્યું. એક બે સિપાઈ બીજા ન આવી પહોંચ્યા હોત તો જેણે રમાનંદને પકડડ્યો. હતો તેને ભટો મણની પાંચશેરી કરત, ને છઇયાની કંઠી કાપતો હતો એવું બુતાનુ તેને શીર મુકત. રમાનંદ કહે મારા ચંબુમાં ઘી નથી, પાણી છે; સિપાઈ કહે નહીં ઘી છે, લાવ દેખાડ. શોર બકોર સાંભળી દેશાઈ આવી પહોંચ્યા, ને પુછ્યું શું છે. સિપાઈ કહે એના ચંબુમાં ઘી છે. રમાનંદ કે જુવો આ પાણી છે, લો હું પી જાઉછું, એમ કહી ચંબુ મોડે માંડ્યો તે જરા વારમાં ત્રણ શેર ઘીનો ભરેલો ખાલી કર્યો. ભર્યા પેટમાં એટલું ઘી માય નહીં એમ કહેશો નહીં, આજે પણ બ્રાહ્મણોમાં એવા માણસ છે. એક બ્રાહ્મણને હું ઓળખું છું, જેણે નાતમાં જમી આવીને એક રૂપીઆની છશેર બરફી, આદુ કે મીઠાની ગાંગડી જોડે લીધા વિના થોડા વરસ પર ખાધી હતી. તે શરત બકેલો રૂપીઓ ખસોટે ખોસી ઘેર ગયો. બીજે દહાડે તેને મુરછી બરછી કાંઈ થઈ નહીં. રમાનંદ જમવામાં એવો વકોદર, વાતો કરવામાં ચપળ, ને નાતમાં કાંઈક વજનદાર હતો, તોએ ઘરમાં ધણીઆણી કે છોકરી આગળ કાંઈ ચાલતું નહીં. શિખામણ દેવા કે ડહાપણ કરવા જાય કે ઝાપટી પાણીથી પાતળો કરી નાંખે. એ તરફનો ખેદ મનમાંથી દૂર કરવાને તે ઘણી ભાંગ પીતો હશે. એ ધારતો કે મારે બે દીકરા ને એક દીકરી છે. એ ત્રણે પરણેલાં છે. મોટાં થયાં છે ને સુખી છે, ત્યારે મારે તેમથી ભાંજગડમાં શાને પડવું જોઇએ. એમ વિચારી સંતોષ માની ઘરમાં જે થાય તે જોયા કરતો.

એના વડાપુત્રનું નામ વીજીઆનંદ હતું. હરિનંદમાં ને તેમાં એટલો ફેર હતો કે તે જરાક સ્વતંત્ર વિચાર કરી શકે તેવો હતો. વીજીઆનંદના મનમાં એની માની ને બેનની ચાલ વિશે શક હતો તેથી તેમના કહેવા પર ભરોશો રાખતો નહીં, ને હરિનંદની પેઠે ભરમાતો નહીં. તે પણ મીજાશી ઘણો હતો. માને વહુ - લઢતાં હોય તો વખતે કહેશે છો રાંડો વઢીમરતાં, ને વખતે બંનેને ધમકાવે ને ટપલા લગાવે.

એની મા અનપુણા ને બેન કમળા બંને ઘણાં હારૂના બઈરાં ગણાતાં. કમળાનાં સાસુ સસરો મરી ગયાં હતાં, અને વર નબળા મનનો હતો, તેથી સાસરે કોઈ પુછનાર મળે નહીં, ને પીએર લાડકી હતી, માટે સ્વછંદે વર્તવામાં હરકત પડતી નહીં. એવું પણ કહેવાય છે કે કોઈવાર રાત્રે મરદના લુગડાં પહેરી બાહાર નિકળતી. સારી સ્ત્રીઓમાં લાજ, શરમ, વિવેક, ને નરમાસ હોય છે, તે તેનામાં નહોતાં. અનપુણા બાહાર લોકમાં તો સભ્ય, ભલી, ને જેના બોલવાના ડહાપણનો પાર નહીં, એવી હતી, પણ ઘરમાં કઠોર, નિરદય અને જુલમી હતી. તે એમ સમજતી કે વહુવારુઓ દાશીઓ છે, તેમના ઉપર જુલમ કરવો એમાં પાપ નથી. પોતે પોતાની સાસુ તરફથી બહુ દુખ વેઠ્યું હતું, તેથી તે જ્ઞાની ન થતાં ઉલટી દુષ્ટ થઈ હતી. સાસુ મરી ગઈ ત્યારે લોકને દેખાડવાને રોઈને કુટ્યું, પણ મનમાં ઘણી ખુશી થઈ, ને પોતાના મનને કહ્યું હવે મને ગાદી મળી છે, જો હવે હું કહેવું રાજ ચલાવું છું.ગુજરાતની ગ્રામસંસ્કૃતિની લોકવિદ્યાઓ અને કોઠાસૂઝની કળાઓ

પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં ૧૪ વિદ્યા અને ૬૪ કળાઓ સુપેરે વર્ણવાઇ છે. લોકવિદ્યાના જાણતલોની શોધયાત્રા દરમ્યાન મારી જાણકારીનું પાણી માપવા અમારા મોહનભાઇ પાંચાણીએ મારી આગળ એક દૂહો રમતો મૂક્યો. ‘બાપુ ! મને આનો અરથ કહો ?

રાગાં પાગા ને પારખાં
નાડી ને વળી ન્યાય,
તરવું તાંતરવું તસ્કરવું
એ આઠેય આપ કળાય.

મને માથું ખંજવાળ તો જોઇને ખડ ખડ ખડ દાંત કાઢતાં એમણે કહ્યું, રાગા એટલે રાગ- સંગીતની જાણકારી, પાગા અર્થાત્ માથા પર વિધ વિધ ઘાટની (ચાંચાળી- મોરબી શાહી, આંટિયાળી) પાઘડીઓ બાંધવાની કળા. પારખા એટલે સોનું, રૂપુ ને ઝવેરાતની કસોટી કરી એને પારખવાની કળા. નાડી એટલે વૈદ્યકિય વિદ્યા. ન્યાય- સાચો ન્યાય તોળવાની કળા, તરવું વાવ-કૂવા નદી કે સમુદ્રના પાણીમાં તરવાની કળા. તાંતરવું- તાંત્રિક વિદ્યા વડે બીજાને વશ કરીને છેતરવા. તસ્કરવું એટલે કોઇના ઘરમાં સિફતપૂર્વક ખાતર પાડવું (ચોરી કરવી) લોકજીવનમાં આઠેયને હુંશિયારીની આપકળાઓ કહી છે. આપકળાઓના ભણતર માટે કોઇ નિશાળ કે ગુરુ હોતા નથી. જેમ ‘સોળે સાન અને વીસે વાન‘ આવે એમ અમુક ઉંમર સુધી આ કળા આવી તો ઠીક છે. નહિતર માનવી માથા પછાડીને મરી જાય તોય નથી આવતી એમ કહેવાય છે. આજે મારે જૂનાકાળે આવી કોઠાસૂઝ ધરાવનાર માનવીઓની આશ્ચર્યજનક વાતું માંડવી છે. આજની પેઢીના બાળકોને કદાચ આ દંતકથા કે કપોલકલ્પિત કથા લાગશે પણ વિજ્ઞાાન અને વર્તમાન સંશોધનો આ વાતને પુષ્ટિ આપે છે. ત્યારે મારા જેવા પ્રાચીન સંસ્કૃતિ પ્રેમીના હૈયામાં આનંદના રંગસાથિયા પુરાય છે.

ભારતના બે મૂલ્યવાન મહાગ્રંથો ઃ રામાયણ અને મહાભારત. મહાભારતમાં એવી વાત આવે છે કે અર્જુન તેમની પત્ની સુભદ્રાને લડાઇમાં ચક્રવ્યૂહના કોઠા ભેદવા વિશે કહી રહ્યા હતા. ત્યારે સુભદ્રાના ગર્ભમાં રહેલા અભિમન્યુએ એ જ્ઞાન-વિદ્યા પ્રાપ્ત કરી લીધાં હતાં. આજલગી કાલ્પનિક મનાતી આ વાતને અમેરિકાની પેસિફિક લુથરાન યુનિવર્સિટીમાં થયેલા એક સંશોધને પુષ્ટિ આપી છે. ત્યાંના વૈજ્ઞાાનિકો કહે છે કે બાળકો માતાના ગર્ભમાં જ સાંભળવાનું અને ભાષા શીખવાનું શરૂ કરી દે છે. રોકલેન્ડ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડૉ.વંદના કેન્ટનું કહેવું છે કે નવજાત બાળકો માટે સકારાત્મક અનુબવ ખૂબ જરૃરી હોય છે. એટલે જ ગર્ભવતી સ્ત્રીઓને એવી સલાહ અપાય છે કે બાળકને સારી બાબતો અને પુસ્તકો વાંચી સંભળાવવા. આ અભ્યાસમાં નોંધ્યું છે કે નવજાત બાળકોએ લગભગ બધા જ અવાજ ઓળખી લીધા હતા જે ગર્ભાવસ્થાના છેલ્લા ૧૦ સપ્તાહમાં તેની માતાએ ઉચ્ચાર્યા હતા.

આવી પ્રાચીન ભારતીય વિદ્યાઓ અને કોઠાસૂઝના કસબીઓ જૂના કાળે આપણે ત્યાં થઇ ગયા. એ વિજ્ઞાન ભણવા નહોતા ગયા પણ એમની વિદ્યાની પાછળ વિજ્ઞાન સમાયેલું હતું એની આજે આપણને ખબર પડે છે. સૈકાઓ પહેલા આજના જેવા નિષ્ણાત ડૉક્ટરો કે મેડીકલ કોલેજો વગેરે નહોતા ત્યારે નિરીક્ષર હોવા છતાં આપણા વૈદ્યો કોઠાસૂઝ અને અનુભવોને લઇને વૈદ્યવિદ્યામાં નિષ્ણાત હતા. એ કાળે હાડવૈદ્ય અને નાડીવૈદ્ય એમ બે પ્રકારના વૈદ્યો હતા.

રજવાડાઓનો સમય. રાજમહેલના ઝનાનખાનાની રાણીઓ અને અન્ય સ્ત્રીઓ માંદી પડે ત્યારે સ્ત્રી વૈદ્યો નહોતી એટલે પુરુષ વૈદ્યોને એમની નાડી જોઇને દેશી ઓસડિયા આપવા પડતાં. શ્રી ધીરસિંહજી ગોહિલે એક રાજવૈદ્યની વાત આમ નોંધી છે. આ વૈદ્ય રાજદરબારમાં બિમાર રાણીની તબિયત તપાસવા ગયા. નાડીવૈદ્ય એટલે નાડી જોયા પછી ઓસડ અપાય. રાણી તો ઓઝલ રાખે પરપુરુષને મોં ન બતાવે કે હાથ ન પકડવા દે. એટલે વૈદ્યે કહ્યું ઃ આપ ભલે પડદામાં રહો. આપણે જમણે હાથે દોરી બાંધીને મને બહાર આપો. હું નાડી તપાસી લઇશ. દાસી પડદા પાછળથી દોરી લઇને આવી. વૈદ્યરાજ દોરી હાથમાં લઇ બે ત્રણ ચાર પાંચ વાર તપાસીને વિમાસણમાં પડી ગયા. બાજુમાં દરબાર બેઠેલાં એ કહે ઃ ”વૈદ્યરાજ, કઇ ચિંતા જેવું છે ?”

‘હા, બાપુ ! મારી વિદ્યા કહે છે કે બા સાહેબે ઊંદર ખાદ્યો છે. એની બધી ગરબડ છે.’ દરબારે પંડે જઇને તપાસ કરી ત્યારે રાણીએ સાચી હકીકત જણાવી કે મેં તો વૈદ્યરાજની પરીક્ષા કરવા મારા હાથે નહી પણ બિલાડીના પગે દોરી બાંધી હતી. આમ નાડીપરીક્ષાની ખાત્રી થઇ અને દરબાર રાજવૈદની વિદ્યા પર વારી ગયા.

બીજી એક વાત મારા ગામના સુતાર ભગતની છે. એ સુતારનું નામ બોઘો. નાનપણથી બોઘા જેવો હોવાથી એનું નામ એ ઠેરી ગયેલું. ભણેલો નહી એટલે વૈદક વિદ્યા એની પાસે હોય જ ક્યાંથી ? નાડીવૈદુ એને જેવું તેવું આવડે, પણ માણસને જોઇને જ નિદાન કરતો. એ સાચું જ પડતું. એક દિવસ ગામનો ખેડૂત વાવણિયોને કપાસિયાનો કોથળો લઇને વાવણી કરવા માટે સીમાડે જતો હતો. પાદરે ઊભેલા બોઘા સુતારે એને કહ્યું ઃ ભલો થઇને તું આજ ખેતરે ન જઇશ. તું ખેતર સુધી નહી પોગી હકે. તારું મોત મને દેખાય છે. આ સાંભળીને ખેડૂતે કહ્યું, તઇણ રોટલા ટટકાવીને ઘર્યેથી નીકળ્યો છું. નખમાં યે રોગ નથી. તમારી હારોહાર્ય તમારી બુદ્ધિય ઘરડી થઇ છે કે શું ? આમ બોલતો ખેડૂત ખેતર જવા નીકળ્યો. રસ્તામાં ચક્કર આવ્યા. મારગ માથે ઢળી પડયો ને મૃત્યુ પામ્યો. સાંતી ને બળદ રેઢા ઘરે આવ્યાં ત્યારે સૌને ખબર પડી.

આવી અદભુત આગમવાણી અંગે લોકોએ બોઘા સુતારને પૂછ્યું ઃ તમે નાડી કે કશું જોયું નથી. તમે શી રીતે જાણ્યું કે આનું મૃત્યુ થશે ? સુતારે ગંભીર થઇને કહ્યું ઃ ભઇલા ! એની હાલ્યમાં (ચાલવામાં) સન્નિપાત હતો. આવા સન્નિપાતવાળા માણસો અમુક ડગલાં ચાલે પછી મૃત્યુ પામે છે. આ અનુભવની વાત છે.

જૂના જમાનામાં લોકજીવનમાં શુકનાવળીઓ હતા. તેઓ પક્ષીઓની બોલી પરથી શુકન જોતા. ભૈરવી (ચીબરી) કઇ દિશામાં બોલે છે ? સૂંકા ઝાડ ઉપર બેઠી છે કે લીલા ! તેના જુદા ઉચ્ચારોથી શું કહે છે ? તેનો ઊંડો અભ્યાસ કરવાનો હોય છે. આઠ દિશાના આઠ ઘર અને કઇ દિશામાં કોનું ઘર ને, ચીબરી બોલે છે તે કોના ઘરમાં બોલે છે.

આમ કચ્છમાં સોઢા રાજપૂતોની વસ્તી છે. તેમાંના કોઇ અનુભવી કાગવિદ્યાના માલમી છે, જાણકાર છે આવો એક રાજપૂત ઊંટ ભાડે કરીને વહુને તેડવા નીકળ્યો. રસ્તામાં કાગવાણી સાંભળી. એણે તારણ કાઢ્યું કે જો ઘેર પાછો જાશે તો દીકરી મરશે અને વેવાઇને ત્યાં જશે તો વહુ મરશે. એ તો બેમાંથી એકેય જગાએ જવાને બદલે મારગ માથે ઊંટને ઝાકોરીને બેસી ગયો. ઊંટવાળાએ એને પૂછ્યું ઃ તારી પાસે શું છે ? ત્યારે કહે ઃ મારી પાસે થેલી છે. ઊંટવાળાએ થેલી લઇ લીધી. ઊંધી કરીને બધુ બહાર કાઢ્યું તો તેમાંથી સાપ નીકળ્યો. સાપવાળી થેલી તે ઘેર કે બહાર આપે તો લેનારનું મૃત્યુ નિશ્ચિત હતું. પક્ષીની બોલીના બે જાણકારોએ બોલીનો મર્મ પકડીને આવતા અનિષ્ટને ટાળ્યું.

આ રીતે તેતર ને શિયાળની બોલીના જાણકરો આપણે ત્યાં હતા. શિયાળના અવાજને લાળી કહે છે. શિયાળ એકલું બોલે છે કે ઝાઝા શિયાળિયા ભેગા થઇને બોલે છે તેના પરથી શુકન જોવાતાં. કોઠાસૂઝવાળા લોકો- રાત્રે લાળી કરતા શિયાળનો અવાજ છે કે ચોરનો તે પણ પારખી લેતા. એ કાળે ચોરી કરવા નીકળેલા ચોર લોકો શિયાળની લાળીમાં સાંકેતિક ઇશારા કરતા અને જોડીદારને સંદેશો પહોચાડતા.

એ સમયે શુકનાવળીઓ સર્પ આડો ઊતરે એને અપશુકન માનતા. ગધેડો આડો ઊતરે કે ભૂંકે, ગાય સામી મળે તેના ઉપરથી શુકન જોતા. સર્પ અને ગધેડાના અપશુકન જન હતા પણ સારા શુકનેય હતા. એની એક કહેવત છે ઃ

ખર ડાબો વસયલ જમણો
પેસંતો પાતાલ
કાં તો પામે પદ્મણી
કાં તો રાજ દરબાર

ગધેડો ડાબો ઊતરે ને સર્પ જમણો ઊતરીને દરમાં પેસે તો આ શુકને નીકળનાર પદ્મણીને પામે કે રાજદરબારમાં માનભર્યું સ્થાન પામે. આમ હરણ ડાબા કે જમણાં ઊતરે તેની સંખ્યા કેટલી છે તેના પરથી શુકન અપશુકન જોવાતા. લોકવિદ્યાના જાણકાર શ્રી ધીરસિંહજી ગોહિલે એક રોમાંચક કિસ્સો નોંધ્યો છે.
સૌરાષ્ટ્રના એક ગામમાં ગરાસદાર દરબાર હતા. ભણતર કાંઇ ન મળે પણ ભાંગેલા હાડ સાજા કરવાની વિદ્યા એમને હાથ બેસી ગયેલી. એક દિવસની વાત છે. સાંજનો સમય છે. ગામની એક સગર્ભા સ્ત્રી નદીએ પાણી ભરવા નીકળી છે. ગામના ઢોર પાણી પીવા અવાડાભણી જાય છે. આ બાઇ પાણીની હેલ્ય માથે લઇને વહી આવે છે. એવામાં તીણાં અણીદાર શીંગડાવાળો એક ખૂંટિયો બાઇની પડખે થઇને નીકળ્યો. ખૂંટિયાના સ્વભાવ પ્રમાણે બાઇને ગોથે ચડાવી. બાઇ બેભાન થઇને પડી. ખૂંટિયાના શીંગડાથી બાઇની કૂખ ચીરાઇ ગઇ ને ગર્ભમાં રહેલા બાળકની કોણી બહાર નીકળી ગઇ. સામે ચોરે બેઠેલા હાડવૈદ દરબારે જોયું. હાથમાં હોકો લઇને તેઓ દોડી આવ્યા.

બાઇ બેભાન પડી છે. દરબારે હોકો પડખે ખીજડાનું ઝાડ હતું એના થડે મૂક્યો. બાઇના શરીરમાંથી લોહી વહેવા માંડયું હતું. સમય કટોકટીભર્યો હતો. સહેજ સમય જાય તો બાઇ મૃત્યુના મોંમાં હોમાઇ જાય એવી નાજુક સ્થિતિ હતી. પ્રથમ તો દરબારે બાળકની હાથની કોણી જે બહાર નીકળેલી તેને અંદર લઇ જવા મથામણ કરી પણ તેમાં કાહરી ફાવી નહી. તેમણે હોકો હાથમાં લીધો. હોકા હાર્યે પિતળનો વાળો બાંધેલો હતો. તે ઉકેલીને કુંડલી કરી હોકાની ચલમમાં તપાવીને પછી બાળકની કોણી ઉપર ચાંપી. ગર્ભસ્થ બાળકે તરત કોણી અંદર લઇ લીધી. પછી શીધ્ર ચીરાઇ ગયેલી કૂંખને હાથની મુઠ્ઠીથી ભેગી કરી. એક હાથ ખાલી રહ્યો. તે દિ ટાંકા લેવાના સાધનો તો હતા નહી. દરબારે કોઠાસૂઝ વાપરી પડખે ખીજડાનું ઝાડ હતું તેના થડમાં મંકોડાનું દર હતુ. દરબારે હોકાનું પાણી દરમાં દદડાવ્યું, દરમાંથી કતડિયા મંકોડા બારા આવવા મંડાણા. મોટામોટા મકોડા પકડી ફૂંક મારીને દરબાર ખીજવે. પછી તેનું મોઢું બાઇની ચીરાયેલી કૂંખ માથે મૂકવા માંડે. ખીજાયેલો મંકોડો બટકું ભરે કે તરત સૂડી વડે અર્ધો કાપી નાખે. એટલે ટાંકો થઇ જાય. આ રીતે મકોડાના ટાંકા દઇ પાટો બાંધ્યો ને બાઇને મહિના દિમાં આરામ થઇ ગયો. પૂરા દિવસે એને દીકરો જન્મ્યો. તેની કોણી ઉપર જીવ્યો ત્યા લગી વાળાની કુંડલીનો ડામ હતો. આ વાતને ગામના માણસો જ નહી ઘણા ગામના માણસો જાણે છે.

આ હતી વગર સાધનની ભારતીય હાડવૈદની વિદ્યા, કળા, બુદ્ધિ અને શક્તિ. આવી તો જમીનમાં પાણી કળવાની (જોવાની) આભના ગાભના વરતારા કરવાની, ચોરનું પગેરું લેવાની, અશ્વોને પારખવાની કૈક વિદ્યાઓ આપણે ત્યાં હતી. વિકાસના વાયરાની ઝપટે ચડીને આ બધી લોકવિદ્યાઓ- કોઠાસૂઝની કળાઓ મરણ પથારીએ પડી છે અને મોટાભાગની કાળના ગર્તમાં વિલીન થઇ ગઇ છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

લોકવાણીનાં ઘરેણાં સમા કૃષિસંસ્કૃતિના તળપદા શબ્દો અને કહેવતોની અજાણી વાતો

આજે ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડના ગામડાનું લોકજીવન યંત્રયુગની આંધીમાં ઉડાઉડ કરવા માંડયું છે. ભૌતિક સવલતોમાં આળોટવા માંડયું છે. પરિણામે ગામડાંની મૂળ સંસ્કૃતિ આથમવા માંડી છે. આપણે એને વિકાસના રૂપાળા નામે ઓળખીએ છીએ. કૃષિક્રાંતિનો આરંભ થતાં ટ્રેકટરો આવ્યાં. ગામડાંમાંથી સાંતી, ગાડાં ને બળદો ગયાં. એની સાથે પંડય, પશુ અને ઘરના શણગારો અદ્રશ્ય થયા. ખેતર અને ખેતી સાથે સંકળાયેલા લોકબોલીના તળપદા શબ્દો ય ગયા. ભાષાના અને ધરતીના ઘરેણાં જેવા વિસરાઇ ગયેલા કૃષિ આનુષંગિક લોકબોલીના શબ્દને અહીં ઉઘાડવાનો આજે ઉપક્રમ છે. જમીનો સાથે જોડાયેલા શબ્દો તો જુઓ ઃ

મશીનો આજે ભખભખ કરવા મંડાણાં, પણ સૌરાષ્ટ્રમાં જૂનાકાળે વાડિયા ગામોમાં ખેડૂતો કૂવા પર મંડાણ માંડી કોશ હાંકી વાડીયુંમાં પાણી પાતાં. આ કોશ પહેલાં તો ભેંસના ચામડામાંથી બનતા પછી લોખંડનાં જાડાં પતરામાંથી બનવા માંડયા. એની સૂંઢ તો ચામડાથી બનતી.

કોશના માથે ‘વરત’ જાડું રાઢવું અને ચામડાની સૂંઢ સાથે વરતડી-પાતળું દોરડું રહેતું. કોશે બે બળદો જોડાતા. તરેલું બળદની ડોકમાં રહેતું. કોશ માટેના મંડાણ અર્થાત્ ટોડા ઉપર ‘ગરેડી’ રહેતી. એક ગરગડી નીચે રહેતી. તેના ઉપર ‘વરત’ અને ‘વરતડી’ ચાલતા. કોશનું પાણી ‘થાળા’માં ઠલવાતું. થાળામાંથી ‘કૂંડી’માં જતું અને કૂંડામાંથી ‘ધોરિયે’ ચડીને ક્યારામાં જતું. ‘પાણિતાણિયો’ દાડિયો ક્યારામાં પાણી વાળતો. નવાગઢ જિ. રાજકોટના ખેડૂત-લેખક નારણભાઈ કે. પટેલ આવા શબ્દોની નોંધ આપે છે.

જે ખેતરમાં કે વાડીમાં કૂવો હોય તે જમીનને ‘વાડીપડુ‘ કે વાડિયું ખેતર કહેતા. તેમાં કૂવાનું પાણી સીંચીને બારે માસ ખેતી થતી. કૂવા વિનાની જમીનને ખેતર કહેતા. ખેતરમાં માત્ર ચોમાસાના વરસાદથી જ ખેતી થાય. ભાલિયા કાઠા ઘઉંની ખેતી આ રીતે જ થાય છે. આને ‘આસિયા’ ઘઉં પણ કહે છે. કહેવાય છે કે એક વિદેશી બાઈએ ભારતમાં આવીને ભાલના દાઉદખાની ઘઉંના પ્રયોગથી કેન્સરને પણ મહાત કર્યું હતું. જયાં વરસાદી ખેતી જ થતી હોય તે જમીન ‘ખારેજ‘ કહેવાય છે. આ જમીનમાં જે મોલ ઊગે તેને ‘રામમોલ‘ કહે છે.

વાડીનો કૂવો પચ્ચીસથી ત્રીસ હાથ ઉંડો હોય છે. તેમાં જુદી જુદી દિશાઓમાંથી પાણીના ‘આવરા’ આવે છે. ‘છીછરો’ કૂવો હોય તેને ‘બૂટયું‘ કહે છે. જે જમીન વાવ્યા વગરની પડી રહે તેને ‘ગઢાણ‘ કે ‘પડતર‘ કહે છે. અન્ય પ્રકારો જોઈએ તો સાવ કાળી-ઢેફાંવાળી જમીન ‘કરાળ‘, કાળી-ધોળી માટીવાળી મિશ્રિત જમીન ‘ચુનખડ‘, રેતીવાળી જમીન ‘વાલસર‘- રેતાળ, ચીકાશ વગરની જમીન ‘રેસવટ‘, કઠણ જમીન ‘કરલ‘, મીઠું જામેલી જમીન ‘ખારસ‘ કે ખારોપાટ, ઢાળવાળી જમીન ‘ઉતરવટ‘, ધોવાણ થાય તેવી જમીન ‘ધુ્રફણ‘, પાણી ભરેલી જમીન ‘ઉપલવટ‘ કે ‘ભરત’ જમીન તરીકે ઓળખાય છે.

આવી જમીનમાં જુવાર, બાજરો, બાજરી, ઘઉં, ચણા, તલ-તલી, મકાઇ વગેરે પાકો લેવાય છે. જુવાર-બાજરાના ફાલને ‘ડુંડા‘ અને ઘઉંના ફાલને ડૂંડી અથવા ઉંબી, ચણાના ફાલને ‘પોપટા‘, કપાસના ફાલને ‘જીંડવા‘, જુવારના ચડેલ અનાજને ‘ડુંડા‘ કે કણસલાં તરીકે ખેડૂતો ઓળખે છે.

સૌરાષ્ટ્રના વાડિયા ગામના ખેડૂતો આજેય શેરડીના વાઢ કરી શેરડી પીલીને ‘ગઢિયા‘ દેશી ગોળની ‘ભેલિયું‘ પાડે છે. આવો ‘વાઢ‘ ભરડાય ત્યારે જયાં શેરડીના ક્યારા કરે તે જમીનને ‘પાટ‘ કહેવાય છે. ‘ચિચોડા’માં શેરડી પિલાતી (એકાળે મશીનો નહોતાં). ગોળ બનાવનાર માણસોની મંડળીના માણસો જુદા જુદા નામે – ઓળખાતા. ચિચોડામાં શેરડી નાખનાર માણસને ‘ભોરિયો’, ગોળ પકવનારને ‘ગળાવો’, ચૂલમાં લાકડાં ઓરનારને ‘ભાડવાળો’, શેરડી પીલનારને ‘પિલાવો’, પીલેલ શેરડીના કૂઆ બહાર કાઢનારને ‘કૂચિયો’, શેરડીના કટકા કરે તેને ‘ફાંસીઓ’, શેરડીના આગળાં કાપનારને ‘આગળિયો’ કહેતા.

આજે ખેતી માટે યાંત્રિક ઓજારો આવતાં જૂના ઓજારો ભૂલાવા માંડયાં છે. જૂના ઓજારો ને સાધનો જુઓ ઃ કોસ, કોદાળી, ત્રીકમ, પાવડો, ખંપાળી, ઘોડી, સૂંડલો, ડાલું, સૂંડલી, માણું, ગાડું, ઓરણી-ડાંડવા, ખાતરણી, રાસ, રાંઢવું, છીંકલી, પરોણો-પરોણી, ખરપિયો, દંતાળ, હળ, બગડો, કળિયું, સાટો, દાતરડું, દાતરડી, કુહાડી, ગોફણ, ઢીંગલી, રાંપ-રાંપડી, સૂંપડું, ગાડાના ભાગો, ડાગળી, પૈડાં ધરો, પોખાની ઊંટડો, ઉધ્ય, નાડુ, જોંહરું, જોતર, ઠાઠિયું, છીંકું, ભંડકિયું ઈત્યાદિ.

મારા બાપુ રજવાડાઓના વખતની વાતું ઉખાળે ત્યારે ઘણીવાર એ કાળના વિચિત્ર કરવેરાની વાતુંય કહેતા ઃ એ કાળે ખેડૂઓ પાસે સાંતીવેરો, ઉપનીવેરો વાડીવેરો, વીઘાવેરો, ડગલી વેરો, કુંવરપછેડો, પાણીવેરો, પૈડાં વેરો, ઉચકાવેરો, સમરીવેરો, પૂંછીવેરો અને ઉભડવેરો રાજ તરફથી લેવાતો. પૂંછડીવેરો એટલે ખેડૂત પાસે જેટલા ઢોરઢાંખર હોય તેનાં પૂંછડાદીઠ વેરો લેવાતો. ઉભડવેરો ખેતી ન કરનાર ઉભડ લોકોએ ભરવો પડતો. ખેડૂતની ખેતીની પેદાશ આવે ત્યારે સરકારી વેરો લેવાતો તેને ‘વજેભાગ‘ કહેતા. ગામને પાદર જયાં ખેતીની પેદાશ ભેગી કરાતી તેને ‘માખળ‘ કે- ‘ખળાવાડ‘ કહેતા. રાજભાગ આપ્યા પછી જે અનાજ વધે તેને ‘ગંજવધારો‘ કહેતા. આ ગંજ વધારામાંથી ગામના વસવાયા ખેડૂત પાસે ‘આવત‘ ના દાણા માગવા આવતા. તેમના માટે જે ભાગ કાઢવામાં આવે એને ‘પડધરો‘ અર્થાત્ ‘મજમુ’ કહેતા. સદાવ્રતી એટલે સાધુ-બાવા- ફકીર- પૂજારી માગવા આવતા તેને ‘ખોળો‘ કહેતા. સરકારી જમીનમાં ગામના ઢોર ચરાવ્યા હોય તેની ‘પાનચરાઇ‘ આપવી પડતી.

શેઢાની તકરાર હોય ત્યારે ખેડૂતો જમીનની માપણી કરાવતા. સાંકળ લઈને ખેતરના વિઘા માપી આપનાર ‘જરિફ‘ કે ‘જેવડિયો‘, જેવડિયાની દોરી ઝાલી પાછળ પાછળ ફરનારને ‘પૂંછડિયો‘ અને સિમાડા પર કે ખેતરના શેઢે ચુનાકસી-પથ્થરની નિશાની ખોડનારને ‘દડીઓ‘ કહેવામાં આવતો. લોકસંસ્કૃતિપ્રેમી શ્રી રમેશ ગોંડલિયા ‘સંગત’ સામયિકમાં પશુ-રહેઠાણ અને ચારા સાથે જોડાયેલા શબ્દો નોંધે છે ઃ ઢોર, ગમાણ, કોઢય, ખીલો, ઓગઠ, દાબો, ઉથરેટી, દૂઝણું, પાંકડું, ઓડકી, પાડટુ, ફરજો, ઢાળિયું, વંડો, વાડો, કુંડી, ડોબું, ખડલી, બોધરુ, દોહવું, નીંદવું, ખીરું, પાટુ, ભામ, વાસીદુ, પોદળો, પહરજાવું, ઉથલો, ચરિયાણ, બીડ, ભરોટિયું, ભારો, ગાંહડી, કાલર, ભરોટું, ગંજી, પાથરો, પૂળો, ઓઘા, શેરવું, તણખિયો, કંબોડી ઇત્યાદિ.

તે દિ’ વાડિયા ગામોના ખાનપાનની પણ એવી મજા હતી. જેતપુર પાસે આવેલા નવા ગામના રામાયણપ્રેમી સ્વ. કેશવબાપા નામના કણબી પટેલ નવો સાથી રાખે ત્યારે સવારમાં કાંસાની અડધી તાંસળી ઘીથી ભરી મંઈ ગોળ નાખી રોટલાનો થપ્પો સાથીને આપીને ખાઇ જવાનું કહેતા. જો આવનારો સાથી ઘી-ગોળ- રોટલાનું આટલું શિરામણ ખૂટવાડી જાય તો જ તેને બાર મહિના સાથી તરીકે રાખતા. એનું કારણ એ હતું કે ખેતીનું કામ બહુ આકરુ ગણાતું. આજના ચા-રોટલી ખાવાવાળા દાડિયા આ કામ ન કરી શકે. આ દેશી ખાણું બપોર થાતાં થાતાંમાં તો પચી જતું. ખેડૂતો બપોરા કરવા બેસે. વાડીના ફેડા દીમની નજર તાકયે રાખે કે ‘ભથવારી’ ભાતનું તબડકું ભરીને આવે છે કે નઇં ? જ્યારે ભાતું આવી જાય ત્યારે સૌ પાણીના ધોરિયે હાથ-પગ ધોઈ લીંબડાનો કે આંબાનો છાંયો ગોતે, ભાતમાં આવેલું શાક જો કોઈને પસંદ ન પડે તો ઊભો થઈને રીંગણીના ક્યારામાં જઈ હાથએકનું રીંગણું તોડી મંગાળો કરી તેમાં રીંગણું શેકી નાખે. ભેગા પાંચ-દસ મરચાં શેકી નાખે ને રીંગણાનો ઓળો તૈયાર કરી બાજરાના રોટલા સાથે ઝાપટવા માંડે. સાથે છાલિયાંમાંથી છાશના ઘૂંટડા ભરતા જાય. ખેતરના ખોળે થતું આ ‘વન ભોજન’ માનવીને સ્વર્ગીય સુખ આપનારું ગણાય છે. પણ ભાઈ, આ બધી તો ભૂતકાળની વાત થઇ ગઈ. જૂની સંસ્કૃતિ ઝડપથી આપણા હાથમાંથી સરી રહી છે. માત્ર હાથમાં રહી ગઈ છે કૃષિ સંસ્કૃતિએ આપેલી થોડીક કહેવતો ઃ

૧. ખેતી કરવી હોય તો રાખવું ગાડું ને લડાઈ કરવી હોય તો બોલવું આડું

૨. કરમહીણો ખેતી કરે, કાં બળદ મરે, કાં દુકાળ પડે.

૩. ખેડ, ખાતર ને પાણી
સમૃદ્ધિ લાવે તાણી

૪. ખેડૂત ખેતરે ને શેઠ પેઢીએ

૫. ખેડૂત થાકે, જમીન નહીં થાકે

૬. ખેતરમાં ન બાંધવો પાળો
ને ઘરમાં ન ઘાલવો સાળો.

૭. ખેતર રાખે વાડને તો વાડય રાખે ખેતરને.

૮. આભ રાતો તો કણબી માતો
આભ ગુગળો તો કણબી દુબળો

૯. દી’વાળે દીકરા કાં ધોરિ કાં ધરા
કૈંક વ્રણ (કપાસ)ના જીંડવાં, નઈં તો ઝાકળિયાં (તલ) તો ખરા.

૧૦. ખેડ થાય ઘાસે જો ધણી ન હોય પાસે

૧૧. ખેતર વચ્ચે રાઇ ને વંઠે ઘેર આવ્યો જમાઈ

૧૨. ખેતર વચ્ચે ખાડી ને લાડ ચડાવ્યો હાળી

૧૩. ખેતર તેવાં વેતર

૧૪. ખેતર ખેડો કે ન ખેડો, ભોંયભાડું તો આપવું પડે.

૧૫. ખેતર વાળે તેવાં વેતર

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

કાઠિયાવાડના લોકોનાં હૈયે અને હોઠે રમતાં પાત્રો ખાપરો ને કોડિયો કોણ હતા?

ગુજરાતનાં હેરિટેઝ સ્મારકો અને વિખ્યાત પ્રવાસન સ્થળોને વિશ્વના નકશા ઉપર મૂકી આપવાની રાજ્ય સરકારની એક યોજના ‘ખૂશ્બુ ગુજરાતકી’ દ્વારા જૂનાગઢમાં આવેલ પુરાતત્ત્વીય સ્મારકો અશોકનો શિલાલેખ, ઉપરકોટની બૌદ્ધ ગુફાઓ, બાવા પ્યારાની ગુફાઓનું તાજેતરમાં અમિતાભ બચ્ચન દ્વારા શૂટિંગ કરવામાં આવ્યું. મારે અહીં બચ્ચન કે એમની પ્રવાસન માટેની એડ. ફિલ્મની વાત નથી કરવી. પણ વાત કરવી છે ફિલ્મના શૂટિંગમાં આવરી લેવાયેલ જૂનાગઢના ઉપરકોટની ઉત્તર તરફ સોનરખ નદીના કાંઠે આવેલ ખાપરા-કોડિયાની ગુફાઓની અને એની સાથે જોડાયેલા, સૌરાષ્ટ્રના લોકોનાં હૈયે ને હોઠે રમતા અને લોકમાનસમાં જીવતાં ભેદી પાત્રો ખાપરો અને કોડિયાની.

લોકબોલીમાં ‘ખાપરો’ શબ્દ ચતુર અને વિચક્ષણતાના પર્યાયરૂપ છે. ખાપરો-કોડિયો બે એકી સાથે બોલાતાં નામો છે. એકએકથી ગાંજ્યા ન જાય એવા એકબીજાથી ઠગાય નહીં એવા ઘૂર્ત- લુચ્ચા- ઠગ. તેઓ પરસ્પર દાવપેચ રમવામાં અને લોકોને ઘૂતી ખાવામાં બહુ નામાંકિત થયા હતા. તેના ઉપરથી લુચ્ચા માણસની જોડીને ગામડાના લોકો ‘ખાપરો-કોડિયો’ કહી બે જ શબ્દોમાં એમના નામાકામાની સઘળી નોંધ આપી દે છે, એમ ભગવદ્‌ગોમંડલ કહે છે.

દંતકથાઓમાં આવતાં બાબરો ભૂત, વીર વૈતાલ, બૈજુ બાવરો, અલ્લાદીન જાદૂઇ ચિરાગ જેવી કૂતુહલપ્રેરક વાતો લોકહૈયાંમાં આદર- માન મેળવે છે. આ પાત્રો વિશે, એમના શક્તિ અને સામર્થ્ય અંગે જે વાતો પ્રચલિત છે તેનાથી એ બધા દૈવી કે એવા વિશિષ્ટ શક્તિવાળા હોય એમ જ લાગે. પરિણામ સ્વરૂપ એમના વિશે તથ્યપૂર્ણ વિગત જાણી શકવી લગભગ અશક્ય લાગે એમ ડૉ. હસમુખ વ્યાસ નોંધે છે. શ્રી કેશવલાલ સાલાકર, ડૉ. મંજુલાલ મજમુદાર વગેરેએ ખાપરા-કોડિયા પર પ્રકાશ પાડ્યો છે તે અનુસાર એમના અંગેની પ્રચલિત વાતો આ મુજબ તારવી શકાય છે.

ખાપરાનું ગામ ખાલપરા. ખાલપરાનો ચોર એ ખાલપરો ને પછી ખાપરા તરીકે જાણીતો થયો. કોડીનાર વાળો એટલે- કોડવાલવાળો કોડિનારિયો એના ઉપરથી ‘કોડિયો’ કહેવાયો એમ મનાય છે. એ બંને જૂનાગઢના છેલ્લા રાજા રા’મંડલિક અને નરસિંહ મહેતાના સમકાલીન હતા. પાવાગઢના જયસિંહદેવ પેથાઇ (પતાઇ)ના પણ ભેરુબંધ હતા, એમ ચારણો કહે છે. અમદાવાદના ગુજરાતી સુલતાનનું આક્રમણ જૂનાગઢ ઉપર કરાવવામાં રા’મંડલિકની નીતિભ્રષ્ટતાએ ખાપરા-કોડિયાને પ્રેર્યા હતા એમ સાયલાકરે એમના પરાક્રમમાં નોંઘ્યું છે પણ ડૉ. મંજુલાલ મજમુદાર લખે છે કે આ ઐતિહાસિક તથ્યોને તપાસવાનું આપણી પાસે કોઇ સાધન નથી. તેઓ લખે છે કે ખાપરો-કોડિયો બંને બુદ્ધિશાળી હતા, સાહસિક હતા. પરોપકારની ભાવનાવાળા હતા. પરિણામે સૌરાષ્ટ્રના રત્નો ગણાય છે. તેમના સંબંધે મળતી અનેક દંતકથાઓને આધારે તેમને બહારવટિયા, અદ્‌ભૂત ઉઠાવગીર, ભેદ-ભરમ જાણનાર લૂંટારા અને ભક્તજન પણ લોકોને જણાયા છે. આ જોડી શ્રીમંતોને લૂંટીને ગરીબોને ધન આપી દેતી હતી. તેઓ ગમે તેવા હતા, છતાં એકંદરે સામાન્ય જનતાને તેમના હાથે નુકસાન કરતાં લાભ વધારે થયો છે. તેમની લૂંટ કે ચોરી પાછળ પરોપકારી હેતુ હતો. તેથી તેમનાં પરાક્રમો તિરસ્કારને પાત્ર નહીં પણ સન્માનપ્રેરક ગણાયાં છે.

બાબરો ભૂત એ કાળે દેવરૂપ મનાતો. તેના વરદાનથી આ બંને ચતુર ચોરોને વેશ બદલવાની અદ્‌ભુત કળા સિદ્ધ થઇ હતી. પરિણામે તેઓ કદી પકડાયા નહોતા. એવું મનાય છે કે- ‘તું ચીંતવીશ એવો તારો વેશ થશે, અને તને કોઇ નહીં ઓળખે ઃ પરંતુ એટલું ઘ્યાન રાખજે કે કોઇ બોન દીકરીઉં અને બામણ- સરવણને સતાવીશ મા. એના રખોપાં કરજે.’ એવું તેને બાબરા ભૂતનું વરદાન હતું. આમ ખાપરો- કોડિયો બંને ચોર- શિરોમણી હતા. તેઓ અઠંગ દ્યૂત રમનારા પણ હતા. તેમણે લૂંટેલા દ્રવ્ય ભંડારો સાચવવા ભોયરાં રાખ્યા હતાં. એવા બે ભોંયરા એક ઉપરકોટ (જૂનાગઢ)ની ઉત્તરે ગિરનારની તળેટીમાં ખાપરા- કોડિયાની ગુફાઓ તરીકે જાણીતું છે. બીજું, પાવાગઢ ઉપર પતાઇના મહેલની બાજુમાં ‘ખાપરા ઝવેરીનો મહેલ’ ખંડેરરૂપે આ જે બતાવાય છે. આજ રીતે કચ્છમાં લખપત તાલુકાના જૂના પાટગઢ પાસે ખાપરા-કોડિયાના નામ સાથે સંકળાયેલી બે ગુફાઓ છે એના તરફ શ્રી કે.કા. શાસ્ત્રીજીએ ઘ્યાન દોર્યું છે એમ શંભુપ્રસાદ દેસાઈ નોંધે છે.

ખાપરા-કોડિયાના મિલન અને મૈત્રી માટે એક આખ્યાયિકા જાણીતી છે. ચોમાસાની ૠતુ હતી. સાંજની વેળા હતી. ધરતી પર ગાઢ અંધકાર છવાયો હતો. મધરો મધરો મેહૂલો વરસતો હતો. કાળા ડિબાંગ અંધારામાં કંઇ સૂઝે એવું નહોતું. ખાપરો ધીમા ધીમા ડગ દેતો હાલ્યો જાતો હતો. ત્યાં સામેથી પડકારો સંભળાયો ઃ ‘અલ્યા, ઊભો રહેજે’ એમ કહીને એની સામે તલવાર ઉગામી. બીજાએ અંધારામાં ય જાણી લીઘું કે તેણે તલવાર ખેંચી છે, કારણ કે એક ક્ષણ માટે વરસાદ અટકી ગયો હતો. તે અણસારાથી બીજાએ કહ્યું ઃ ‘તલવાર મ્યાન કરી દે.’ પરસ્પરનું ચાતુર્ય બંને ઓળખી ગયા અને જીવનભરના જોડીદાર મિત્રો બની રહ્યા. આજની ઘડી ને કાલ્યનો દિ. બંને પાત્રો લોકજીવનમાં અમર બની ગયાં.

ખાપરો અને કોડિયો જોડીદાર હોવા છતાં જુદા જુદા પાત્રો હતા. ગુજરાતની કિંવદંતી બંનેની જોડી સૂચવે છે. રાજસ્થાનમાં પણ આ કથા જાણીતી હોવાનું ડૉ. હસમુખ વ્યાસ નોંધે છે. ‘મુંહતા- નૈણસીરી ખ્યાત ભાગ ૧’માં પાન ૨૭૨ થી ૨૭૮ ઉપર મળતી કથા અનુસાર ‘ખાપરો’ એ ઘૂર્તનું નામ છે જ્યારે ‘કોડિયો’ એના માનીતા ઘોડાનું નામ છે. આ કથા અનુસાર સિઘ્ધરાજ જયસિંહને એક રાત્રે આવેલા સ્વપ્નમાં પૃથ્વીદેવીએ સ્ત્રીરૂપે આવીને પોતાને એક સુંદર અલંકાર આપવા કહ્યું. સ્વપ્નમાંથી જાગેલા રાજવીએ પંડિતોને આનો અર્થ પૂછ્‌યો. ત્યારે ઉત્તર મળ્યો કે ‘પૃથ્વીનું ઘરેણું પ્રાસાદ ગણાય. એટલે રાજાએ અદ્‌ભૂત મંદિર બંધાવવાનો સંકલ્પ કર્યો અને શિલ્પીઓ પાસે એની રૂપરેખા તૈયાર કરાવી, પણ એને સંતોષ થયો નહીં.

એ સમયે ખાફરો અને કાબો નામના બે પ્રસિઘ્ધ ચોરો જુગાર રમવા બેઠા. ખાફરાએ પાટણના રાજા સિદ્ધરાજનો ‘કોડીધજ’ નામનો અશ્વ હોડમાં મૂક્યો. એમાં એ હારી ગયો એટલે આવતી દિવાળી સુધીમાં આ ઘોડો લાવી આપવાનું વચન આપી મજૂરવેશ ધારણ કરી પાટણમાં આવી રાજાની ઘોડારમાં એણે કામ મેળવ્યું. ખંત અને નિષ્ઠાભરી અશ્વોની ચાકરીથી સિઘ્ધરાજ ખુશ થયો. એને કોડીધજનો અશ્વપાલ નિમ્યો. એવામાં દિવાળી નજીક આવી. એક રાત્રે ખાફરો કોડીધજ અશ્વ લઇને ગઢ કૂદાવીને નાસી છૂટ્યો અને આબુ તરફ આવ્યો ત્યારે એક પ્રહર રાત બાકી હતી. એ થાક ખાવા થોભ્યો ત્યાં એક ઘટના બની. મોટો ધડાકો થયો. ધરતી ફાટી અને એમાંથી સોનાનો એક અદ્‌ભૂત પ્રાસાદ બહાર આવ્યો. તેમાં ઘણાં દેવદેવીઓ હતાં. ખાફરો ચૂપચાપ જઇને આ પ્રાસાદ-મંદિરના એક ગોંખમાં બેસી ગયો. મંગળ પ્રભાત થવા આવતાં દેવદેવીઓ વિદાય થવા માંડયા. ખાફરો ત્યાં બેસી રહ્યો. મંદિર ખસ્યું નહીં. એટલે શંકા પડવાથી તપાસ કરી. ખાપરા નામનો માનવ મહીંથી મળી આવ્યો. એ કોણ છે અને શા માટે બેઠો છે એમ પૂછતાં એણે માંડીને વાત કરી ને ‘પ્રાસાદ ફરી અહીં ક્યારે પ્રગટશે’ એમ પૂછતાં ‘દિવાળીએ અને બીજા દિવસે’ ઉત્તર મળતાં ખાફરો બહાર નીકળ્યો. મંદિર ધરતીમાં સમાઇ ગયું.

સિઘ્ધરાજ શિલ્પીઓ સાથે વારંવાર દિવ્ય મંદિરમાં વાત કરતો એની ખાફરાને ખબર હોવાથી એને મનમાં થયું કે મેં રાજાનું લૂણ ખાઘું છે. લાવ, સિઘ્ધરાજને જઇ દિવ્ય મંદિરની જાણ કરું. એમ વિચારીને એણે રાજા પાસે આવી સઘળી વાત કરી. રાજાને આશ્ચર્ય થયું. ખાફરાની વાતની ખાત્રી કરવા સૌ બનાવના સ્થળે આવ્યા. દિવાળીની વહેલી સવારે મંદિર ધરતીમાંથી બહાર આવ્યું. ખાફરો દેવદેવીઓની ભેળો જઇ ગોંખમાં બેસી ગયો. સમય પૂરો થતાં મંદિરની વિલીન થવાની પ્રક્રિયા આરંભાઇ. થોડીવારમાં એ અટકી જતાં ખુદ ઈન્દ્ર તપાસ કરવા માટે આવ્યા, ત્યારે રાજાએ જણાવ્યું કે ‘હું મંદિર બનાવવા ઈચ્છું છું. મને એનો બાંધનાર બતાવો. પછી જ અહીંથી ઊઠીશું.’ ત્યારે દેવ-દેવીઓએ રાજાને ૭ ગોળીઓ આપીને કહ્યું ઃ ‘જે કોઇ વ્યક્તિ આ ગોળીઓ ઉપરા-ઉપરી ચડાવી આપશે તે આના જેવું મંદિર બનાવી શકશે. એ પછી સૌ પાટણ આવ્યાં. રાજાએ ખુશ થઇને એનો માનીતો અશ્વ ‘કોડીધજ’ ખાફરાને ઈનામમાં આવ્યો. આ ખાપરા કોડિયાની કથા સિઘ્ધરાજ સાથે જોડી દેવામાં આવી હોય તો પણ ખાપરા નામની વ્યક્તિ પ્રાચીન હોવાનું જણાય છે.

જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લાની ઉત્તરે આવેલ, ખાપરા-કોડિયાના નામે લોકમાનસમાં જીવંત રહેલ ચોર બેલડીના નામે ઓળખાતાં ભોંયરાં ખરેખર તો બુઘ્ધગુફાઓ છે. ડૉ. પ્રદ્યુમ્ન ખાચરના જણાવ્યા અનુસાર બૌઘ્ધ સાઘુઓએ વિહાર દરમિયાન આશરે ૧લી- ૨જી સદીમાં આ ગુફાઓ બનાવી હોવાનું અનુમાન છે. ‘ખેંગાર મહેલ’ના નામથી આ ગુફાઓ ઓળખાતી હતી. ખાપરા અને કોડિયા નામના બે ચોર લૂંટારાઓએ અહીં આશ્રય મેળવ્યો ત્યારથી આ ગુફાનું નામ બંને પરથી પડી ગયું છે. ‘ટ્રાવેલ્સ ઈસ્ટર્ન ઈંડિયા’ ગ્રંથ અનુસાર સને ૧૮૨૨માં અહીં આવેલા કર્નલ રોડ આ ગુફાઓને સૌ પ્રથમવાર પ્રકાશમાં લાવ્યા. એનું વિગતવાર વર્ણન બર્જેસે કર્યું છે. એની મુલાકાત સમયે ભોંયરાની લંબાઇ આશરે ૨૦૦ ફૂટ અને પહોળાઇ ૮૦ ફૂટ જેટલી જણાવાઇ છે. ગુફાના પૂર્વ તરફના અને પશ્ચિમ બાજુના છેડે બે-બે એમ ચાર સીડીઓ જોવા મળે છે. આ ગુફા એક મજલાવાળી હોવાનું અનુમાન કરવામાં આવેલ છે.

જોકે આજે સીડીઓ સિવાય કંઇ જ અસ્તિત્વ ધરાવતું નથી. આ શૈલ ગુફાઓ તદ્દન સાદી છે એમ રસેશ જમીનદાર નોંધે છે. શ્રી વિજયલાલ ઘુ્રવ લખે છે કે ખાપરા- કોડિયાના નામે ઓળખાતી આ ગુફાઓ બૌઘ્ધ ગુફાઓ હોવાનું અનુમાન કરવામાં આવે છે તેમાં તથ્ય હોવાનું લાગે છે. ઈસુના પ્રારંભની ત્રણેક સદી દરમ્યાનની આ ગુફાઓ હોવી જોઇએ. પુરાતત્ત્વીય દ્રષ્ટિએ આ ગુફાઓ ઐતિહાસિક છે. એની વાતડિયું આવી છે ભાઇ.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

જૂના કાળે કન્યા વરત-ઉખાણાં પૂછીને વરના બુઘ્ધિચાતુર્યની પરીક્ષા કરતી

થોડાં વરસોપૂર્વેની આ વાત છે. એક ગોરો યુરોપિયન ભારતીય સંસ્કૃતિના અભ્યાસ અર્થે ગિરના ડુંગરાની ગાળિયું ને જંગલ-ઝાડિયુંમાં ભમતો હતો. મારગ માથે એક રબારી જુવાનડાના ગહેકતા ગળામાંથી નીકળતી સરજુની સરવાણી સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયો ને બોલી ઊઠ્યો ઃ ગિરના અભણ રબારીઓ સામવેદનું સંગીત ગાતાં હોય ઈ દેશના વિદ્વાનો કેટલા મહાન હશે!’ આ વાત મારા કાને આવી ત્યારે મને મારું વતન સાંભર્યું. સાઈઠ વર્ષ પૂર્વેના મારા યુવાનીકાળના સંશોધન-પ્રવાસોનું સોનેરી સ્મરણ સ્મૃતિપટ પર સળવળાટ કરતું બેઠું થયું.

ભાલપ્રદેશના ઉનાળાની એક ઢળતી સાંજ હતી. હું અમારા આકરુ ગામના ઠાકર-દુવારાના ચોકમાં લીલાછમ લીંમડા નીચે ઢાળેલી ઢોરણી ઉપર પાથરેલી ધડકી માથે બેઠોબેઠો રાત’દિ વગડામાં પડયાપાથર્યા રહેતા વારતાકથક ભરવાડ કુંવરાભૈ મેવાડાનો હૈયાકપાટ ઉઘડાવી લોકવાણીની મૂડી કાગળમાથે માંડતો હતો. ‘હે ઠાકર મા’રાજ’ બોલી ઢીલી યાદદાસ્તને ઢંઢોળતા કુંવરાભાઇએ એક વરત (ઉખાણું) નાખ્યું ઃ

દુઝણિયું તો સૌ કોઇ દોવે, પાંકડિયું દોવે નઈં કોઈ;
વાંઝણિયું વિંહાય ને, પાંકડિયું પાહરો મૂકે.

અર્થાત્‌ ઃ દુઝણિયું ભેંસુને તો દુનિયા આખી દોહવા બેસી જાય. પણ પાંકડિયું (વિંહાયા વિનાની)ને મલકમાં કોઇ દોહતું નથી ઃ ‘‘ભઇલા જોરુભૈ તારું ભણતરે ય નિયારું ને તારું કામે ય નિયારું. રજપૂતનો દીકરો શે’રમાં ભણગણીને ભરવાડોની વેણી ભેગી કરવા નીકળ્યો છું ત્યારે વાંઝણિયું વિંહાય ને પાંકડિયું પાહરો મૂકે એવો અમને પોરહ સડે છે. જો ભઇલા, તું કોલેજમાં ભણલો ને મારું બકરા-ગાડર (ઘેટાં)ની નિહાળનું ભણતર. હવે હું પૂછું ઈનો ઉત્તર આલ્ય’’ એમ કહેતા ઉખાણાનો ઘા કર્યો ઃ

હળ કરતાં જમીં પાતળી
ઈનો ખોડણહાર ચતુર શ્યામ
હાથે વાવે ને મોઢે લણે
ઈ શું?

હાર સ્વીકારી લેતાં મેં કહ્યું ઃ ‘કુંવારભૈ, તમારી વાતમાં મારો ગજ નંઈ વાગે. તમારે એનો ઉકેલ આપવો પડશે.’

‘બસ એટલું અમથું ય નો આવડ્યું? તમારા હાથમાં શું છે?’

‘ઈન્ડીપેન ને કાગળ.’

‘કાગળરૂપી જમીં (જમીન) ઈન્ડીપેન કરતાં પાતળી કે નઈં? તમારા જેવો ભણેલો ચતુર માણસ કલમથી ખેડ કરે છે, લખે છે. ને મોઢેથી બોલીને વાંચે (લણે) છે.’ મારા જેવો ઠોઠ નિશાળિયો કુંવારાભૈની હડફેટે આવી ગ્યો એટલે એમને તો ભાઇ મૉજના તુર્‌રા છૂટવા માંડ્યા ઃ ‘કાગળ માથે ઉતારવા માંડો. તમે લખતા થાકો છો કે હું બોલતા થાકું છું! સાંભળો ઃ

તૈણ તહુનું લાકડું, નાખ્યું સુતારીને હાટ
ત્રણહેં સાઈઠ કર્યા રેંટિયા ને બાર કરી લાઈટ
ઘડામણ લઈ લો ને લાકડું વધે ઈ પાછું દ્‌યો.
હવે વરતો મારી વાત ને….

‘કુંવરાભૈ, બાપા! તમારા શાસ્તરમાં અમારી ચાંચ નઈં ડૂબે ભઈલા.’

‘પણ ભણેલાને સાંસ હોય તો ડૂબે ને! સાંસ (ચાંચ) તો ભણતરવાળા પાંહે નઈં, ગણતર (કોઠાસૂઝ)વાળા પાંહે હોય. સાંભળો ઃ ત્રણ તહુ એટલે શિયાળો, ઉનાળો ને ચોમાહુ. ૩૬૦ રેંટિયા એટલા વરસના એટલા દિવસ. બાર લાઈટુ ઈ બાર મઈના. જે વધે ઈ વરહ. દર વરસે વરહ આવે જ.’ કુંવરાભૈની વાણી અસ્ખલિત વહેતી હતી ઃ

ધંઘુકા જેવું શહેર. ઈના પાદરમાં આવેલા ફટફટિયા જીનભણી ચાર સરખે સરખી ગોઠણ્યું (સાહેલીઓ) રમે. રમતાં રમતાં ચારે ય ભૂંખિયું થઈ, એટલે કંદોઈના હાટે આવીને ઊભી રઈ. ઈમાં તૈણ હેઠી ઊભીને એક ઓટલે જઇને બોલી ઃ ‘શેઠિયા, શેર પેંડા જોખી દે.’ કંદોઈએ પેંડા જોખી પડીકું એના હાથમાં દીઘું. પછી ઈ ફટ પાછી વળી. કંદોઈ કહે ઃ ‘બેન! પેંડાના પૈસા દીધા વિના કાં વઈ જા?’ ચતુર દિકરી બોલી ઃ ‘તું નથી જાણતો હું કોની દિકરી છું?’ ‘ના બોન!’ તો સાંભળ ઃ

શૂળી માથે વાળી ચડે, વાળી માથે વાવટા,
જન્મ્યા મોર્ય નામ પડે ઈની દિકરી હું પુનેતા.

ઈમ કહી પેંડા લઈ વહેતી થઈ. બીજીએ આવીને શેર પેંડા જોખાવ્યા. પૈસા આપવાના થયા એટલે કહે ઃ ‘તું મને નથી આળખતો? હું કોની દિકરી છું સાંભળ ઃ

રજમાથી ગજ કરે ગજ કરે મમતા
ઘૂણીધર બાવે ઘૂણી ધખાવી
ઈની દિકરી હું પુનેતા.

ત્રીજીએ આવીને પેંડાનું પડીકું વળાવ્યું ત્યારે કંદોઈ કહે ઃ ‘ચાર રૂપિયે શેરના પેંડા છે. તું પૈસા દીધા વિના કાં જાય છે?’ ત્યારે ઈ બોલી ઃ ‘તું મને નથી ઓળખતો? સાંભળ ઃ

સાહ તાંણે ફૂંક તાણે, તૈણ તાંણે તરપેટા
જેને ઘેર હંમેશ કજિયો
ઈની દિકરી હું પુનેતા.’

હવે આવ્યો છેલ્લીનો વારો. એણે શેર પેંડા જોખાવીને પડીકું બંધાવ્યું ત્યારે કંદોઈ માથું કૂટતો કહેવા લાગ્યો ઃ ‘બોન દિકરી, તારા બાપુનું નામ કહે તો હું પૈસા લેવા આવું. તું કોની દિકરી છું? ત્યારે એ બોલી ઃ

આઠ હાથમાંથી હાથ કાઢે,
હાથ કરે મમતા
કાળિયા વાંહે ધોળિયો ધોડ્યો જાય ઈની દિકરી હું પુનેતા.

આ ચારેય દિકરીયુંએ તો પેંડાના પડિકાં લઇને ખેંતાળી મૂક્યા. હવે આ કંદોઈને કોની પાંહેથી પૈસા લેવા? ચારે દિકરીયું કોની હતી?’
ચીંથરેવીંટ્યા કુંવરાભૈનું ચતુરાઇભર્યું ઉખાણું સાંભળીને હું માથું ખંજવાળવા મંડાણો. ત્યારે એમણે મરકીને વેણ કાઢ્‌યું ઃ પહેલી દીકરી કુંભારની, બીજી દિકરી સોનીની, ત્રીજી લુહારની અને ચોથી સઈ (દરજી)ની હતી.’ કુંવરાભૈએ પોતાનો હૈયાકપાટ આજ ઉઘાડો મૂકી દીધો ઃ

ખટકે ખાટ ભરકડાં
બે જણ ચાવે પાન
બેનાં બાવીસ કાન.

‘કુવરાભૈ, વ્યવહારિક વાતુંવાળું ઉખાણું કહો તો કંઇક સમજાય. બે જણને ૨૨ કાન હોતા હશે!’

‘અમારી વાતુંમાં ગપ ન હોય. રાવણ અને રાણી મંદોદરી ખાટે હીંચકતા બેઠાં છે. ગણો દહ માથાં રાવણના. ઈના વીહ કાન. ૨ કાન મંદોદરીના. બાવી થ્યા કે નૈ?’ આ તો કાનની વાત થઈ. હવે દાંતની વાત રઈ ઃ

નઈં પાતાળમાં નઈં સરગાપુરીમાં
મરતલોકની માંય વહે
કહે કવિ કરિતાર કો
સોળ વિહુ દાંત કોને હતા?

મેં કહ્યું ઃ ‘ત્રણહે ને વીહ દાંત તો દસ માથાળા રાવણને જ હોય ને. બીજા કોને હોય!’

‘હવે આ વરત ઉકેલો તો ખરા કઉં’ ઃ

માનસરોવર બાંધી પાળ
એને છે આરા ચાર; ચારે આરે ચોકીદાર
સોળ સોળ સુંદરી પાણી ભરે
નર ઝુઝે ને નારી મરે.

તૈણ જ અક્ષરનું ટુંકું નામ છે. બોલો, ઈનું નામ ચોપાટ. ચોપાટરૂપી સરોવર. ચાર પાંદડારૂપી આરા છે. ચાર રમનારા ચોકીદાર છે. સુંદરી કહેતા ૧૬ સોગઠાં છે. નર રમે છે ને નારી રમતમાં મરે છે.

ઉખાણાંનો અભ્યાસ કરતાં કરતાં મને સમજાયું કે ઉખાણાં એ લોકસાહિત્યનું મહત્ત્વનું અંગ છે. અંગ્રેજીમાં એને રિડલ, કાઠિયાવાડમાં વરત, કચ્છમાં પિરોલી અને રાજસ્થાનમાં પ્રહેલીના નામે ઓળખાય છે. આચાર્ય દંડી પ્રહેલિકા – (ઉખાણા)ના ૧૬ પ્રભેદો ગણાવે છે. ક્રિડા ગોષ્ઠિઓમાં પ્રહેલિકા જાણનારાઓની ભરી સભામાં પણ ગુપ્ત સંભાષણ કરવામાં અને એવી રીતે બીજાઓને મોહિત કરવામાં પ્રહેલિકાનો ઉપયોગ થાય છે, જેમાં સામેના માણસની ચાતુર્યની પરીક્ષા કરવામાં આવતી. તેનો ઉકેલ આપવો એ બુઘ્ધિમત્તાનું લક્ષણ ગણાતું.

ડૉ. વિનોદ જે. શ્રીમાળી નોંધે છે કે સમસ્યા-ઉખાણાનું મૂળ સ્વરૂપ પાદપૂર્તિ જેવું છે. જે સમાસાર્થા, એટલે જેનો અર્થ પૂર્ણ કરવાનો હોય તે. કવિશક્તિની પરીક્ષા કરવા માટે તેને અપૂર્ણ અર્થનું વાક્ય આપવામાં આવે છે, તેને સમસ્યા કહે છે. આમ વ્યક્તિ કવિ થવાને કેટલો લાયક છે તેની ખાત્રી કરવા માટે સમસ્યાનો ઉપયોગ થતો. સમસ્યાનો ઉપયોગ કવિઓએ વિવિધ રીતે કર્યો છે. કન્યા પતિની કસોટી કરવા અથવા શંકા પડે ત્યારે, પોતે જેને પસંદ કરેલો તે જ પુરુષ છે કે કેમ તેની ખાત્રી કરવા સમસ્યા પૂછે છે. તે રીતનો ઉપયોગ મઘુસૂદન વ્યાસકૃત ‘હંસાવલિ’માં, કુશળ લાભકૃત ‘માધવાનંદ કામકુંદલા’માં, નયનસુંદરકૃત ‘રૂપચંદરાસ કુંવર’માં, શામળની અનેક પદ્યવાર્તાઓમાં અને સોરઠી ગીતકથા ‘સોન હલામણ’ જેવી દુહાબઘ્ધ લોકકથાઓમાં થયેલો જોઇ શકાય છે.

ઉખાણાં-સમસ્યાઓની શબ્દરચના અને એના બંધારણ માટે ખાસ કોઇ નિયમ નથી, પરંતુ તેના શબ્દો કાવ્યમય જોડકણમાં જેવાં કર્ણપ્રિય હોવા જોઇએ અને તેમાં ચમત્કૃતિ પણ હોવી જોઇએ. તે દૂહા-દોહરા અને સોરઠા સ્વરૂપે પણ હોય છે. તેની રચના ચાર-છ, કે આઠ દસ લીટીમાં હોય છે, ક્યારેક એક બે પંક્તિમાં પણ હોય છે. કોઇ જોડકણામાં હોય તો કોઇ સવાલ-જવાબમાં પણ પૂરાં થાય છે. કેટલાક ઉખાણાંમાં સાદાઈ તો કેટલાંક છંદમાં, કાવ્યાત્મક લય, પ્રતીક, કલ્પન, અલંકારો, શબ્દ સંયોજન અને સમાન્તરતાવાળા હોય છે.

ઉખાણાં એ કંઠસ્થ ફરતું તરતું લોકસાહિત્ય છે. આજના જેવી શાળા-કોલેજો જુના કાળે નહોતી ત્યારે કંઠસ્થ ઉખાણા-સમસ્યાઓ દ્વારા અભણ પ્રજાને શિક્ષણ મળતું. આજે આપણે ભણેલાઓ ઉખાણાં ભૂલી ગયા છીએ પણ ગ્રામપ્રજાના હૈયેહોઠે ઉખાણાં રમતાં જોવા મળે છે. કુંવરાભાઈ મેવાડા જેવા કોઠાસૂઝવાળા અનેક બૂઝૂર્ગો હૈયાંપટારીમાં ઉખાણાંની ગઠરી સંઘરીને બેઠા છે.

કવિ દલપતરામના સમયમાં હોપની વાંચનમાળા ચાલતી. તેમાં પાંચમી ચોપડીમાં શામળ ભટ્ટની એક જ્ઞાનવર્ધક કવિતા ભણવામાં આવતી. એક ભાઇની સાથે કીકો ને કીકી હતા. અર્થાત્‌ બાબો ને બેબી હતાં. બંને ચહેરેમોરે સરખા હતા. બંનેએ એકસરખાં કપડાં પહેર્યાં હતા. હવે આમાં કીકો કયો ને કીકી કઈ? નર નારીને કેમ ઓળખવા એ મોટી સમસ્યા છે. શામળ ભટ્ટની કવિતામાં એનો ખુલાસો મળે છે ઃ

ઉંબર ઓળંગી ઘરમાં આવ
એ બે જણાને ઘરમાં લાવ.
ડાબો પગ ઉપાડે જેહ
જાતે જુવતી જાણો તેહ;
જમણો પગ ઉપાડે જેહ
જાણ પુરુષ પારખું એજ પ્રમાણ.

આજે તો થોડુંક ભણતર વઘ્યું, પણ જૂના કાળે ભરવાડોમાં ભણતર નહોતું. ભરવાડ ગાયો ભેંસો ને ઘેટાં ચરાવવા વગડામાં પડી રહેતા. ઘરનો, દૂધ-ઘીનો વહીવટ અભણ ભરવાડણો કરતી. એકવાર ભરવાડણ અમારે ત્યાં દૂધ દેવા આવી. રોજ એકલી આવતી. આજે એની સાથે એક છોકરો હતો. કોઇએ પૂછ્‌યું ઃ ‘આ છોકરો તારે શું થાય?’ ચતુર ગોવાલણીએ જવાબમાં સમસ્યા નાખી ઃ

નહીં સગો નહીં સાગવો,
રૂપાળો લાવી જોઈ;
એના બાપનો બનેવી
મારો સગો નણદોઈ.

એ તો જવાબ દઇને વહેતી થઈ. ત્યારે ૯૦ દિવાળીઓ જોયેલાં મારાં ઘરડાં દાદીમા બોલ્યાં ઃ ‘છોકરાના બાપનો બનેવી ભરવાડણનો સગો નણદોઈ થાય છે. નણદોઈ એટલે નણંદ, વરની બહેનનો વર, એના વરનો બનેવી. છોકરાના બાપનો બનેવી એ જ જો દૂધવાળીના વરનો બનેવી હોય તો છોકરાનો બાપ દૂધવાળીનો વર થયો. તો આ દૂધવાળી છોકરાની મા થઈ.’ પછી દાદીમાએ બીજાં ઉખાણાં અમને સંભળાવ્યાં ઃ

પાંચ વેંતની પૂતળી, મુખ લોઢાના દાંત;
નારી સંગ નીત રમે, ચતુર કરો વિચાર

જવાબ ઃ છાશનો રવૈયો
* *
તેર પગારો તેતરો, શેરીએ નાઠો જાય,
રાજા પૂછે રાણીને આ કયું જનાવર જાય?

અર્થાત્‌ ઃ ગાડું. બળદના આઠ પગ, ગાડના ૨ પૈડાં ને ઊંટડો તથા હાંકનારના ૨ મળીને તેર પગ થયા. તેર પગવાળું જાનવર બજારમાં ચાલ્યું જાય છે. રાણી રાજાને પૂછે છે આ કયું જનાવર જાય છે? આવી છે ભાઇ, અમારી લોકવિદ્યાની વાતડિયું. (તસવીર ઃ અશોક ખાંટ)

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

મલુવા - સૌરાષ્ટ્રની રસધાર


[કલકત્તા યુનિવર્સિટીના બંગ સાહિત્યના અધ્યાપક શ્રી દિનેશચંદ્ર સેને, ચંદ્રકુમાર દે નામના એક સંગ્રાહકની સહાયથી પૂર્વ બંગાળની પ્રાચીન લોકકથાઓ એકઠી કરાવી, એનાં ઘટના-સ્થળો, ઘટના બન્યાનો સમય, ઇત્યાદિ સામગ્રીઓ નક્કી કરી, ઉક્ત યુનિવર્સિટી તરફથી એ તમામ પ્રેમકથાઓ ‘મૈમનસિંગ-ગીતિકા’ નામક મોટા ગ્રંથમાં પ્રગટ કરી છે. એમાંની એક અત્રે સંક્ષેપમાં ઉતારી છે. એ કથા તો લંબાણથી સાંગોપાંગ પદ્યમાં જ ચાલે છે, અત્રે એમાંથી ફક્ત જરૂરી લાગતી પંક્તિઓ જ મૂકી છે. આ ગીતકથાઓ શુદ્ધ લોકવાણીમાં લોકકવિઓએ જ રચેલી છે. ભાષા જૂની ને ગ્રામ્ય છે. રચનારાઓનાં નામ માત્ર કોઈ કોઈ કથામાં જ મળે છે.]
સૂત્યા નદીને કાંઠે એક ગામડામાં ખેડૂતની એક વિધવા ડોસી રહે છે, ને ડોસીને ચાંદવિનોદ નામે એકનો એક દીકરો છે. જમીનનો કટકો ખેડીને મા-દીકરો ગુજારો કરે છે.
આસો મહિનો ચાલ્યો જાય છે. ખેતરમાં પાણી ભરાઈ ગયાં છે. વાવણી કરવાની વેળા થઈ ગઈ છે. પરોડિયાને અંધારે મા ચાંદવિનોદને જગાડે છે:
ઉઠ ઉઠ બિનોદ, આરે ડાકે તોમાર માઓ,

ચાંદ મુખ પાખલિયા, માઠેર પાને જાઓ.
[ઊઠ રે ઊઠ, મારા બેટા ચાંદવિનોદ! તારી માતા તને સાદ કરે છે. ઓ ચાંદ! મોં પખાળીને ખેતરે જા!]
મેઘ ડાકે ગુરુ ગુરુ, ડાક્યા તુલે પાનિ,

સકાલ કઈરા ખેતે, જાઓ આમાર જાદુમનિ.
[મેહુલો ધીરું ધીરું ગરજીને નદીનાં નીરને જગાડે છે, માટે હે મારા પારસમણિ, તું ઉતાવળ કરીને ખેતરે જા!]
આસમાન છાઈલો કાલા મેઘે, દેવાય ડાકે રઈયા,

આરો કોતો કાલ થાકબે જાદુ ઘરેર માઝે શૂઈયા.
[આકાશ કાળાં વાદળાં વડે છવાઈ રહ્યું છે. મેહુલો વારંવાર સાદ કરે છે. હે મારા બેટા, હવે ક્યાં સુધી ઘરમાં સૂઈ રહીશ?]
ચાંદવિનોદ દાણા વાવવા ચાલ્યો. પણ ભારી વરસાદ પડવાથી ખેતરો ડૂબી ગયાં, અને સરસવનું વાવેતર એળે ગયું. ચાંદ માંદો પડ્યો, માએ બેઉ બળદ વેચીને એની દવા કરી. દેવોની દુઆથી દીકરો ઊગરી ગયો.
પણ ઘરમાં તો લક્ષ્મીની પૂજા કરવા જેટલાયે દાણા નથી રહ્યા. મા કહે, બેટા! ખેતરમાં ધાન લણવા જા.
પાંચ ગાછિ બાતાર, ડુગલ હાતે તે લઈયા,

માઠેર માઝે જાઈ બિનોદ., બારોમાસી ગાઈયા.
[‘વાત’ નામના છોડવાની પાંચ ડાળખી હાથમાં લઈને ‘બાર-માસા’નાં ગીતો ગાતો ચાંદવિનોદ ખેતરે જાય છે.]
જઈને જુએ છે તો ધાન ન મળે! આસો મહિનાની અતિવૃષ્ટિએ મોલને બગાડી નાખેલ.
જમીનનો કટકો વાણિયાને વેચી દઈ ચાંદવિનોદે જેઠ મહિને એક બાજ પંખીનું પીંજરું લીધું, અને બાજ પંખીને લઈને શિકારે નીકળ્યો. આઘે આઘે ચાલ્યો જ ગયો.
કુડાય ડાકે ઘન ઘન, આષાઢ માસ આશે,

જમીને પડિલો છાયા મેઘ આસમાને ભાશે.
[બાજ પંખી ઘેરા નાદ કરીને બોલવા લાગ્યું: અષાઢ મહિનો આવી પહોંચ્યો. ધરતી પર છાંયડા ઢળ્યા. આભમાં વાદળાં તરવા લાગ્યાં. પણ શિકાર મળતો નથી.]
ચાલતાં ચાલતાં વિનોદ અરાલિયા ગામને પાદર પહોંચ્યો.
પાદરમાં ઝાડની ઘટામાં વચ્ચે એક અંધારી તળાવડી છે અને તળાવડીમાં પાણી ભરવા જવાની એક જ નાની કેડી છે. તળાવડીના પાણીની શોભા અને કાંઠે ઊભેલાં કદંબ ઝાડનાં ફૂલની સુંદરતા નીરખીને ચાંદવિનોદ બાજનું પીંજરું નીચે મૂકી છાંયડે વિસામો લેવા બેઠો. નીંદરમાં ઢળી પડ્યો.
ઘુમાઈતે ઘુમાઈતે બિનોદ, અઈલો સંધ્યાબેલા,

ઘાટેર પારે નિદ્રા જાઓ કે તુમિ એકેલા,
સાત ભાઈયેર બઇન મલુવા જલ ભરિતે આશે,

સંધ્યાબેલા નાગર સૂઈયા, એકલા જલેર ઘાટે.
[નીંદરમાં ને નીંદરમાં તો સાંજ નમી ગઈ. સાંજ ટાણે સાત ભાઈની બહેન મલુવા પાણી ભરવા આવી. પાણીના ઘાટ ઉપર સાંજરે એણે કોઈ માનવીને સૂતેલો દીઠો. કાંઠા ઉપર પોઢેલા ઓ એકલ પુરુષ! તું કોણ છે?]
કાંદેર કલસી ભૂમિત થઈયા મલુવા સુંદરી,

લામિલો જલેર ઘાટે અતિ તરાતરિ.
[કાખમાં ઉપાડેલ ગાગરને ભોંય પર મૂકીને મલુવા સુંદરી ઘાટનાં પગથિયાં તાબડતોબ ઊતરતી જાય છે.]
એક બાર લામે કન્યા, આરો બાર ચાય;

સુંદર પુરુષ એક, અધુરે ઘુમાય.
[ઘડીક ઊતરે છે, ને ઘડીક પાછી નજર કરે છે: અરે, આ કેવો રૂપાળો પુરુષ આંહીં ઘસઘસાટ ઊંઘે છે! ]
સંધ્યા મિલાઇયા જાય રવિ પશ્ચિમ પાટે,

તબૂ ના ભાંગિલો નિદ્રા, એકલા જલેર ઘાટે.
[સૂરજ આથમણી દિશાને આસને બેસી ગયો, સાંજ અંધારામાં મળી ગઈ, તોપણ તળાવડીને કાંઠે એકલ સૂતેલા પુરુષની ઊંધ નથી ઊડતી.]
અરેરે! રાત પડ્યા પછી એની ઊંઘ ઊડશે તો? એ પરદેશી પુરુષ ક્યાં જશે? શું એને ઘરબાર નથી? શું મા-બાપ નહિ હોય? રાત રહેવા એને કોણ દેશે? હું સારા કુળની કુમારિકા એને કેમ કરીને પૂછું?
ઉઠો ઉઠો નાગર! કન્યા ડાકે મોને મોને,

કિ જાનિ મનેર, ડાક શેઓ નાગર સોને.
[મનમાં ને મનમાં એ કન્યા સાદ પાડે છે કે ‘ઊઠો! ઓ પરદેશી પુરુષ, ઊઠો!’ શી ખબર, કદાચ મારા મનનો સાદ એ માનવી સાંભળતો હોય! ]
મનમાં થાય છે કે એને જગાડીને મારા બાપના ઘરનો મારગ બતાવું, નહિ તો રાતે એને રસ્તો ક્યાંથી સૂઝવાનો?
ઉઠો ઉઠો ભિન્ન પુરુષ, કોતો નિદ્રા જાઓ,

જાર વક્ષેર ધન તુમિ, તાર કાછે જાઓ.
[જાગ રે જાગ, ઓ પરદેશી! કેટલીક નીંદ હજુ કરવી છે? જેના હૈયાનો તું હાર હોય તેની પાસે ચાલ્યો જા!]
અરેરે! અંતરનો સાદ એ શી રીતે સાંભળી શકે? મારી સાથે ભોજાઈ હોય તોય હું એને જગાડવાનું કહેત. પણ હું કોને કહું?
હાં! હાં! એને યાદ આવ્યું. એ સૂતેલા પરદેશીને જગાડે તેવી એક બહેનપણી પોતાની પાસે હતી તે તેને સાંભર્યું.
શુનો રે પિતલેર કલસી કઈયા બુઝાઈ તોરે,

ડાક દિયા જાગાઓ તુમિ, ભિન્ન પુરુષેરે.
[સાંભળ રે, ઓ પિત્તળની ગાગર! તને સમજાવીને કહું છું કે તું સાદ દઈને આ પરદેશીને જગાડ!]
એટલું કહીને એણે ગાગર પાણીમાં ઝબોળી.
જલ ભરનેર શબ્દે કુડા ઘન ડાક છાડે,

જાગિયા ના ચાંદબિનોદ, કોન કામ કોરે.
[પાણી ભરાવાનો ઢબ ઢબ અવાજ થયો. એટલે પીંજરાનું બાજ પંખી ઘાટી ચીસો પાડવા લાગ્યું, એ સાંભળીને ચાંદવિનોદ જાગી ઊઠ્યો. જાગીને એણે શું કર્યું?]
દેખિલો સુંદર કન્યા, જલ લઇયા જાય,

મેઘેર બરણ કન્યાર, ગાયેતે લૂટાય.
[જોયું તો રૂપાળી કુમારિકા પાણી ભરીને ચાલી જાય છે, અને વાદળાંની છાયા એ કન્યાના દેહ પર લેટી રહી છે.]
એક બાર ચાઉ લો કન્યા મુખ ફિરાઈયા,

આરો એક બાર દેખિ આમિ આપના ભૂલિયા.
[ઓ કન્યા! એક વાર મોં ફિરાવીને આ તરફ નજર કર. એક વાર હું ભાન ભૂલીને તને નીરખી લઉં.]
ઉર રે જાઓ રે બનેર કુડા, કઈયો માયેર આગે,

તોમાર ના ચાંદબિનોદ, ખાઈ છે જંગલધાર બાઘે.
[ઓ વનના બાજ પંખી! ઊડીને મારી મા આગળ જાજે! કહેજે કે તમારા ચાંદવિનોદને જંગલના વાઘે ફાડી ખાધો.]
ગાગર લઇને કન્યા ઘેર આવી. લાલ લાલ લોહી એના મોં ઉપર ચડી આવ્યું છે. પાંચ ભાઈઓની પાંચ વહુવારુઓ એને પૂછે છે કે “હે નણદીબા! તળાવડીને આરે તમે સાંજ સુધી એકલાં કેમ રોકાયાં? અંગનાં વસ્ત્રોનું કાં ઠેકાણું નથી? અંબોડો કાં વીખરાઈ ગયો છે?”
આધા કલસી ભરા દેખિ, આધા કલસી ખાલિ,

આઇજ જે દેખિ ફોટા ફૂલ, કાઈલ દેખ્યાછિ કલી.
[“રે નણદી! આ ગાગર અરધી ભરેલી ને અરધી ઠાલી કાં? કાલ (તારી કાયા) જે કળી હતી: તે આજ ખીલેલું ફૂલ કેમ કરીને બની ગઈ?]
“તળાવડીને આરે શું બન્યું તે બોલો! સવારે અમારી સાથે પાણી ભરવા ચાલો. ત્યાં જઈ એકાંતે વાત કરજો.”
“ના, ભાભી! તમે સહુ જજો, હું નહિ આવું. મને રાતે આકરો તાવ આવેલો. મારા પેટમાં ને કમરમાં વેદના થાય છે.”
પાંચેય ભોજાઈઓ ઝીણી ઝીણી વાતો કરતી કરતી પાણી ભરવા ચાલી ને મલુવા પોતાના શયનમંદિરમાં ગઈ.
આ મલુવા કોણ છે? ગામના ખારવાની દીકરી છે. બાપનું નામ હીરાધર છે. ઘરમાં ધાનની કોઠીઓ ભરી છે. આંગણે દસ દૂઝણી ગાયો છે. સાંતીડે ચાર બળદ છે. પાંચ દીકરા ને છઠ્ઠી દીકરી છે. દુ:ખમાં દુ:ખ એટલું જ કે લાડકી દીકરીને લાયક કોઈ વર નથી મળતો.
સૂતી સૂતી મલુવા વિચારે ચડી છે:

ક્યાંથી આવ્યો એ પુરુષ? રાતે ક્યાં જઈને રહ્યો હશે? પોતાના બાજ પંખીને એણે ક્યાં રાખ્યું હશે?

આમિ જદિ હોઈતામ કુડા, થાકતામ તાર સને;

તાર સંગે થાકિયા આમિ, ઘુરતામ બને બને.
[હાય રે! હું જો બાજપંખી સરજી હોત, તો હું તેની સાથે જ રહી શકત. એની સાથે જ વનેવન હું ફરી શકત.]
આસમાને થાકિયા દેઉવા, ડાકછો તુમિ કારે,

ઐના આષાઢેર પાનિ, બઈ છે શત ધારે.
[આકાશમાં ઊભીને હે મેહુલા! તું કોને બોલાવે છે? આષાઢીલા મેઘ શતધારે વરસી રહ્યા છે.]
ગાઁ ભાસે નદી ભાસે, શુકનાય ના ધરે પાનિ,

એમુન રાતે કોથાય ગેલો, કિછુઈ નાઇ જાનિ.
[ગામ અને નદી જળબંબોળ છે. પાણી ક્યાંય સમાતાં નથી. આવી રાતે પરદેશી ક્યાં ગયો હશે?]
સવાર પડી ગયું, બપોર ગયા ને સાંજ પડી. ગાગર લઈને કન્યાએ તળાવનો માર્ગ લીધો.
કિનારે ચાંદ સૂતો છે. ઓશીકે પાંજરું પડ્યું છે. ગઈ કાલની પનિયારીને દેખતાં જ પીંજરામાંથી બાજ પંખી પુકારવા લાગ્યું. ચાંદે જાગીને આંખો ઉઘાડી.

તે દિવસ બેઉ જણાંએ સામસામી ઓળખાણ દીધી. મલુવા બોલી:
આઁધુયા પુષ્કનિર પાડે, કાલો નાગેર બાશા;

એક બાર ડંશિલે જાઈ બે, પરાણેર આશા.
[હે પરદેશી! આ અંધારી તળાવડીને પડખે કાળા નાગના વસવાટ છે. એક વાર ડંખ થતાં જ જીવ નીકળી જાય છે.]
માટે મારે ઘેર ચાલ. જો, આ સામે જ માર્ગ ચાલ્યો જાય છે. ઉગમણી બાજુ રૂડા અરીસા સરખું ચળકતું મારું ઘર આવશે.
**********
હીરાધરને ઘેર ચાંદ આવતો-જતો થયો. ઓળખાણ વધી. એક દિવસ ચાંદે વેવિશાળનું માગું મોકલ્યું. કન્યાનો બાપ બોલ્યો કે બધી વાતે તો ઠીક ઠેકાણું, પણ જેના ઘરમાં એક ટંકનું ખાવાનું ન મળે તેને મારી દીકરી શી રીતે દઉં?
માને રોતી મૂકીને ચાંદવિનોદ પરદેશ ગયો. એક વરસ સુધી શિકાર કરી કરીને ધન કમાયો. ઘેર જઈને ખેતીવાડી લીધાં, બળદ લીધાં, તળાવડીવાળું ઘર ચણાવ્યું.
હીરાધરે હવે પોતાની દીકરીને ચાંદ સાથે પરણાવી. દાયજો લઈને મલુવા સાસરે ગઈ. ઘરની લક્ષ્મીને સાસુએ ઘરમાં લીધી. ગંગાજળનો ઘડો ભરીને પાડોશની બાઈઓએ આશિષો દીધી. સોનુંરૂપું ભેટ કરીને સહુએ સારાં શુકન કરાવ્યાં. ચાંદનો ઘરસંસાર સુખે ચાલવા લાગ્યો.
**********
ગામમાં એક કાજી રહે છે; બડો બદમાશ કાજી!
બોડોઈ દુરંત કાજી, ક્ષેમતા અપાર,

ચોરે આસરા દિયા દિયા, સાઉદેરે દેય કાર.
[બડો દુષ્ટ કાજી: અપાર સત્તાવાળો: ચોરોને આશરો આપે ને શાહુકારોને કેદખાનું આપે: પરનારીનાં શિયળ હરે.]
એક વાર તળાવડીને આરે કાજી ઘોડે ચડીને નીકળ્યો છે. ચાંદની બાયડીને એણે પાણી ભરતી દીઠી છે. દેખીને એ દીવાનો બન્યો.
ભૂઁયેતે બાઈયા તાર પરે લંબા ચૂલ,

સુંદર બદન જેમુન મહુઆર ફૂલ.
[ધરતી ઉપર જેના લાંબા કેશ ઢળી પડે છે, જેનું મોં જાણે મહુઆનું ફૂલ જોઈ લ્યો, એવી મલુવાને દીઠી.]
આનાગુના કઇરા કાજી, હોઈલો બાઉરાં;

રાખિતે ના પારે મન કોરે પંખી ઉડા.
[બાવરો બનેલો કાજી રોજ આવ-જા કરે છે. પોતાના મન-પંખીને એ ઊડતું રોકી શકતો નથી. એના દિલમાં થયું કે અહાહાહા!]
દેશેતે ભમરા નાઇ કિ કોરિ ઉપાય,

ગોલાપેર મધુ તાઇ ગોબરિયા ખાય.
[દેશમાં ભમરા નથી એટલે જ ગુલાબનું મધુપાન કીડા કરી રહ્યા છે ને!]
ખલાસીની ઓરતને ભોળવવી એમાં શી મોટી વાત છે એમ સમજીને કાજીએ ગામની કૂટણીને બોલાવી. ધનદોલતની લાલચ દેવા એને મલુવા પાસે મોકલી:
તારાય ગાંથિયા તાર, દિયામ ગલાર માલા,

દેખિયા તાહાર રૂપ, હોઈયાછિ પાગલા.
[હે કૂટણી! જઈને કહેજે કે આકાશના તારા પરોવીને હું તારા ગળામાં માળા પહેરાવીશ. તારું રૂપ નીરખીને હું એવો પાગલ બન્યો છું.]
તળાવડીના ઘાટ ઉપર મલુવાને એકલી દેખીને કૂટણીએ કાજીની લાલચો ઠલવી. પહેલી વાર તો ડરીને મલુવા નાસી છૂટી, પણ બીજી વાર જ્યારે કૂટણી એને ફોસલાવવા આવી ત્યારે રોષ કરીને મલુવા બોલી:
સ્વામી મોર ઘરે નાઇ, કિ બોલિબામ તોરે;

થાકિલે મારિતામ ઝાંટા, તોર પાક્ના શિરે.
[આજ મારો સ્વામી નથી, એટલે તને શું કહું? નહિ તો હું તારા ધોળા માથા ઉપર સાવરણીના માર મારત.]
કાજીરે કહિઓ કથા, નાહિ ચાઇ આમિ,

રાજાર દોસર સેઇ, આમાર સોવામી.
[કહેજે તારા કાજીને કે એની માગણી મારે નથી ખપતી. મારે તો મારો સ્વામી પોતે જ રાજા બરોબર છે.]
આમાર સોવામી શે જે પર્વતેર ચૂડા;

આમાર સોવામી જેમુન; રણ દૌડેર ઘોડા.
[મારો સ્વામી તો મારે મન પહાડના શિખર સમો છે. રણસંગ્રામમાં ઘૂમતા ઘોડા સમાન છે.]
આમાર સોવામી જેમુન, આસમાનેર ચાન;

ના હોય દુશ્મન કાજી નઉખેર સમાન.
[મારો સ્વામી તો આકાશના ચાંદ સરીખો છે. પીટ્યો કાજી તો એના નખ બરોબર પણ નથી.]
કૂટણીએ જઈને મલુવાનાં વેણ કાજીને કહી સંભળાવ્યાં. કાજીનો કોપ ભભૂકી ઊઠ્યો. એણે વેર લેવા માટે ચાંદવિનોદ ઉપર હુકમ લખ્યો કે તું પરણવાનો વેરો નથી આપી ગયો. જો આઠ દિવસમાં વેરો નહિ ભરી જા, તો તારાં ઘરબાર જપ્ત થશે.
ઓચિંતાનો હુકમ આવતાં ચાંદ પાંચસો રૂપિયા ભેળા ન કરી શક્યો. મુદત વીતી ગઈ. એના વાડીવજીફા જપ્ત થયા. ચાંદે વિચાર કર્યો:
આમિ રહિલામ ગાછેર તલાય તાતે ક્ષતિ નાઇ;

પ્રાણેર દોસર મલુવારે, રાખિ કોનો ઠાંઈ.
[હું તો ઝાડની છાંયે રહીશ, તેમાં કાંઈ વાંધો નથી. પણ મારી પ્રાણતુલ્ય મલુવાને કયે ઠેકાણે રાખીશ?]
“મલુવા વહાલી! તું તારે પિયર જા. તું આ સંકટ નહિ સહી શકે. તું તારા બાપની લાડકી દીકરી છો, તું પાંચ ભાઈની બહેન છો.”
મલુવા બોલી:
બોને થાકો, છને થાકો, ગાછેર તલાય;

તુમિ બિને મલુવાર, નાહિ કો ઉપાય.

[ભલે વનમાં રહેવું પડે, ભલે ઝાડ હેઠળ વસવું પડે, બાકી તમ વિના મલુવાને બીજો આશરો નથી.]
સાત દિનેર ઉપાસ જદિ, તોમાર મુખ ચાઈયા;

બોડો સુખ પાઇબામ તોમાર ચન્નામિતિ ખાઈયા.
[સાત દિવસની લાંઘણો પણ જો તમારા મોં સામે જોતાં જોતાં કરવી પડે, તો જરીયે ફિકર નથી. ફક્ત તમારું ચરણામૃત પીવાથી પણ હું મહાસુખ પામીશ.]
મલુવાએ અષાઢ માસે નાકની નથણી વેચીને ઘરનો ગુજારો ચલાવ્યો; શ્રાવણ માસે પગનાં કડલાં; ભાદરવે બાજુબંધ; આસો મહિને રેશમી સાડી: એમ પોતાનાં વસ્ત્રાભૂષણો વેચી વેચીને સહુનું પેટ ભર્યું. અંતે કાંઈ ન રહ્યું ત્યારે ચાંદ પરદેશ રળવા ચાલ્યો; કોઈને કહ્યા વિના અધરાતે છાનોમાનો નીકળી ગયો.
મલુવાના પિયરમાં ખબર પડી કે મલુવા તો બહુ દુ:ખી છે. પાંચેય ભાઈઓએ બહેને તેડી જવા બહુ મહેનત કરી, ધાન ખાંડી સુખેદુ:ખે મલુવા દિવસ વિતાવે છે.

પાછું વર્ષ પૂરું થયું. કારતક માસે ચાંદ રળીને ઘેર આવ્યો. પરણ્યાનો વેરો ભરીને પાછાં ઘરબાર જપ્તીમાંથી છોડાવ્યાં અને ધણી-ધણિયાણીના મીઠા મેળાપ થયા.
મેવા મિશ્રી શકલ મિઠા, મિઠા ગંગા જલ;

તાર થાકિયા મિઠા દેખો, શીતલ ડાબેર જલ.
તાર થાકિયા મિઠા દેખો દુ:ખેર પરે સુખ;

તાર થાકિયા મિઠા, જોખુન ભરે ખાલિ બુક,
તાર થાકિયા મિઠા જદિ પાય હારાનો ધન;

શકલ થાકિયા અધિક મિઠા વિરહે મિલન.
[મેવા ને મિસરી મીઠાં: એથી મીઠું ગંગાજળ: એથી મીઠું શીતળ નાળિયેર-જળ: એથી મીઠું દુ:ખ પછીનું સુખ: એથી વધુ મીઠાશ ખાલી છાતી ભરાય તેમાં રહી છે: એથી વધુ મીઠી ખોવાયેલ ધનની પ્રાપ્તિ છે; પરંતુ એ સહુથી વધુ મીઠું તો વિજોગ પછીનું મિલન છે.]
કાજીએ ફરી વાર ફાંસલો નાખ્યો: કહેવરાવ્યું કે તારા ઘરમાં પરી જેવી ઓરત હોવાના ખબર અમારા દીવાનસાહેબને કોઈ જાસૂસે દીધા છે. અને દીવાનસાહેબે ફરમાવ્યું છે કે આજથી સાત દિવસમાં જો એ પરી દીવાનસાહેબની હજૂરમાં નહિ હાજર કરે તો તને ગરદન મારવામાં આવશે.
સાત દિવસ પૂરા થયા. ચાંદવિનોદને કેદ પકડી ગયા. અને મલુવાએ શું કર્યું?
કાંદિયા કાટિયા મલુવા કોન કામ કરે,

પંચ ભાઈયે લેખે પત્ર આડાઇ અક્ષરે.
[રોતાં રોતાં એણે પાંચ ભાઈઓને ટૂંકો કાગળ લખ્યો.]
એ કાગળ એણે બાજ પંખીની ચાંચમાં મૂક્યો. ઘણા વખતનું ટેવાયેલું પક્ષી ઇશારામાં જ જઈને પાંચ ભાઈઓને ગામ ઊડી ગયું.
પાંચેય ભાઈઓ ડાંગો લઈને પરબારા ગરદન મારવાના મેદાનમાં ગયા. ચોકીદારનાં માથાં ભાંગીને બનેવીનો જીવ બચાવ્યો. છયે જણા ઘેર જાય, તો ત્યાં મલુવા ન મળે!
ખાલિ પિજરા પઇડા રયે છે, ઉઈરા ગેછે તોતા;

નિબે છે નિશાર દીપ, કોઇરા આંધાઇરતા.
[પિંજર ખાલી પડ્યું રહ્યું છે. અંદરથી પોપટ ઊડી ગયેલ છે. રાત્રિનો દીવો અંધારું કરીને ઓલવાઈ ગયો છે.]
બુકેર પાંજર ભાંગે, બિનોદેર કાંદને;

જાર અંતરાય દુ:ખ, સેઈ ભાલો જાને.
[આક્રંદ કરીને વિનોદનું હૃદયપિંજર ભાંગી જાય છે. એ તો જેના અંતરમાં દુ:ખ હોય તે જ બરાબર સમજી શકે.]
પઇરા રયેછે જલેર કલસી, આછે સબ તાઇ;

ઘરેર શોભા મલ્લુ આમાર, કેવલ ઘરે નાઈ.
[પાણીની ગાગર પડી રહી છે. બીજું રાચરચીલું પણ રહ્યું છે. કેવળ મારા ઘરનો સાચો શણગાર — મારી મલ્લુ — જ ન મળે! ]

રડી રડીને વિનોદ પીંજરા પાસે ગયો: અંદર બેઠેલા બાજ પક્ષીને પૂછ્યું:

બનેર કોડા, મનેર કોડા, જનમ કાલેર ભાઈ!

તોમાર જન્ય જદિ આમિ, મલ્લુરે ઉદિશ પાઈ.
[હે વનના પક્ષી! હે મનના પક્ષી! હે મારા જન્મબંધુ! તારી પાસેથી મને મલ્લુનો પત્તો મળશે?]
પક્ષીને તથા પોતાની માને સંગાથે લઈ, ઘરબાર મેલીને વિનોદ વિદેશે ચાલી નીકળ્યો.
હાઉલાતે બોશિયા કાન્દે મલુવા સુંદરી;

પાલંક છાડિયા બોશે જમીન ઉપરી.
[જહાંગીરપુરના દીવાનની હવેલીમાં બેસીને મલુવા સુંદરી રડી રહી છે. પલંગ છોડીને એ ભોંય ઉપર બેઠી છે.]
રંગીલા શણગાર સજીને દીવાન એ સુંદરીને મનાવે છે. મલુવા યુક્તિ કરીને જવાબ આપે છે:
“હે દીવાનસાહેબ! મારે બાર મહિનાનું વ્રત ચાલે છે. નવ મહિના થઈ ગયા છે, હવે ત્રણ જ મહિના તમે જાળવી જાઓ. પછી હું ખુશીથી તમને પરણીશ. ફક્ત મારી આટલી પ્રતિજ્ઞા પાળવા દેજો; હું કોઈનું રાંધેલું ધાન નહિ ખાઉં, ને કોઈનું અડકેલું પાણી નહિ પીઉં; પલંગે પથારી નહિ કરું; પરપુરુષનું મોં નહિ જોઉં; આટલું જો નહિ પાળવા દ્યો તો હું જીભ કરડીને મરીશ.”
ત્રણ મહિના વીતી ગયા.
મુખેતે સુગંધિ પાન, અતિ ધીરે ધીરે,

સુનાલી રૂમાલ હાતે દેઉઆન પશિલો અન્દરે.
[મોંમાં સુગંધી તાંબૂલ અને હાથમાં જરી ભરેલ રૂમાલ: એવો ઠાઠ કરીને દીવાન ધીરે ધીરે ઓરડામાં દાખલ થયો.]
“હે દિલારામ! પલંગ પર આવો!”
“હે દીવાનસાહેબ, પ્રથમ તો મારા ગરીબ ધણીને છોડી મૂકો. એ બિચારાનો શો ગુનો છે?”
દીવાને પરગણાના કાજી ઉપર એ પ્રમાણે હુકમ મોકલ્યો.
“હવે, હે ખાવંદ! બાજ પક્ષી લઈને શિકારે જવા માટે દિલ થાય છે. કેમ કે હું શિકારીની ઘર-ધણિયાણી હતી. હું એકસામટા સો સો બાજને પકડી દઉં. ચાલો નૌકા લઈને સે’લ કરવા જઈએ.”
દીવાને નૌકા શણગારી. અને મલુવાએ શું કર્યું?
પોતાના બાજ પક્ષીની ચાંચમાં બીજો કાગળ દીધો, પાંચ ભાઈઓને છૂપા ખબર દીધા.
પાંચ ભાઈઓ અને છઠ્ઠો ચાંદવિનોદ પોતાનો મછવો લઈને છૂટ્યા. આઘે આઘે નદીમાં દીવાનની નૌકા સાથે ભેટો થયો. દીવાનના માણસોને મારીને મલુવાને છોડાવી પોતાના મછવામાં ઉઠાવી ગયા.
ચાંદવિનોદના નાતીલાઓએ નિન્દા શરૂ કરી:
કેહો બોલે મલુવા જે, હોઈલો અસતી;

મુસલમાનેર અન્ન ખાઈયા ગેલો તાર જાતિ.
[કોઈ બોલ્યું કે મલુવા સતી નથી રહી. કોઈ કહે છે કે મુસલમાનનું અન્ન ખાવાથી એ વટલાઈ ગઈ છે. ત્રણ ત્રણ મહિના સુધી કાંઈ દીવાનના ઘરમાં ચોખ્ખાં બનીને રહી શકાય જ નહિ!]
વિનોદનો મામો મોટો ખાનદાન હતો! એણે તો કહ્યું કે વિનોદ પણ ન્યાતબહાર! નીકર કરે પ્રાયશ્ચિત! અને બાયડીને કાઢે ઘરબહાર! વિનોદે તો બ્રાહ્મણ પાસે પ્રાયશ્ચિત કર્યું.
પરાચિતિ કોરિયા બિનોદ, ત્યજે ઘરેર નારી,

આધારે લુકાઈયા, કાન્દે મલુવા સુન્દરી.
[પ્રાયશ્ચિત કરીને વિનોદે પોતાની નારી પણ તજી. અંધારે છુપાઈને મલુવા વિલાપ કરવા લાગી.]
કોથા જાઈ, કારે કઈ મનેર બેદન,

સ્વામીતે છાડિલો જદિ કિ છાડે જીબન.
[“ક્યાં જાઉં? મનની વેદના કોને જઈ કહું? સ્વામીએ છોડી, પણ કાંઈ જીવતર મને થોડું છોડવાનું છે!”]
પાંચેય ભાઈઓ બહેન પાસે આવ્યા: ચાલો, બોન, આપણે ઘેર. ત્યાં તને કોઈ જાતની તાણ નહિ આવવા દઈએ.
બાપે બુઝાય, ભાઈયે બુઝાય, ના બુઝે સુન્દરી;

બાહિર કામુલી હોઇયા આમિ થાકિબો સોવામીર બાડી.
[બાપે સમજાવી; ભાઈએ સમજાવી; પણ સુંદરી માનતી નથી. એ તો કહે છે કે હું સ્વામીને ઘેર બહારની ચાકરડી બનીને રહીશ!]
હે સ્વામી!

અન્ન જલ ના, નિતે ના પારિબો આમિ;

ભાલો દેઇખ્યા બિયા કોરો સુન્દરી કામિની.
[હું તમને અન્નજલ નહિ લાવી આપી શકું. માટે સારી સ્ત્રી જોઈને તમે પરણી લ્યો.]
નાતીલાઓએ મળીને ચાંદવિનોદને પરણાવ્યો.
મલુવા ધણીને ઘેર છાણવાસીદાં કરે છે, બુઢ્ઢી સાસુની સેવા-ચાકરી કરે છે, અને શોક્યને નાની બહેન ગણી સંભાળે છે.
એક દિવસ ચાંદવિનોદ પીંજરું લઈને બાજ પક્ષીને શિકારે ચાલ્યો. ચાલતો ચાલતો ઘોર જંગલમાં નીકળી ગયો. લપાઈને બેઠો છે. ત્યાં એને કાળા નાગે ચટકાવ્યો. પલકમાં તો ઝેર તાળવા સુધી ચડી ગયું.
ઉઈરા જાઓ રે પશુ પાખી કઈઓ માએર આગે;

આમિ બિનોદ મારા ગેલામ એઈ જંગલાર માઝે.
[ઊડી જાઓ, વનનાં પશુપંખી! અને મારી માને જઈને કહો કે ચાંદવિનોદ આ જંગલમાં મરી ગયો.]
સમી સાંજે વટેમાર્ગુઓએ માતાને જાણ કરી. સગાંવહાલાં ચાંદના શબ માથે જઈને રોવા લાગ્યાં. ફક્ત મલુવા જ હિમ્મત કરીને બોલી: “ન રડો, ન રડો, ઓ ભાઈ! પ્રથમ પરીક્ષા તો કરાવીએ કે એની નાડમાં પ્રાણ છે કે નહિ!”
કાંઠે મનવેગી-પવનવેગી નૌકા ઊભી છે: મરેલા ધણીનું માથું ખોળામાં લઈને મલ્લુ નૌકામાં બેઠી. પાંચેય ભાઈઓ હલેસાં મારવા લાગ્યા. ગારુડી વૈદના ગામનો પંથ સાત દિવસનો હતો, તેને બદલે મલુવા એક જ દિવસમાં પહોંચી.
ગારુડી વૈદે મડદાનાં નાક-મોં તપાસી માથા પર થાપટ દીધી. વિષ કમ્મર સુધી ઊતરી ગયું. કમ્મરથી ગોઠણ સુધી ઊતર્યું. ગોઠણથી ઊતરીને વિષ પગના અંગૂઠામાં ગયું. અને પાતાળમાંથી કાળા નાગે આવીને અંગૂઠેથી ઝેર ચૂસી લીધું.
ચાંદવિનોદે આંખો ઉઘાડી.
ધણીને જીવતો કરીને મલ્લુ ઘેર આવી. ગામમાં તો જેજેકાર ઊઠ્યો. લોકોએ પોકાર કર્યો કે “અરે ભાઈ! આ બેહુલાના અવતાર સમી સતીને ન્યાતબહાર રખાય? એને ન્યાતમાં લઈ લ્યો. એના હાથમાં છાણવાસીદાં ન હોય!”
વિનોદનો મામો ન્યાતનો પટેલ હતો: એણે જવાબ દીધો: “જે કોઈ મલ્લુ વહુને ઘરમાં ઘાલશે, એ ન્યાતબહાર!”
દુખિયારી મલ્લુ એકલી પડીને વિચારે છે: હાય રે! હું જીવું છું ત્યાં સુધી મારા સ્વામીના કપાળે કાળી ટીલી જ રહેવાની. સદાય મારો સ્વામી દુ:ખી થયા કરશે. એ કરતાં મારી આવરદાનો જ અંત કાં ન આણું?
મનથી મરવાનું નક્કી કરીને મલ્લુ નદીને આરે આવી. મન-પવનવેગી નૌકા બાંધી હતી તેમાં બપોર વખતે મલ્લુએ પગ મૂક્યો. પગ મૂકતાંની વાર જ —
ઝલકે ઝલકે ઉઠે ભાંગા નાઉ સે પાનિ;

કોતો દૂરે પાતાલપુરી આમિ નાહિ જાનિ.
[એ તૂટેલા નાવડામાં ઝલક! ઝલક! ઝાલક મારતાં મારતાં નદીના પાણી દાખલ થવા લાગ્યાં. મલ્લુ બોલી કે “હે નદીનાં નીર! હું નથી જાણતી કે પાતાળપુરી આંહીંથી કેટલે દૂર છે. માટે — ]
ઉઠુક ઉઠુક આર ઓ જલ, નાઉએર બાતા બાઇયા.
[હે વાયરા! તમે ફૂંકો! અને ભલે આ નાવમાં હજુ વધુ પાણી ચડો! ]
નાવડું ખેંચાવા લાગ્યું. નીર ભરાવા લાગ્યાં, ત્યાં તો ચાંદવિનોદની બહેન ધા દેતી આવી:
“ઓ ભાભી! તૂટેલ નાવડું છોડી દે! ઘેર ચાલ! ઘેર ચાલ!”
નાવમાંથી મલ્લુ જવાબ વાળે છે:
ના જાઇબો ઘરે આર, શુનો હે નનદિની,

તોમરા સબેર મુખ દેઇખ્યા, ફાટિ છે પરાની.
[હે નણંદબા! હવે ઘેર નહિ આવું. તમારાં સહુનાં મોં દેખીને મારી છાતી ફાટે છે. માટે —]
ઉઠુક ઉઠુક ઉઠુક પાનિ, ડૂબુક ભાંગા નાઉં;

જન્મેર મત્ત મલુવારે, એકબાર દેઇખ્યા જાઉ.
[આજ તો ભલે આ પાણીનાં મોજાં ઉછાળા મારે! મારવા દ્યો ઉછાળા! ડૂબવા દ્યો આ તૂટેલી નૌકાને! અને છેલ્લી વાર તમે સહુ સગાં તમારી મલ્લુને નીરખી જાઓ!]
નાવડું વધુ ને વધુ ડોલવા લાગે છે. પાણી વધુ ને વધુ ભરાતાં જાય છે, હાથ જોડીને મલ્લુ સહુને પગે લાગી રહી છે. ત્યાં તો પોકાર કરતી સાસુ વીખરાયેલે વાળે દોડી આવે છે:
“ઓ મારી વહુ! મારા ઘરની લક્ષ્મી! પાછી વળ! એક વાર પાછી વળ!’

મલ્લુ બોલે છે:
ઉઠુક ઉઠુક ઉઠુક પાનિ, ડૂબુક ભાંગા નાઉં;

બિદાય દેઓ મા જનની. ધરિ તોમાર પાઉ.
[હે માતાજી! મને રજા આપો. તમારા ચરણે પડું છું. અને ઊછળો! ઊછળો! ઊછળો હે નદીનાં નીર! ભલે ડૂબે આ તૂટેલ નાવડી!]
ભાંગા નાઉએ ઉઠલો પાનિ, કરિ કલ કલ,

પાડે કાન્દે હાઉડી, નાઉ અર્ધેક હોઈલો તલ.
[તૂટેલ નાવડીમાં પાણી કલ! કલ! અવાજ કરતાં ભરાવા લાગ્યાં છે. કિનારે ઊભેલી સાસુ રડે છે. અરધીક નાવડી તો ડૂબી પણ ગઈ છે.]
પાંચેય ભાઈઓ દોડ્યા આવ્યા, એકેએક નાતીલો દોડ્યો આવ્યો અને ભાઈઓએ સાદ કીધો કે “ઓ બોન! શીદ મરવું પડે છે? ચાલો બાપને ઘેર. સોનાની નૌકામાં બેસારીને તને તેડી જશું.”
પાણીમાં ડૂબતી બહેન બોલે છે કે “હે ભાઈઓ, હવે બાપને ઘેર જવાનું ન હોય. મને રજા આપો!”
ઉઠુક ઉઠુક ઉઠુક જલ, ડૂબુક ભાંગા નાઉ!

મલુવા રે રાઇખ્યા તોમરા આપન ઘરે જાઉં.
[ઊઠો! ઊઠો! ઊઠો હે નદીનાં પાણી! ભલે નાવડી ડૂબી જતી! અને, હે વહાલાંઓ! તમે હવે મલ્લુને વળાવી પાછાં વળો! ]
“એક વાર મારા ચાંદને બોલાવો. એક વાર એનું મુખ નિહાળી લઉં. એક વાર કોઈ એને તેડી લાવો!”
તૂટતે શ્વાસે ચાંદ દોડતો આવ્યો: એણે મલ્લુને મધનદીમાં ડૂબતી દેખી: કિનારેથી એણે ધા નાખી:
“ઓ મારી આંખોના તારા! ઓ મલ્લુ! આવું કરવું’તું?”
ડોલતી-ડૂબતી નાવડીમાંથી દૂબળો સૂર આવ્યો: “હે સ્વામી! હવે સંસારમાં મારું શું કામ છે? ન્યાતીલાઓને અને સગાંવહાલાંઓને હવે મારી જરૂર નથી. હવે મને સુખેથી રજા આપો!”
ન પહોંચાય તેટલે દૂર નીકળી ગયેલી સતીને સ્વામી પુકારે છે:
તુમિ જદિ ડૂબો કન્યા, આમાંય સંગે નેઉ;

એકટિબાર મુખે ચાઇયા પ્રાનેર બેદના કઉ.
[હે સ્ત્રી! તું ડૂબવા ચાહતી હોય તો મને પણ સંગાથે લઈ લે; એક વાર મારી સામે જોઈને મને તારા પ્રાણની વેદના કહે.]
ઘરે તૂઇલ્યા લઇબામ તોમાય સમાજે કાજ નાઈ;

જલે ના ડૂબિયો કન્યા, ધર્મ્મેર દોહાઈ.
[ઓ વહાલી! હું તને ઘરમાં દાખલ કરી લઈશ. મારે ન્યાતની પરવા નથી. તું ન ડૂબીશ. તને ધર્મની દોહાઈ છે.]
“ના, ના, સ્વામી!”
આમિ નારી થાક્તે તોમાર કલંક ન જાબે;

જ્ઞાતિ બંધુજને તોમાય સદાઈ ઘાટિબે.
[હું જીવીશ ત્યાં સુધી તારું કલંક નહીં જાય. ન્યાતીલાઓ તને સદાય નિંદ્યા કરશે. માટે ઓ નાથ!
ઘરે આછે સુન્દર નારી, તારી મુખે ચાઈયા;

સુખે કર ગિરવાસ, તાહારે લઈયા.
[તારે રૂપાળી સ્ત્રી છે, તેનું મોં નીરખીને તું સુખેથી તેની સાથે તારો ઘરવાસ ચલાવજે.]
ગળાબૂડ પાણી ચડી ગયું છે. મલ્લુનું રૂપાળું મોઢું જ હવે દેખાય છે, અને પાતાળપુરીની નાગકન્યાઓ જાણે મોજાંને રૂપે મલ્લુને વીંટળાઈ વળેલ છે. એ ગળાબૂડ પાણીમાંથી મલ્લુ શું બોલે છે?
“હે ન્યાતીલાઓ! વધુ દોષિત હોય તેણે જ ચાલી નીકળવું જોઈએ. મારા સ્વામીનો બિચારાનો કશોય દોષ નહોતો છતાંયે તમે એને સંતાપ્યો. હવે હું જાઉં છું. હવે એના ઉપર નિર્દય ન થાજો!”
પૂવેતે ઉઠિલો ઝડ, ગર્જિયા ઉઠે દેઉવા,

એઈ સાગરેર કૂલ, નાઇ ઘાટે નાઇ ઢોઉવા.
[પૂર્વ દિશામાં વાવાઝોડું ઊઠ્યું છે, વરસાદ ગર્જના કરે છે અને જે સાગરને કોઈ કિનારો ન હોય, જે ઘાટ પર નૌકા ન હોય ત્યાં જવા માટે મલ્લુ આતુર થઈ રહી છે.]
ડૂબુક! ડૂબુક! ડૂબુક! નાઉ આરો બાં કો તો દૂર;

ડુઇબ્યા દેખિ કોતો દૂરે આછે પાતાલપૂર.
[ડૂબી જા! ડૂબી જા! ડૂબી જા! ઓ નૌકા! હવે કેટલુંક દૂર છે? ડૂબીને જોઉં તો ખરી, પાતાળપુરી કેટલીક છેટી રહી છે!]
પૂવેતે ગજ્જિર્લ્લો દેઉવા, છૂટલો બિષમ બાઉ,

કોઇબા ગેલ સુન્દર કન્યા, મન પવનેર નાઉ.
[પૂર્વમાં વરસાદ ગરજ્યો. તોફાની વાયરા વછૂટ્યા. ક્યાં ગઈ એ સુંદરી? ક્યાં ગઈ એ મન-પવનવેગી નૌકા? કોઈનેય ખબર ન પડી.]
લેખક – ઝવેરચંદ મેઘાણી

આ માહિતી સૌરાષ્ટ્રની રસધાર માંથી લેવામાં આવેલ છે.